અનુભવના ઓટલે અંક: ૫૩ પરીક્ષા

567

શાળા કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલે છે બીજી તરફ કોરોના(કોવીડ-૧૯) નું તાંડવ ચાલે છે. શિક્ષણ જગત પરીક્ષામય બની જુદી-જુદી પરીક્ષાઓ ગોઠવવાના મુડમાં હતું પરંતુ કોરોના(કોવીડ-૧૯)એ શિક્ષણ જગતની આશા,અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું હોય તેમ લાગે છે. પરીક્ષા અંગેના વર્કશોપ શિક્ષણ જગત દ્વારા યોજાયા પરંતુ તે મુજબ પરીક્ષાનું આયોજન કરવાની કોરોના(કોવીડ-૧૯)એ તક આપી નહિ. ત્યારે બીજા કોઈ વિષય પર વાત કરવાના બદલે મારા જીવનની પરીક્ષા વિશે થોડી અનુભવના ઓટલે વાતો કરવાનું મન થાય છે. આમ તો માણસ આજીવન વિદ્યાર્થી જ રહે છે. જીવનમાં ડગલે ને પગલે શીખતો માણસ અનુભવના હથોડે ઘડાતો હોય છે. કુંભાર માટલાને ઘાટ આપવા ટપલા મારે છે, તેમ ઈશ્વર પણ અનુભવના હથોડે માણસનું જીવન ઘડતો હોય છે. નાના-મોટા ફટકા ખાઈ માણસ ઇશ્વરના પ્રેમના ટપલા વડે ઘડાતો રહે છે. ચકડોળ જેવી ચાલતી આ પ્રક્રિયાને આપણે કસોટી કે પરીક્ષા તરીકે ઓળખીએ છીએ. જેમ ચકડોળ ચક્કર-ચક્કર ફરતું-ફરતું ઊંચે જાય છે. તેમ આપણું મન હાલકડોલક થવા લાગે છે. એવી જ રીતે જીવનમાં સુખ-દુ:ખની ચડતી-પડતીની ઘટમાળ ચાલતી રહે છે. કોઈવાર ધાર્યું પરિણામ મળતું હોય છે, તો કોઈવાર નિષ્ફળતા પણ મળે છે. ખરા અર્થમાં આ તો છે જીવનની ચડતી પડતી. બીજા શબ્દોમાં કહુ તો નિષ્ફળતા આપણા જીવનનો કોઈવાર રસ્તો બદલી,આપણને વધુ સુખી બનાવવા માર્ગ ચીંધતી હોય છે. ચીંધેલો માર્ગ જે પકડી શકે છે, તેનું જીવન પલ્ટાઈ જાય છે. કાંટાળો દેખાતો માર્ગ સિદ્ધિના સામ્રાજ્ય તરફ દોરી જાય છે. આ માર્ગે કોઈવાર આપણને માનવતાના મુલકમાં પ્રેમનું સિંહાસન પ્રાપ્ત થતું હોય છે.
દેખીતું સુખ જીવાત્માનું પતન નોતરી શકે છે. તેમ છતાં આપણે તેની પાછળ હરણની જેમ જિંદગીભર દોડતા રહીએ છીએ. તેને મેળવવા કાવાદાવા પણ કરતા હોઈએ છીએ. જે આપણા હકનું ન હોય તેના પર કબજો જમાવા પાપના પોટલા બાંધતા ખંચકાતા નથી. આખરે આપણું પતન થાય છે. એટલે કે મળેલો માનવ અવતાર એળે જાય છે. ધન કમાવાનું ગૌરવ જરૂર મળે છે, પણ માનવદેહ મળવા છતાં આત્મકલ્યાણનો મોકો ગુમાવી બેસીએ છીએ. આત્માને ચોટેલી અશુદ્ધિઓ દૂર કરવા પુન:લખચોરાશીનો ફેરો મારવો પડે છે. તેથી હરણની જેમ ઝાંઝવાના જળ જેવા સુખની પાછળ દોડવાના બદલે આત્માની મુક્તિ માટે સૃષ્ટિનાં કલ્યાણ માટે કર્મ કરતા રહેવું જોઈએ.

“મને એ સમજાતું નથી કે
હું પૂછું કિરતાર તારે ઘેર કાં અંધેર છે?
સંતને શૂળી અને દુરિજનને લીલા લ્હેર છે!
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!”

