“પવન તનય સંકટ હરણ, મંગલમુર્તિ રૂપ;
રામ લખન સિતા સહીત હૄદય બસઉ સુર ભૂપ”
કષ્ટભંજન હનુમાનજીની આરાધના આપણને સૌને કોરોનાના ભયમાંથી મુક્તિ આપે તેવી પ્રાર્થના.
મારા જન્મદિવસની સંધ્યાએ, વિશ્વ વ્યાપી ફાટી નિકળેલી મહામારીના લીધે શાળા કોલેજ બંધ કરવાના સમાચાર જાણવા મળ્યા. વિચારોનું મોટુ તોફાન શરુ થયું. શાળાના વિદ્યાર્થીઓને વાલીને બોલાવી સોપવાનું કાર્ય ઝડપથી પુરુ કરવાનું હતુ. રાજ્ય સરકારે ધોરણ દસ અને બારની બોર્ડની પરિક્ષાઓ યથાવત ચાલું રાખવા નિર્ણય લીધો હતો. તેથી ધોરણ દસ અને બારની બોર્ડની પરિક્ષા આપી રહેલ દરેક વિદ્યાર્થીઓની યોગ્ય સંભાળ રાખવાની હતી. એટલુ જ નહિ બોર્ડની પરિક્ષા પુર્ણ થતા જ દરેક વિદ્યાર્થીઓને સહીસલામત રીતે પોતપોતાના ઘર સુધી પહોંચતા કરવાનો નૈતિક પડકાર મારા મગજને ધમરોળી રહ્યો હતો. રાજ્ય સરકારે તારીખ ૨૩ માર્ચથી ૩૧ માર્ચ સુધી રાજ્યવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતુ. રાજ્ય સરકારના પગલે, શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજોને બંધ કરવાનો આદેશ પણ બહાર પડી ચૂક્યો હતો. શિક્ષણ વિભાગે ધોરણ એક થી નવ અને ધોરણ અગિયારની પરિક્ષાઓ બંધ રાખવાની જાહેરાત પણ કરી દીધી હતી. સરકાર શ્રી દ્વારા વિશ્વ વ્યાપી મહામારીને રોકવા, ઉઠાવેલા શ્રેણીબદ્ધ પગલાઓ વિશેના સમાચાર જાણવા મળતા જ અમે દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારશ્રીના હુકમ અંગેની સુચનાઓ, પહોંચતી કરવાના કાર્યમાં લાગી ગયા. તારીખ ૨૫ માર્ચથી દેશભરમાં એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવતા શિક્ષકો, પ્રાધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફરજ પરના સ્થળ પર હાજરી આપવામાંથી મુક્તિ આપવામાં આવી. તેમજ બહુ અનિવાર્ય ન હોય તેવા તમામ ખાનગી અને સરકારી કર્મચારિઓને પણ લોકડાઉન દરમિયાન રજા આપી દેવામાં આવી છે. ઓફિસો અને કંપનિઓમાં કામ કરતા કર્મચારીઓને ઘરે બેઠા ઓનલાઈન કામગીરી કરવાની છુટ આપવામાં આવી છે. કોરોનાની મહામારી સામે રક્ષણ આપવા દેશના નાગરિકોને રાહત આપવા રાજ્ય અને કેન્દ્રસરકાર તરફથી અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે. આવી યોજનાઓ વિશે સરકારના મંત્રીઓ અને અધિકારીઓના નિવેદન આપતા સમાચાર અખબારો,ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં રોજ પ્રસિદ્ધ થતા રહે છે. પિડિતો