અનુભવના ઓટલે અંક – ૫૫ જિંદગીનો શો-રૂમ

595

ચીજ વસ્તુની ખરીદી માટે તમે શો રૂમની મુલાકાત લીધી હશે. વેપારી શો રૂમમાં ગ્રાહકને આકર્ષવા અવનવી ચીજ વસ્તુઓની ગોઠવણ કરતો હોય છે. કોઈપણ વેપારી શો રૂમમાં આવતા ગ્રાહકોને આકર્ષવા નમુનાની ચીજવસ્તુઓ, પોતાના શો રૂમમાં અચૂક રાખતો હોય છે. જ્યારે ગ્રાહક ખરીદીનો ઓર્ડર કરે છે. ત્યારે વેપારી કહે છે. “બે દિવસમાં આવી જશે સાહેબ, સ્ટોકમાં નથી. ગોડાઉન સાવ ખાલી છે” સાહેબ, મને કહેવા દો: જિંદગીના શો રૂમમાં દેખાતી બાબતોનું પણ એવું જ છે. જે નથી તેનો આપણે ડોળ કરી લોકોને ભરમાવતા હોઈએ છીએ. આપણા સામાજિક સબંધો દિવસે દિવસે ઔપચારિક બનતા જાય છે. પહેલાના સમયમાં પૈસો ખર્ચી સંબંધો બાંધવામાં આવતા હતા. તેને ટકાવવા હું અને તમે ઘસારો ખાવાનું પસંદ કરતા હતા. આજે પૈસા માટે એક માતાના સંતાનો વચ્ચે ખટરાગ ઊભો થાય છે. મિલકતમાંથી જાગતા વિવાદના લીધે સગા ભાઈઓ કાયમના માટે દુશ્મન બની જાય છે. મકાનો વિશાળ બાંધવામાં આવે છે. પણ કુટુંબો નાના થતા જાય છે. આજનો માણસ સયુંક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબમાં રહેતો થયો છે. મકાનો ખૂબ ઉંચા બાંધવા લાગ્યો છે. પણ વિચારો ખૂબ સંકૂચિત અને હલકા બનતા જાય છે. હત્યા અને બળાત્કાર તેના કોઠે પડી ગયા છે, ભણતર વધ્યું છે, પણ ગણતર જોવા મળતું નથી. રસ્તા પહોળા બનાવામાં આવે છે, પણ દિલની ગલીઓ સાવ સાકડી થતી જાય છે. માતા-પિતાને પણ દિલમાં સ્થાન મળતું નથી. સબંધો ઔપચારિક અને સ્વાર્થ પુરતા સિમિત બનતા જાય છે. પારકા લોકોને ખૂશ રાખવા મોટી-મોટી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. વૄદ્ધ માતા પિતાને સમયસર ભોજન પિરસવાની દરકાર કરવામાં આવતી નથી. બોલિએ ઘણુ છીએ, કોઈનું સાંભળવાનો સમય નથી. સબંધો વ્હોટ્સએપ અને ફેસબૂકની સપાટી પર લપ્સી રહ્યા છે. વ્ક્તિનો ચેપ સત્તાતંત્રને પણ લાગ્યો છે. આજ-કાલ સરકાર એક કરોડની સહાય કરવા સો કરોડનો ઢોલ પીટે છે. એક રુપિયો વહેંચવા માટે સો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જીવન જરુરી બાબતો પર કાપ મૂકી સારા દેખાવા પોષાક અને બ્યુટીટ્રીટમેન્ટ માટે અઢળક નાણાનો વ્યય કરવો પડે છે. અંદરથી ખોખલો બનેલો માણસ બાહ્ય રીતે દેખાડો કરવા પોતાની જાતને શોભાવા મથતો રહે છે. ઉછીનુ રૂપ અને ઘાટ માણસને મોભો આપીને પણ પાંગળો બનાવે છે. વિચારોથી કંગાળ બનેલો માણસ લઘુતાગ્રંથીથી પિડાઈ રહ્યો છે.
કોલેજમાં પ્રાધ્યાપક વિદ્યાર્થીઓને ભણાવતા હતા. વર્ગખંડ શાંત હતો પ્રાધ્યાપક મનોવિજ્ઞાનના ટોપિક પર ચર્ચા કરી રહ્યા હતા. અચાનક સુરીલી ઘંટડી રણકી ઉઠી “સર… આવું…કે?” વર્ગખંડના બધા વિદ્યાર્થીઓનું ધ્યાન અવાજ આપનાર છોકરી તરફ ખેંચાયું. છોકરીના ચેહરા પર ચમક આવી ગઈ. વિદ્યાર્થીઓ તેના સામે ટગર-ટગર જોઈ રહ્યાં. બધાની નજર છોકરી તરફથી પોતાના ડેસ્ક પર પડેલી નોંધ પોથી પર સ્થિર થઈ. ફરી રુપેરી ઘંટડી રણકી ઉઠી. “સર…બેસું…કે?” ફરી વર્ગખંડના વિદયાર્થીઓની નજર પેલી છોકરી પર ગઈ. અચરજથી વર્ગખંડના વિદ્યાર્થીઓ તેની સામે જોઈ રહ્યા. છોકરીએ બધાને સ્માઈલ આપી, પોતાની જગ્યા પર બેસે તે પહેલા પ્રાધ્યાપકનો હોકારો મળતા છોકરી તેની જગ્યાએ બેસી ગઈ. આવો વ્યવહાર દીકરીએ કેમ કર્યો હશે! તેવો વિચાર પ્રાધ્યાપકને કોરી ખાવા લાગ્યો. આ બાજુ છોકરી તેના પ્રયોગથી ખૂશ થઈ ગઈ. તેનો આ નિત્યક્રમ બની ગયો. રોજ મોડી આવી વર્ગખંડનાં દરવાજે પહોંચી બૂમ પાડી આ રીતે પ્રાધ્યાપકને ઉદ્દેશી રજા માંગવાના બાના તળે બધાનું ધ્યાનભંગ કરતી હતી. રોજ છોકરી મોડી આવી ચાર પાંચ દિવસ સુધી આમ કરતી હતી. બધાનું ધ્યાનભંગ કરવા તે કહેતી હતી. “સર… આવું…કે?” વળી થોડીવાર પછી બોલે “સર… બેસું…કે?” એક દિવસ પ્રાધ્યાપકે સ્ટાફ રૂમમાં છોકરીને બોલાવી પૂછ્યું,
“બેટા રોજ મોડા આવી તું બધાને ડિસ્ટર્બ કેમ કરે છો?”
છોકરી: “સર હું ઠીંગણી છું એટલે મારી સામે કોઈ જોતુ નથી. હું સરસ તૈયાર થઈને આવુ છું તો પણ મારી સામે કોઈ જોતું નથી. તેથી બધાને દેખાડવા હું રોજ મોડી આવી મોટેથી બોલી મારા તરફ બધાનું ધ્યાન ખેંચવા રોજ આમ કરું છું.” પ્રાધ્યાપક માથુ ખંજવાળતા બોલ્યા: “બેટા કોઈને દેખાડવા આપણી જાતને નીચી દેખડવાની જરુર નથી. વર્ગખંડનું શિસ્ત તોડી બીજાનું ધ્યાન આપણા પર ખેંચવા આવુ કરવાની જરુર નથી. ઠીંગણા હોવુ કોઈ ગુન્હો નથી. તારામાં ઘણુ સૌંદર્ય છે, અવાજની મિઠાશ પણ છે. સંગીતમાં આગળ વધવા પ્રયત્ન શરુ કર. તારા અવાજની મિઠાશ બધાનું ધ્યાન તારા તરફ ખેંચશે. બાહ્ય સજાવટ કે સૌંદર્ય ઉછીનુ રુપ છે. તેનું આકર્ષણ ક્ષણિક હોય છે. પણ અંદરની તાકાત વડે મળેલી જીત કાયમી રહે છે. જ્ઞાનથી કોઈપણ ને પરાસ્ત કરી શકાય છે. વ્યક્તિની સર્જનાત્મક શક્તિ ખરી ઉંચાઈ આપે છે. શારીરિક ઠીંગણાપણુ આપણને કદાપી બાધક બની શકે