કોરોના(કોવીડ-૧૯)ની ભયાનક સવારી આવતી હોવા છતાં આપણા રાજકીય નેતાઓ ખરીદ-વેચાણની બજારમાં હડીયું કાઢે છે. જેને પ્રજાએ પોતાના પ્રીતીનીધી તરીકે ચૂંટી કાઢી લોક કલ્યાણ કરવાના કામની જવાબદારી સોંપી છે તેવા નેતાઓ ચલકચાલાણું રમવા લાગ્યા છે. “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” ઉક્તિને ચરિતાર્થ કરવા આ લોકો મન મનાવી રાતદિવસ કામ કરતા હોય તેમ લાગે છે. આવા લોકોનું સરનામું કાશ કોરોના(કોવીડ-૧૯)ને મળી જાય તો પૈસો બિચારો શું કરશે તે વિચારવાનો સમય પાકી ગયો છે. મનમાં ઘોળતા વિચારો આત્મચિંતન તરફ દોરી જાય છે.મારા માયલામાં એવું શું સત્ત્વ છે એની ખબર નથી જે મને અસત્યના માર્ગથી બચાવે છે. આવા રાહ પર જતો અટકાવે છે. એટલે જ સેવાના સંસારસાગરમાં મારી નાવ ગતિ કરી રહી છે.
પૂર્વ ધારાસભ્ય શ્રી અમરશીભાઈ પટેલના દુ:ખદ અવસાન બાદ મને અંધ અભ્યુદય મંડળના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો હતો. દર ત્રણ વર્ષે અમારી પેનલને બિનહરીફ ચૂંટવામાં આવતી હતી, પણ પાછલા બારણે અમને કેટલાંક લોકો મંડળમાં કારોબારી સભ્ય અથવા હોદ્દેદાર તરીકે ચૂંટણી લડવા ઇચ્છતા હતા. તેવી વાતો જાણવા મળતી હતી. તેથી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ શનિવારનાં રોજ યોજાનાર ચૂંટણીમાં મંડળના દરેક સભ્યો ભાગ લઈ શકે તેવા ઉદ્દેશથી અગાઉથી લેખીતમાં પત્ર પાઠવી દરેક સભ્યને જણાવ્યું હતું કે:જેઓ મંડળમાં કારોબારી સભ્ય કે હોદ્દેદાર તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેમણે ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કરી દેવાનું રહેશે. નિયત સમયમાં મળેલ ઉમેદવારીપત્રક માન્ય ઠરશે. માન્ય ઠરેલ ઉમેદવારોની હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે સામાન્યસભામાં ચૂંટણી કરવામાં આવશે. એક પણ ઉમેદવારીપત્રક નિયત સમય ગાળામાં ભરાયું ન હોવા છતાં, ઘણા લોકો અમારો સંપર્ક કરી કહેતા હતા: “અમને પત્ર મળ્યો નથી, તેથી અમને ચૂંટણી લડવાની તક મળી નહિ” ઘણાં અસંતોષી મિત્રો સાથે બેઠક કરી મંડળમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. લાભાર્થી અને મંડળના હિતેચ્છુ સભ્યોની લાગણીને માન આપી, મેં મારી પેનલ સાથે ચૂંટણી લડી લેવાનું મન મનાવ્યું. પસંદગીની પેનલ મળે તો કામ કરવાની મજા આવે. તેમ સમજી મેં મારી પેનલના સભ્યો ઊભા રાખવા નિર્ણય લીધો. મંડળની સામાન્યસભામાં પ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ અને માનદ્ મંત્રીની ચૂંટણી હાથ ધરવામાં આવી. મારી પેનલના બાબુ ગોહિલ અને હસમુખભાઈ ધોરડા અનુક્રમે જણાવેલ હોદ્દાઓ પર હરીફ ઉમેદવારોને પરાજિત કરી ચૂંટાઈ આવ્યા. બાકીની પેનલ બબિનહરીફ થઈ. આમ, અંધ અભ્યુદય મંડળનું સુકાન અમારી પેનલને આગામી ત્રણ વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. જાહેર થયા વિના લેવાયેલી પરીક્ષામાં ઉતિર્ણ થવાનો મને અત્યંત આનંદ છે. કારણ કે બુદ્ધિ અને હૈયા વચ્ચે થયેલા જંગમાં હૈયાનો એ ઝળહળતો વિજય હતો. અંતરના આંગણે ફૂટી નીકળેલા લાગણીના છોડ પર ખીલી ઉઠેલા પુષ્પોની એ મઘમઘતી મહેક હતી. જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ લોકોનો યજ્ઞ હતો. પૂર્વે ઋષિમુનિઓ યજ્ઞ પૂર્ણ કરવા તત્પર રહેતા હતા. કારણ કે પહેલાના સમયમાં આવા યજ્ઞોથી લોકોનું ભલું થતું હતું. આજે પણ સેવાયજ્ઞો જરૂરિયાતમંદ લોકો માટે લાભકારક નીવડે છે. તેથી સેવાયજ્ઞને સફળ બનાવવા હું અમારી પેનલને વિજયની વરમાળા પહેરાવા ઇચ્છતો હતો. જેમાં ઇશ્વરે અમારી લાજ રાખી છે, એટલું જ નહિ ઇશ્વરે તેમ કરી અમને સેવાની ગંગામાં સ્નાન કરવાનો મોકો પણ આપ્યો છે. સમયાંતરે યજ્ઞનું સ્વરૂપ બદલાતું રહે છે. વર્તમાન સમયમાં અગ્નિમાં ઘી હોમવા કરતા,કોઈના અંતરના કોઠે ટાઢક