સાથે મુખ્યમંત્રી ફોન પર વાર્તાલાપ કરતા હોય, તેવા ઓડિયો-વિડિયો પણ જોવા અને સંભળવા મળે છે. બીજી તરફ કોરોનાનું તાંડવ નૃત્ય દિવસે-દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વિશ્વના વિકસિત દેશોને પણ કોરોનાનો ભયાનક રાક્ષસ ભરખી ગયો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઇટાલી, સ્પેન,ચીન, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, ઇરાન જેવા આગળ પડતા અનેક દેશોને કોરોનાએ બાનમાં લઈ લીધા છે. ઇટલીની હાલત દયનિય થઈ ગઈ છે. સારવાર આપવા હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી. દર્દીઓની સારવાર રસ્તા પર બીછાના નાખી કરવી પડે છે. ટેક્નોલોજીનો સમ્રાટ એવો માણસ આજે પ્રભુના ચરણે, મંદિરમાં માથું પણ ટેકવી શકતો નથી. ઘરમાં પુરાય તેને ટેલિવિઝન, મોબાઈલ, રેડિયો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આધાર રાખવો પડે છે. પરિવારથી ભાગતો ફરતો માણસ પરિવારના પાંજરે પુરાયો છે. પક્ષીઓને પાંજરે પુરી નિજાનંદ માણતો માણસ, પરિવારના પાંજરે પુરાયો છે. પાળેલા પક્ષીને જેમ માણસ પાંજરામાંથી બહાર નીકળવા દેતો નથી. તેમ કોરોનાનો વાઈરસ માણસને તેના ઘરમાંથી બહાર નિકળવા દેતો નથી.
કોરોનાનો ફેલાવો સમગ્ર વિશ્વમાં જે રીતે થઈ રહ્યો છે. તે જોતા માણસની બોલતી બંધ થઈ ગઈ છે.
કોરોના વાઈરસ સૌ પ્રથમ,વર્ષ ૨૦૦૩માં દેખાયો હતો. તે વેળાએ બીલાડીના શરીરમાંથી કરોનાનો વાઈરસ માનવ શરીરમાં ટ્રાન્સફર થયો હતો. આ વાઈરસ પુનઃ સ્પ્રેડ થઈ નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૯માં ચાઈનામાં જોવા મળ્યો હતો. શરૂઆતમાં તેણે વુહાન શહેર બાનમાં લીધું હતુ. ત્યારબાદ આ લખાય છે ત્યાં સુધીમાં વિશ્વના ૧૩૮ દેશોના સતર લાખથી પણ વધુ લોકોને સંક્રમિત કરી છેલ્લી માહિતી પ્રાપ્ત થયા મુજબ લગભગ ૧ લાખથી પણ વધુ લોકોનો ભોગ લઈ લીધો છે. પરિણામે દેશના કેટલાંક રાજ્યોએ લોકડાઉનની મુદત વધારી દીધી છે.
મારી જિંદગીના ત્રેપન વર્ષમાં ન સાંભળ્યા હોય તેવા અનેક નવા શબ્દો જાણવા મળ્યા છે. જેવાકે કોરોન્ટાઈન, હોમ કોરોન્ટાઈન, ક્લસ્ટર કોરોન્ટાઈન, કોરોન્ટાઈન સેંટર, લોકડાઉન જેવા શાબ્દિક પ્રયોગો લોકો ડગલે ને પગલે કરતા જોવા મળે છે. કોઈપણ વાઈરસ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં સ્પ્રેડ થઈ ટ્રાન્સફર થાય છે ત્યારે તે અનેકગણો ખતરનાક બની જાય છે. સ્વાઇનફ્લુ H1N1 તેનું ઉત્તમ ઉદાહરણ છે. બીજા કેટલાક ઉદાહરણો હમણા-હમણા સામે આવ્યા છે. માંસાહારી લોકોને આવો ચેપ લાગવાનો ભય વધુ રહે છે. વિશ્વમાં મળી આવતા દર્દીઓની સારવાર હાલ હાથવગી એલોપેથીની દવાઓ વડે કરવામાં આવે છે. કોરોનાનો ચેપ લાગેલ દર્દીની સારવાર રોગના લક્ષણો મુજબ મેલરિયા અને શરદીમાં વપરાતી દવાઓ વડે કરવામાં આવે છે. જોકે તેમાં દાકતરોને થોડી ઘણી સફળતા પણ મળી રહી છે. પંચમહાભૂતમાંથી બનેલા શરીરનો સ્વભાવ બાહ્ય જીવાણુઓ સામે લડી લેવાનો હોય છે. ઉક્ત ગુણધર્મ ધરાવનાર,આપણુ પંચમહાભૂતમાંથી બનેલું શરીર હુમલો કરનાર જીવાણુઓને પરાસ્ત કરી દે છે. શરીરમાં રહેલા શ્વેતકણોનો સ્વભાવ બાહ્ય જીવાણુઓ સામે લડી તેને મારી હટાવાનો હોય છે. પંચમહાભૂતમાંથી બનેલું શરીર રોગપ્રતિકારક શક્તિ વધારી શકે તેવો પોષ્ટિક આહાર, દેશી ઔષધી અથવા વિલાયતી દવાઓની મદદથી કોઈપણ રોગને શરીરમાંથી મારી-ભગાડી શકાય છે. કેટલિક ઔષધી રોગને મૂળમાંથી ડામી દેતી હોય છે. રોગના કારણે ઊભી થતી માનસિક સમસ્યાઓને અટકાવી વિશિષ્ટ રસાયણો, રોગનો ભોગ બનેલ વ્યક્તિનું મનોબળ વધારે છે. મનોચિકિત્સકો દ્વારા તૈયાર કરાયેલ માન્ય દવાઓ ફાયદો કરે છે. મજબૂત મનોબળ ધરાવનાર માણસ કોઈપણ દર્દમાંથી જલ્દી મુક્ત થઈ શકે છે. કોરોના વાઈરસને નાથવા રાત-દિવસ એક કરી જીવના જોખમે પરિશ્રમ કરતા ડોક્ટરો, મેડિકલ દવાના વિક્રેતાઓ, નર્સો, જીવન જરુરી વસ્તુઓના વેપારીઓ, પોલિસ મિત્રો, સફાઈ કામદારો, જવાબદાર સરકારી કર્મવીરો, મિડિયાના મિત્રોને અવિરત સેવા બજાવતા જોઈ અત્યંત ગૌરવની લાગણી અનુભવુ છું. દેશના તમામ સપુતોને મારા શત-શત વંદન…
મિત્રો હાર અને જીતની બાજી તો ઇશ્વરના હાથમાં હોય છે. યુધિષ્ઠિર જેવા મહાન પુરુષ જુગઠુ રમવા તૈયાર થઈ ગયા હતા. એટલુજ નહિ જુગઠુ રમતા રાજા યુધિષ્ઠિર પોતાનું રાજ-પાઠ, ધન-દોલત, દ્રૌપદી જેવી પવિત્ર સ્ત્રી ખોઈ બેસે છે. તેનું રાજા યુધિષ્ઠિરને ભાન સુદ્ધા રહેતું નથી. તેના કારણે પાંચ પાંડવો અને માતા કુંતાને બાર વર્ષનો વનવાસ અને તેરમુ વર્ષ ગુપ્ત અવસ્થામાં પસાર કરવું પડ્યું હતુ. બુદ્ધિશાળી રાજા યુધિષ્ઠિર જુગઠુ રમવા શા માટે તૈયાર થઈ જાય છે? ઉત્તર શોધવા થોડા ઉદાહરણ લઈ સમજીએ…
