કોરોના વાયરસથી ચેપ ફેલાવવાના કારણે આજે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે એક પડકાર ઉભો થયો છે ત્યારે ભાવનગર જિલ્લાની મિશન મંગલ યોજના અંતર્ગત રચવામા આવેલ સખી મંડળો દ્વારા તાબડતોબ માસ્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ સુધી સખી મંડળની બહેનો દ્વારા 70 હજારથી વધુ માસ્ક બનાવ્યા છે.તેમજ આ મંડળો દ્વારા ભાવનગર જિલ્લા સિવાય અન્ય જરૂરીયાત વાળા જિલ્લાઓમાં પણ માસ્ક મોકલવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં મંડળ દ્વારા અંદાજિત ૨૫,૦૦૦ જેટલા માસ્ક જરૂરિયાતવાળા જિલ્લામા મોકલી આપવામાં આવેલ છે.આ કામગીરી માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.કે.પટેલ દ્વારા સતત સંકલન કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આ બહેનો પોતાની રોજગારીની સાથે સાથે પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી પણ બખૂબી નિભાવી રહયા છે. આ કામગીરીમાં હાલ જિલ્લામાં કુલ ૧૬૩ બહેનો જોડાયેલા છે અને પ્રતિ માસ્ક રૂ. ૧૦ના ભાવે આ સખી મંડળો દ્વારા માસ્ક આપવામાં આવી રહ્યા છે.
જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી વિજયસિંહ વાઘેલાએ રૂબરૂ વાતચીતમાં જણાવેલ કે જો આ બહેનોને રો મટીરીયલ આપવામા આવે તો પ્રતિમાસ રૂપિયા ચાર ના નજીવા મહેનતાણાથી માસ્ક તૈયાર કરી આપવાની પણ બહેનોએ તૈયારી બતાવી છે.આમ રોજગારીની સાથે સાથે આ બહેનો સમાજ સેવા તેમજ દેશ સેવાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. સખી મંડળની બહેનોએ પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે પણ અમારી જરૂર આ સમાજ કેરાષ્ટ્રને પડશે ત્યારે અમે બધા તેને પડખે રહીશુ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છીએ.
વિરેન્દ્રસિંહ પરમાર