કલોલ પૂર્વમાં આવેલા જય ભવાની રો-હાઉસમાં રહેતા ૧૭ વર્ષિય તરૃણે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. મૃતક ધોરણ-૧૨માં હતો. બોર્ડની પરીક્ષાના તણાવમાં તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા જયભવાની રો-હાઉસમાં રહેતા ૧૭ વર્ષિય અજય ઇશ્વરભાઇ પરમારે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો હતો. રપ માર્ચની બપોરે પોતાના ઘરમાં એકાંત મળતાં તેણે ઉધઇ મારવાની ઝેરી દવા પી લીધી હતી.
પરીવારજનોને આ ઘટનાની જાણ થતા પ્રથમ તેને કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ગાંધીનગરની સિવીલ હોસ્પિટલ માં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યં હતું. ઘટનાની જાણ થતાં શહેર પોલીસે મૃતકની લાશનું પોસ્ટ મોર્ટમ કરાવી લાશનો કબ્જો તેના વાલીવારસોને સોંપ્યો હતો.
પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી. મૃતક અજય ધોરણ-૧૨ માં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષાના ત્રણ પેપર પણ આપ્યા હતા. પરીક્ષા દરમિયાન તે સતત તણાવમાં રહેતો હતો. ત્યારે બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં આવી જઇ તેણે આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.
બોર્ડની પરીક્ષાનો હાઉ એટલો હોય છે કે વિદ્યાર્થીઓ સતત તણાવમાં રહેતા હોય છે. નાપાસ થવાના ડરથી ઘણા વિદ્યાર્થીઓ વિચાર્યા વગર જ આત્મઘાતી પગલું ભરી લેતા હોવાથી ચકચાર પણ મચી ગઇ છે.