બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે બાતમી આધારે એક જ નંબર પ્લેટ લગાવેલ બે લક્ઝરી બસને ઝડપી લઈ તપાસ કરતા ટેક્સ બચાવવા આ બન્ને ગાડીઓ એક જ નંબર લગાવી ફરતી હોવાનું જણાતા આ બન્ને ગાડીઓ કેટલા સમયથી ચાલતી હતી અને કેટલો ટેક્સ બાકી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.અમીરગઢ આર.ટી.ઓ નજીક ગત રાત્રે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે બાતમી આધારે રાત્રી દરમ્યાન વોચ ગોઠવી હતી. જેમાં આ ટીમના એ.એચ.ગુર્જર, ડી.ડી.મોદી અને વી.આર.ચૌધરી સહિતના અધિકારીઓની સ્પેશ્યલ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમ વોચમાં હતી તે દરમ્યાન રાજસ્થાનથી ગુજરાત તરફ અને બીજી લક્ઝરી બસ ગુજરાતની રાઝથાન તરફ જતી હોઈ બન્નેને રોકવામાં આવી હતી અને તપાસ કરતા આર.જે.૧૯ પી.બી.પ૬૮ર નંબરની બન્ને લક્ઝરી બસોની નંબર પ્લેટ એક જ હોવાનું જણાતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. ટેક્ષ બચાવવા માટે એક જ નંબરની પ્લેટ લગાવી ફરતી આ લક્ઝરી બસોને ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે ઝડપી લઈ અમીરગઢ આર.ટી.ઓ કચેરી ખાતે લઈ જવામાં આવી હતી અને કેટલા સમયથી આ વાહનો ચાલતા હતા અને કેટલો ટેક્સ બાકી છે તેમજ અન્ય કોઈ વાહનો પણ આ પધ્ધતિથી ચાલે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે તો અન્ય વાહનો પણ એક જ નંબરની પ્લેટો લગાવી ટેક્સની ચોરી કરતા હોવાનું ખૂલે તેવી સંભાવના વર્તાઈ રહી છે.