વળે તેવા સેવાયજ્ઞની જરૂર છે. યજ્ઞ અન્યના ઉત્થાન અને વિકાસ માટે હોય છે. યજ્ઞકર્તાએ પોતાની આહુતિ આપવાની હોય છે. અમારી ટીમે અંધ અભ્યુદય મંડળની સેવાકિય પ્રવૃત્તિઓને જીવંત રાખવાના હેતુથી આગામી ત્રણ વર્ષ માટે જવાબદારી ઉઠાવી છે. આપ સૌની લાગણી અને સ્નેહ અમારા યજ્ઞને પ્રજ્જ્વલિત રાખશે. ગીતા ગાયક ભગવાન કૃષ્ણના મતે યજ્ઞ કરવાથી વરસાદ પડે છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે. અન્નથી જીવનનિર્વાહ ચાલે છે. આમ,યજ્ઞનું આગવું મહત્ત્વ ગીતામાં દર્શાવામાં આવ્યું છે. તેથી કળીકાળમાં યજ્ઞનું બદલાયેલું સ્વરૂપ અકબંધ રહે તેવા ઉદ્દેશથી સેવાયજ્ઞ ચાલતો રહેવો જોઈએ.
કોઈ પણ અપેક્ષા વિના બજાવેલી સેવા, યજ્ઞ જેટલું ફળ આપે છે. તેથી હું સેવાના કાર્યને યજ્ઞ તરીકે ઓળખ આપવા ઈચ્છું છું. કળીકાળમાં સેવાયજ્ઞના લીધે સૃષ્ટિના જીવોનું ભરણપોષણ શક્ય બને છે. પહેલાના ઋષિમુનિઓ ધર્મયજ્ઞ કરતા હતા. ઇતિહાસમાં આપણને અનેક યજ્ઞો વિશે જાણવા મળે છે. જેમ કે અશ્વમેઘયજ્ઞ, લક્ષ્યચંડીયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ વગેરે ધર્મયજ્ઞોમાં દાનવો અવરોધો ઊભા કરવા આવી પહોંચતા હતા. આ માટે દેવો અને દાનવો વચ્ચે લોહી-લુહાણ યુદ્ધો ખેલાતા હતા. તે સમયે દેવો માટે યજ્ઞ સફળતાપૂર્વક પૂરો કરવો, એક પડકારરૂપ હતું. તેમ છતાં દેવો જીવોના કલ્યાણ અર્થે યજ્ઞ અવશ્ય પૂરો કરવા તત્પર રહેતા હતા. આપણે પણ સેવાના કાર્યને જીવંત રાખવા આવનારી સમસ્યાઓનો સામનો કરવો જોઈએ. એટલું જ નહિ કહેવાતા વિરોધ સામે ઝૂક્યા વિના કાર્ય કરતા રહેવું જોઈએ. અન્યને લાભ પહોંચાડતું હોય તેવું કોઈ પણ કાર્ય અધૂરું છોડવું ન જોઈએ. તેમ સમજી મેં પ્રજ્ઞાચક્ષુ પરિવારના ભલા માટે મંડળની ચૂંટણી લડી લેવા નિર્ધાર કર્યો હતો. લક્ષ્ય વગરના લોકોના હાથમાં સુકાન સોંપવાથી સેવાનો સૂર્ય અકાળે અસ્ત પામતો હોય છે. ઈશ્વર આવનારા અવરોધોને રોકવા કોઈ ને કોઈ વ્યક્તિને ધરતી પર મોકલતો હોય છે. તેની કૃપા વિના લોક કલ્યાણનાં યજ્ઞમાં આહુતિ આપવાની તક મળતી નથી. કળીકાળનો યજ્ઞ પૂર્ણ કરવાની ઈશ્વરે અમને સોનેરી તક આપી ધન્ય કરી દીધા છે. અચાનક લેવામાં આવેલી પરીક્ષામાં સફળ રહેવાનો અનેરો આનંદ છે. કર્મયજ્ઞ પ્રજ્જવલિત રાખવા પરમ કૃપાળુ પરમેશ્વરે, અમારી ટીમને વિજયની વરમાળા પહેરાવી સેવાના ભાગીદાર બનાવ્યા છે. ત્યારે જીવના ત્રણ તત્વ જાણવાની જરૂર છે. અંત:કરણ, ચિદાભાસ અને વ્યાપકચેતન, જીવના ત્રણ તત્વ છે. જીવને જગત જોવું હોય તો ચિદાભાસની જરૂર પડે છે. પરમાત્માના સ્વરૂપને જાણવા ચિદાભાસની કોઈ આવશ્યકતા રહેતી નથી. તદરૂપ બનેલો જીવ વૃત્તિનું આવરણ હટાવી શકે તો તેને તત્વની અનુભૂતિ થાય છે. પરમાત્મ સ્વરૂપ અનુભવનો વિષય છે. નિ:સ્વાર્થભાવે બજાવેલી સેવા પરમ તત્વની ગોદ તરફ દોરી જાય છે. સત્વગુણમાં ઇચ્છા સંભવે છે. પણ શુદ્ધ તત્વમાં ઇચ્છા ઉદ્ભવતી નથી. પરંતુ માયાના ત્રણ ગુણો તત્વ સાથે મળે છે. એટલે આનંદ લેવા માટે ઇચ્છા પેદા થાય છે. બ્રહ્મસૂત્રના મતે જગતનું નિર્માણ પણ આના લીધે થયું છે. ઇશ્વરની મોજ માટે ઉદ્ભવેલા જગતને ચલાવા આપણે કર્મની પરીક્ષા આપવી પડે છે. નિ:સ્વાર્થભાવે કર્મ બજાવી આપણે મુક્તિના ધામ સુધી પહોંચી શકીએ છીએ. અંધ અભ્યુદય મંડળની જવાબદારી હું પરમેશ્વરની ઇચ્છાનું રમકડું બની ઉઠાવા માગું છું. કારણ કે ઈશ્વરે પણ આ સૃષ્ટિનું નિર્માણ તેના આનંદ કે મોજ માટે કર્યું છે. સારું રમકડું બાળક વધુ પસંદ કરે છે. તેમ આપણે પણ ઈશ્વરને ખુશ કરવા એક રમકડું બનવું પડશે. એટલે તો કોઈ કવિએ ગાયું છે:
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એ જી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઈ,
રાખનાં રમકડાં, રમકડાં …
મંગલ ફેરા ફિલ્મના શબ્દો ઘણી ટકોર કરી જાય છે.