નહિ, તેથી તેની ચિંતા કરવાની જરુર નથી. તું પ્રતિભાવાન દિકરી છો. સંગીતમાં આગળ વધવા કોઈ સારા સંગીતના વર્ગખંડમાં એડમિશન લઈ તારા નવા જીવનની શરુઆત કરી દે. તને લોકો શોધવા આવશે”. પ્રાધ્યાપકની સલાહ જેવી-તેવી ન કહેવાય. ભિતરની ખોજ કરવાના બદલે આપણે બાહ્ય સૌંદર્ય સજાવા અઢળક નાણા વાપરીએ છીએ. બાપુની ઓસરી જેવું બાહ્ય સૌંદર્ય આપણને શોભા આપવાના બદલે અંદરથી નબળા બનાવે છે. જાડું મારી રૂમ સાફ કરીએ છીએ, આપણા રૂમ જેટલા સાફ રાખવા જાગૄત રહીએ છીએ. તેટલી મનની સફાઈ કરવા તત્પર નથી. વિચારોનો ઝેરી કચરો આપણને ખૂબ જ દુષિત કરી રહ્યો છે. આવક વધી છે પણ નૈતિકતા ઘટી છે. શું ખરીદવું તેની આપણને ખબર પડતી નથી. ખરીદી અઢળક કરવા છતાં આનંદ મળતો નથી. બેચેન બનેલું મન શાંતિ લેવા દેતું નથી. પૈસા માટે ગુમાવેલી નૈતિકતા માણસને પૈસો મળવા છતાં શાંતિ લેવા દેતી નથી. ત્યારે જિંદગીનાં શો રૂમને સજાવાના બદલે જિંદગીના ગોડાઉનને ભરી દેવાની જરુર છે. લક્ષ્મીનો વૈભવ વધારવાના બદલે કરુણાની કોથળી ભરવાની જરુર છે. કારણકે લક્ષ્મીનો વૈભવ અનંતની યાત્રા સમયે ઉપયોગી થતો નથી. કરુણાની હાથવગી કરેલી કોથળી આ માર્ગે ખપ લાગે છે. વર્તમાન સમયમાં લક્ષ્મીનો ભલે કોઈ વિકલ્પ દેખાતો ન હોય પણ તે જિંદગીનું એક માત્ર લક્ષ્ય ન હોવું જોઈએ. આજ-કાલ નિષ્ણાંતો ખૂબ વધ્યા છે. પ્રશ્નો પણ એટલા જ વધ્યા છે. કાયદા સરકાર ઘણા ઘડે છે. પણ અમલીકરણ યોગ્ય રીતે થઈ શકતું નથી. માનવતા મરીપરવારી છે. સંવેદના સુકાઈ ગઈ છે. કર્મની મૂડીનું તળિયું દેખાઈ ગયું છે. કામચોરી વધતી જાય છે. માણસનું નૈતિક પતન થઈ રહ્યું છે. ત્યારે કરુણા ક્યાંથી નજરે ચડે. દયાનું દેવાળુ ફુંકાયું છે. ભ્રષ્ટાચાર ભભકી રહ્યો છે. સામાજિક સબંધો લુપ્ત થવાને આરે છે. એક લેન્ડલાઈન ફોન પર આખો પરિવાર સગા સબંધી સાથે વાત કરતો હતો. એક લેન્ડલાઈન ફોન પણ ઘરના સભ્યોને એકમેક સાથે જોડી આનંદ કિલ્લોલ કરાવતો હતો. મોબાઈલે પરિવારના સભ્યોને વિભક્ત કરી દીધા છે. વ્હોટ્સ્એપ કે ફેસબૂકના મિત્રને સલામ કરતો માણસ પોતાના પરિવારથી દૂર થઈ રહ્યો છે. બીજાને દેખડવા બનીઠની મહાલ્તો માણસ અંદરથી ખાલી થતો જાય છે. નૈતિકતા ગુમાવી જંગલી બનેલો માણસ બીજાને પાયમાલ કરી સંપત્તિ એકઠી કરતો થયો છે. લૂખાગીરી, પૈસો અને રાજકિય વર્ગ આ લોકોની લાયકાત ગણાય છે.
