વલભીપુરથી ઉમરાળા તરફ ચાર કિલોમીટર દૂર એક ખાનગી કારનો એસટી બસ સાથે અકસ્માત થતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મયુરભાઈ પોપટભાઈ શીંગાળા, કાળુભાઇ નાથાભાઈ કુંભાણી તથા કનુભાઈ ભાણાભાઈ કુંભાણી સુરતથી સાવરકુંડલા જવા નીકળ્યા હતા. આજે વહેલી સવારે 06:30 કલાકે વલ્લભીપુરથી ચાર કિલોમીટર ઉમરાળા તરફ લક્ષ્મી પેટ્રોલપંપ પાસે પહોંચતા સામેથી આવતી અમરેલીથી અમદાવાદ રૂટની એસટી બસ નંબર GJ-18- Z-5020 સાથે ધડાકાભેર કારની ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક કનુભાઈ ભાણાભાઈ કુંભાણીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મયુરભાઈ પોપટભાઈ શીંગાળાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તથા કાળુભાઈ નાથાભાઈ કુંભાણી પણ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં વલભીપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે ખસેડી મૃતકની લાશનું પીએમ. કરવા વલભીપુર ખસેડાઇ હતી.
તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર