ડભોડામાં ૧૫૧ કિલો કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે

923
gandhi3132018-7.jpg

ગાંધીનગર નજીક આવેલા અને આસ્થાનું કેન્દ્ર રહેલા સ્વયંભૂ ડભોડિયા હનુમાન મંદિરે હનુમાન જંયતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુું છે. જે અંતર્ગત તા.૩૧ માર્ચ શનિવારના રોજ હનુમાનજી ઉપર ૧,૧૧૧ તેલના ડબ્બા એટલે કે, ૧૬ હજાર લીટર તેલનો અભિષેક કરવામાં આવશે. આ ઉપરાંત ’હેપ્પી બર્થ ડે હનુમાનજી’ની ૧૫૧ કિલોની કેક પણ અહીં કાપીને અનોખીરીતે બજરંગબલીના જન્મદિનની ઉજવણી કરવામાં આવશે. 
ગાંધીનગર જિલ્લામાં આવેલા ડભોડા ગામના સ્વયંભૂ હનુમાન દાદાનો ઇતિહાસ એક હજાર વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે. આ હનુમાનજી દાદાના ઇતિહાસ પર નજર કરીએ તો, મોગલ શાસન દરમિાયન અલ્લાઉદીન ખીલજીએ પાટણ ઉપર ચઢાઇ કરી ત્યારે પાટણના રાજા સઘળા ડભોડા એટલે કે તે વખતના દેવગઢના ગાઢ જંગલમાં આવીને વસ્યા હતા. જ્યાં રાજની ગાયો અને પશુઘન ચરાવવામાં આવતા હતા. જેમાંથી ટીલડી નામની એક ગાય દરરોજ એક નિશ્ચિત જગ્યાએ જઇને દુધ જરી આવતી હતી. આ બનાવની જાણ રાજાને થતા તેમને રાજપૂરોહિતોની સલાહ મુજબ  ખોદકામ કરાવ્યું હતું. જ્યાંથી હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવી હતી.જેને યજ્ઞા કરીને સ્થાપના કરવામાં આળી હતી. ત્યાર બાદ અહિ ગામ ડભોડા ગામ વસવા લાગ્યું હતું.
આજ સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી દાદાના જન્મદિન પ્રસંગે એટલે કે, તા.૩૧મી માર્ચ શનિવારના રોજ હનુમાન જયંતિના રોજ ડભોડામાં જાણે શ્રધ્ધાનું ઘોડાપુર છલકાયું હોય તેવા ભક્તિમય દ્રષ્યો જોવા મળશે. ત્યારે શનિવારના રોજ સવારે ૫ કલાકે વાગે હનુમાનજી દાદાનો મારૃતિ યજ્ઞા પ્રારંભ થશે. ત્યાર બાદ ૮.૩૦ કલાકે  દાદાની મૂર્તિ ઉપર ૧૧૧૧ તેલના ડબ્બા એટલે કે, ૧૬ હજાર લીટર તેલનો અભિષેક કરવામાં આવશે. મોડીરાત સુધી ચાલનારા અભિષેકમાં ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાશે. ઉપરાંત સવારે ૯.૩૦ કલાકે બેન્ડબાજા સાથે શોભાયાત્રા પરિભ્રમણ કરશે. જ્યારે ૧૧.૪૫ કલાકે ધ્વજારોહણ તથા સવારે ૧૨ કલાકે મહાઆરતી અને હનુમાનજીના જન્મ જંયતિ નિમિત્તે ૧૫૧ કિલોની કેક સવારે ૧૨.૩૦ કલાકે કાપીને ઉજવણી કરવામાં આવશે. 
હનુમાન જયંતિ મહોત્સવ અને શનિવારનો સંયોગ હોવાથી ભક્તોની પણ ભારે ભીડ એકઠી થશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. દિવસ દરમ્યાન યોજાનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાખો ભક્તો લાભ લેશે. તેવી આશા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે. ભાવિક ભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

Previous articleકારના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
Next articleવિદ્યાર્થીઓને ૨ કરોડથી વધુની ગણવેશ સહાય ચૂકવાઇ