સુરેન્દ્રનગર જીલ્લાના, વઢવાણ પાસે, ભોગાવો નદીના કિનારે મેમકા ગામની ૧૨૯ સર્વે નંબરની જમીન પ્રજ્ઞાચક્ષુ મનુભાઈ ડાભી પોતાની માલિકીની ધરાવે છે. ફળદ્રૂપ જમિનનું રક્ષણ થાય તેવો કુદરતે પ્રબંધ કરી આપ્યો છે. નદીનું ધસમસતાં પુરનું પાણી ખેતરની ફળદ્રપ જમિનને આવેલા ઢોળાવના લીધે નુકસાન કરી શકતું નથી. વર્ષોથી મનુભાઈ ડાભી આના કારણે પેટિયુ રળી લે છે. છેલ્લા કેટલાક વર્ષોથી રેત માફિયા લોકો લાગતા-વળગતા અધિકારીઓ સાથે સાઠગાઠ કરી, હપ્તા પહોંચાડી ગેરકાયદેસર રીતે લાખો ટન રેતી ઉઠાવે છે. આડેધડ રેતી ઉઠાવી ધન કમાતા લોકોની જપટે ચડેલા માણસની હાલત રેઢિયા ઢોર જેવી કરી દેવામાં આવે છે. આવા રેતમાફિયા સામે જે ફરિયાદ દાખલ કરવા હિંમત કરે છે. તેની વાત સાંભળવાના બદલે, તેને ધમકાવી ઠપકો આપી, વળાવી દેવામાં આવે છે. મનુભાઈ ડાભી સાથે પણ આવો જ વ્યવહાર વઢવાણ પોલિસ દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી મનુભાઈ ડાભી અંધ અભ્યુદય મંડળના આજિવન સભ્યપદ ધરાવે છે. તેથી તેમણે મંડળને મદદ કરવા લેખિતમાં વિનંતિ કરી હતી. વિનંતિ મળતા જ મેં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ખાણખનીજ વિભાગનું ધ્યાન દોર્યું હતુ. પોલિસમિત્રોએ મારા પર પણ ચાણક્ય નીતિ અજમાવી લીધી હતી. તેમ છતાં તેમને સફળતા ન મળી. એટલે મનુભાઈની જમિન છોડી દીધી. બાકીના વિસ્તારમાંથી જમિન ખોદી રેતી ઉપાડવાનું કામ ચાલુ રાખ્યું છે. રાજ્ય સરકાર આખુય પ્રકરણ જાણે છે. છતાં હજુ સુધી રેતમાફિયાનો વાળ પણ વાંકો થઈ શક્યો નથી. દુનિયાભરમાં સરકારની વાહ-વાહ થાય છે. પણ અંદરતો પોલમપોલ ચાલે છે. મારુ કામ તો અંધ વ્યક્તિને મદદ કરવાનું છે. તે કામ થઈ ગયુ છે. મનુભાઈની જમિન સલામત છે.
નૈતિક પતનના કારણે ઉદ્ભવેલી વધુ એક સમસ્યા વિષે આપને વાકેફ કરવા ઇચ્છું છું. કોઈપણ કાયદો વ્યક્તિના અધિકારોના રક્ષણ માટે ઘડવામાં આવે છે. કોઈને નુકસાન પહોંચાડી તેને હેરાન-પરેશાન કરવા નહિ. થોડા સમય પહેલા રાજુલામાં અમરેલી જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સાથે ઘટેલી એક ઘટના વિષે આપને જાણકારી આપવી છે. શ્રીજીનગર નવકાર ટેનામેન્ટમાં રહેતા એક પરિવારની આ વાત છે. પ્રજ્ઞાચક્ષુ કિશોરભાઈ ચૌહાણના ઘરના દરવાજાની આજબાજુ ગટરના સમારકામના નામે પાઈપના ટુકડાં ખોદેલી માટીનો ઢગલો કરી લગભગ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે ચૌહાણ પરિવારે અનેક રજુઆત કરી હતી. એક મહીનો વિતી ગયો હોવા છતાં રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો નહિ. કિશોરભાઈ અને તેમના પત્ની પોતાની વિકલાંગતાના લીધે અવરજવર કરવામાં લપ્સી પડતા હતા. તેમના દીકરા