રામાયણમાં આવું જ એક ઉદાહરણ જોવા મળે છે. ભગવાન રામચંદ્રજીને અયોધ્યાની રાજગાદી આપવાની હતી. પણ રાજા દશરથ રાણી કૈકઈને આપેલું વચન નિભાવા ભગવાન રામચંદ્રજીને અયોધ્યાની ગાદી પર બેસાડી શક્યા નહિ. એવી જ રીતે મહાભારતનું યુદ્ધ જીતનાર અર્જુન દ્વારકાના કાબાઓ સામે વિવશ થઈ લુંટાયો હતો. હાર અને જીત, સુખ અને દુ:ખ, સફળતા અને નિષ્ફળતા, માન અને અપમાન, હર્ષ અને શોકની અનુભૂતિ મારા હરીની ઇચ્છા મુજબના હોય છે. એટલે તો આપણે ત્યાં કહેવાય છે. “ધાર્યું ધણીનું થાય” ઇશ્વરની ઇચ્છા વિરુદ્ધ એક પાંદડું પણ ફરકી શકતું નથી. ઇશ્વર તેની ભાવી યોજનાઓ સફળ બનાવા કેટલિક ઘટનાઓનું સર્જન વિસર્જન કરતો હોય છે. દાખલા તરીકે યુધિષ્ઠિર જુગઠુ ન રમે તો મહાભારતનું યુદ્ધ છેડાય નહિ. ભગવાન રામ વનમાં ન જાય તો રાવણનું મૃત્યુ સંભવ ન હતું. રામ-રાવણ વચ્ચે વેર બાંધવા પરમશક્તિ રાવણને સિતાનું હરણ કરવા દોરે છે. રાવણ મોહવશ થઈ માતા સિતાનું હરણ કરવા તૈયાર થઈ જાય છે. તેનો બદલો લેવા રામ વાનરસેના તૈયાર કરે છે. સમુદ્ર પર સેતુ બાંધી સેના સાથે લંકામાં યુદ્ધ કરવા ભગવાન રામ અને લક્ષ્મણ પહોંચી જાય છે. વાતાઘાટ નિષ્ફળ નિવડતા રામ-રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાય છે. તેમાં અભિમાની રાવણનું મૃત્યુ થાય છે. આમ, શક્તિશાળી રાવણ અને તેની મોટી સેનાનો નાશ થઈ જાય છે. સિતા માતા પર આવેલુ સંકટ દૂર થઈ જાય છે. સિતા માતાના સંકટને નાથવા ખેલાયેલુ યુદ્ધ અન્ય લોકોને રાવણના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. એવી જ રીતે યુધિષ્ઠિરનું જુગઠુ રમવા આકર્ષાવુંએ મહાભારતના યુદ્ધનું કારણ બને છે. મહાભારતનું યુદ્ધ છેડાવાથી પાપી કૌરવોનો વિનાશ થઈ જાય છે. પાપી કૌરવોનું રાજ લાંબુ ચાલે તો હજારો લોકોને તેનો ત્રાસ ભોગવવો પડે. પક્ષપાતી કૌરવોથી બચાવા યુધિષ્ઠિરને કુબુદ્ધિ સુજાડી જુગઠુ રમવાની પ્રેરણા ખૂદ ઇશ્વરે કરી હતી. ટુંકમાં કોઈપણ ઘટના ઇશ્વરનો ચોક્કસ હેતુ પરિપુર્ણ કરવા ઘટતી હોય છે. કોરોના નોવેલ વાઈરસ પણ એક પડકાર બનીને આવ્યો છે. મૃત્યુલોકનો રાજા એવા મનુષ્યને કોઈ નવસર્જનનો સંદેશ આપવા ઘટેલી આ ઘટના હોય શકે છે.
ગિતા ગાયક ભગવાન કૃષ્ણના મતે સંકટ અર્થાત દુ:ખ અને સમૃદ્ધિ અર્થાત સુખ દિવસ અને રાત્રી જેવા હોય છે. ગમેતેવો સારો કે ખરાબ સમય કાયમ રહેતો નથી. તેથી માણસે ખૂમારીભર્યું જીવન જીવવા હિંમત કેળવવી જોઈએ. મને કોઈ અજ્ઞાત કવિના શબ્દો યાદ આવે છે.
“જીવન જીવવું સેહલું નથી, મારે મોત પહેલા મરવું નથી.
મરતા મરતા જીવું પડે, એવું જીવન મારે જીવવું નથી.
પ્રાણ રહે જ્યાં સુધી શરિરમાં કોઈથી મારે ડરવું નથી,
સારુ થાય તો ઠીક છે, કોઈનું ખોટુ મારે કરવું નથી.”
કવિ કહે છે માનવ તરીકે જન્મ લઈ મારો મુલ્યવાન અવતાર એળે જવા દેવો નથિ. વળી હું એ પણ જાણુ છું, કે મનુષ્ય દેહ મળવા છતાં જીવન જીવવું સરળ નથી. તેમ છતાં મુશ્કેલીઓથી ડરી મોત પહેલા મરવાની મારી કોઈ તૈયારી નથી. આ શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી કોઈપણ જાતનો ડર રાખી જીવવા ઇચ્છતો નથી. કોઈનું સારુ થાય તો ઠિક છે. પણ મારુ જીવન સજાવા માટે કોઈના નસીબનું જુટવી લેવા ઇચ્છતો નથી. કવિ ખૂમારી ભર્યું જીવન જીવવા ટકોર કરે છે. કોઈ અજ્ઞાત કવિની કલમે લખાયેલા શબ્દો સમગ્ર માનવ જાતને ગૌરવ પ્રદાન કરે તેવા છે. નાની-મોટી સમસ્યાઓ તો જીવનમાં આવેને જાય. તેનું આવવું અને જવું શિયાળા તથા ઉનાળાની ઋતુ સમાન છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તેથી તેને નિવારી ન શકાય. જે રીતે આપણે જુના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ. તેમ શરીર જીર્ણ થતા જીવાત્મા નવુ શરીર સમયાંતરે ધારણ કરે છે. આપણુ સ્થૂળ શરીર પંચમહાભૂતનું બનેલું હોય છે. તેથી તે પ્રકૃતિના ત્રણ ગુણધર્મ મુજબ વર્તે છે. સત્વ, રજો અને તમો ગુણ પૈકી જેનું પ્રભુત્વ વધુ હોય છે. તે પ્રમાણે દેહધારી આત્મા વર્તે છે. સ્થૂળ શરીર અમુક કર્મ બજાવી આત્માએ છોડવું પડે છે. જે રીતે ભાડાનું મકાન માલિકનો હુકમ થતા ખાલી કરી આપવું પડે છે તેવી જ રીતે જીવાત્માએ શરીરરૂપી મકાનનો કબજો છોડવો પડે છે. પરંતુ દેહરૂપી મકાન ખાલી કરતા પહેલા કર્મની પુંજી જમા કરાવી શકે તે શ્રેષ્ઠ આત્મા પુરવાર થાય છે. તેનો ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ થાય છે. તેથી જન્મ કે મૃત્યુ રૂપી ઘટતી ઘટનાઓને સમાન ગણી આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. કોવિડ નાઈટિન કોરોના વાઈરસ કૌરવોની જેમ પંચમહાભૂતમાંથી બનેલા માનવ શરીરરૂપી પાંડવો સામે યુદ્ધ છેડવા આવી પહોંચ્યો છે. ત્યારે માનવ શરીરના નાયક એવા મન રૂપી અર્જુને પોતાની કાયરતાને ખંખેરી તેને તિલાંજલી આપી લડવા મેદાને પડવું પડશે. પંચમહાભૂતમાંથી બનેલું શરીર પાંચ પાંડવ છે. મન બાણાવળી અર્જુન છે. જ્યારે આત્મા ભગવાન કૃષ્ણ છે. સૃષ્ટિનું રહસ્ય મન રૂપી અર્જુન આત્મા રૂપી શ્રીકૃષ્ણ પાસેથી જાણી શકે છે.
“જિદગીમાં શું કમાવા ‘ઝગમગ’ આવ્યો હતો?
કેટલું કમાયો ભાઈ તું?
જો હિસાબ જરા લગાવ તું,
સંકટ તારું જાય તો.”
લેખક: લાભુભાઈ ટી.સોનાણી