અકબર બાદશાહે એક કૂતરો પાળ્યો હતો. તેને બાંધવા તેના ગળામાં એક ચામડાનો પટ્ટો બાંધવામાં આવ્યો હતો. એક રાત્રીના કૂતરો ઊંઘતો હતો. ઉંદરે કૂતરાના ગળામાં બાંધેલો પટ્ટો તેના તીક્ષ્ણ દાંત વડે કાપી નાખ્યો. સવારના અકબર બાદશાહને ખબર પડી કૂતરાને બાંધવા ચામડાનો પટ્ટો સાંધવો પડે તેમ હતો. મોચી સવારના હાજર ન હતો. બાદશાહ પોતે પટ્ટો સાંધવા બેસી જાય છે. અકબર બાદશાહને મોચી ન મળે તેવુ ન હતું. તેમ છતાં તે પોતાની ખુશી ખાતર મોચીનું કામ પણ કરવા લાગે છે. અંતરના આનંદ માટે કરેલું કાર્ય હંમેશા અપેક્ષા વિનાનું હોય છે. સહજ ભાવે કરેલું કર્મ સિદ્ધિના જગત તરફ દોરી જાય છે. તેથી નિજાનંદ મેળવવા અપેક્ષા વિના કર્મ બજાતા રહેવું જોઈએ.

“આંખોના અજવાળા લીધા,લીધું બાળપણ સારું,
અંધજનોના કલ્યાણ કેરું કામણ કેવું કીધું,
દિવ્ય દૃષ્ટિનો દરબાર દીધો,
અંધારુ ઓલવી દીધું,
શિશ નમાવી ‘ઝગમગ’ કહે પ્રભુ,
મારી નાવનું સુકાન તને દીધું”

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleભાવનગરમાં લોકડાઉન જાહેરનામાની અમલવારી શરૂ લોકોને સહયોગ આપવા અપીલ : રેન્જ ડીઆઈજી અશોકકુમાર યાદવ
Next articleગોહીલ પરિવારના મોભીને ભાવપુર્વક શ્રદ્ધાંજલી અર્પણ