દીકરીને માતા-પિતાની ખૂબ જ ચિંતા સતાવતી હતી. વારંવાર માટીનો ઢગલો અને પડેલા પાઈપના ટુકડા હટાવા પરિવારના સભ્યો કોન્ટ્રાકટરને રજુઆત કરતા હતા. રજુઆત માટે ગયેલા ચૌહાણ પરિવારના સભ્યોનું કોન્ટ્રાકટર આંધળો, ઠુઠી, લુખી જેવા અપશબ્દો કહી અપમાન કરતો હતો. પાઈપ અને ઢગલો હટાવાની સુચના આપવાના બદલે અપમાન કરી બાળકો અને કિશોરભાઈની પત્નીને હાંકી કાઢતો હતો. એક દિવસ ચૌહાણ પરિવારે જાત મહેનતે પાઈપ અને માટીનો ઢગલો દરવાજાથી દૂર કરી દીધો. કોન્ટ્રાકટર અને મજુરોએ જગડો કર્યો, અપશબ્દો પણ કહ્યા. કોન્ટ્રાકટરે મજુરો સાથે મળી “ચોર કોટવાલને દંડે” તેમ પરિવારના સભ્યોને પજવવા પોલિસ ફરિયાદ દાખલ કરી દીધી. કિશોરભાઈના દીકરા અને તેની પત્નીને વગના જોરે એટ્રોસિટી પણ લગાવી દીધી. હેરાન થયેલો પરિવાર પોલિસ કસ્ટડીમાં ગોંધાયો. ચૌહાણ પરિવારે પ્રતિવાદી સામે વિકલાંગ ધારા મુજબ ફરિયાદ દાખલ કરવા પોલિસ સ્ટેશનમાં પિ.આઈ. ને વિનંતિ કરી. પોલિસ મિત્રોનો ઉત્તર હતો આવો કોઈ કાયદો નથી. અનુસુચિત જાતી માટે તો કાયદો છે. વિકલાંગો માટે કોઈ કાયદો અમલમાં આવ્યો નથી. મિત્રો આવા ઉત્તરથી એમ કહી શકાય કે સરકારનો વિકલાંગોના રક્ષણ માટે સખત કાયદાનો દાવો પોકળ સાબીત થયો છે. કાયદાનો અમલ કરનાર અધિકારી અજાણ હશે. તો તેનો લાભ વિકલાંગોને શી રીતે મળી શકશે? કાયદો ઘડવાથી કામ પતી જતું નથી. તેને અમલમાં લાવવા સમાજ અને જવાબદાર અધિકારીઓ અથવા લાગતાવળગતા કર્મચારીઓને જાગૄત કરવા પડશે. કિશોરભાઈ ચૌહાણનો મારા પર ફોન આવ્યો: “સાહેબ, વિકલાંગોને બે હજાર સોળના કાયદામાં કોઈ અપમાન કરે તો રક્ષણ આપવામાં આવ્યું છે? કોઈ કલમ હોય તો મને જણાવો” વાત ઘણી લાંબી છે. અહીં તેની પુરી વિગત આપવી શક્ય નથી. કિશોરભાઈનો ફોન આવ્યા પછી હું તારીખ ૨૭/૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ અમરેલી એસ. પી. ને મળવા ગયો હતો. તેમની ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી. તેઓ સંમત થયા હતા. મામલો વિચારણા હેઠળ છે. ચૌહાણ પરિવારને ન્યાય અપાવા મારી મહેનત ચાલતી રહેશે. મારી જિંદગીનો શો રૂમ ભલે ખાલી રહે. ગોડાઉન ખિચોખિચ ભરેલું રહેવું જોઈએ. ભૌતિક વૈભવના બદલે નૈતિક બળ વડે ઇશ્વર મને કર્મ કરવાની શક્તિ આપે, તેવી હું પરમ કૄપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
“કર્મ કરવા પ્રભુ શક્તિ માગું છું,
મુજ હૈયે તવ વાસ ચાહું છું,
તવ શરણોમાં મુજને સમાવા વંદું છું,
પ્રભુ તવ ચરણોમાં”

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleઅનુભવના ઓટલે અંક: ૫૪ અન્ન એવો ઓડકાર
Next articleભાવનગર માં કોરોના પોઝિટિવ નો દર્દી થયો કોરોના મુક્ત થતા રજા અપાઈ