અનુભવના ઓટલે અંક: ૫૭ શ્રદ્ધા

799

ભોજન કરવાથી ભૂખ મટી જાય છે. તેવી આપણને શ્રદ્ધા હોય છે. એટલે જ આપણે રોજ ભોજન તૈયાર કરવાની કડાકુટમાં પડતાં હોઈએ છીએ. તૈયાર થયેલું ભોજન ભૂખની અનુભૂતિ થતા જ આપણને ખપ લાગે છે. તે આરોગતા જ આપણે તૃપ્ત થઈએ છીએ. એવી જ રીતે આપણા શાસ્ત્રો કે ગુરુવાક્યોમાં કહેવામાં આવ્યું છે. તે બધુ જ સત્ય છે. એવો વિશ્વાસ કરવો એ પણ શ્રદ્ધાનું જ રૂપ છે. માતા-પિતા પણ ગુરુ કહેવાય છે. આપણને માતા-પિતા જે માર્ગ બતાવે છે. તેમાં આપણને પુરેપુરી શ્રદ્ધા હોય છે. માટે આપણી ભૂખ મિટાવા તેઓ જે આહાર આપે છે, તે બાલિશતા હોવા છતાં આરોગતા હોઈએ છીએ. શ્રદ્ધા આપણાં મનોરથો પુરા કરે છે. શ્રદ્ધા બ્રમ્હજ્ઞાન પ્રાપ્તીનું મોટુ સાધન ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગિતાના ચોથા અધ્યાયમાં દિવ્યજ્ઞાન વિશે પ્રકાશ પડતા કહે છે: “શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.” ગિતાના ૧૭ માં અધ્યાયમાં ત્રણ પ્રકારની શ્રદ્ધા બતાવી છે. (૧) સાત્વિક (૨) રાજસી (૩) તામસી. સાત્વિક શ્રદ્ધા જ્ઞાન પ્રાપ્તી સુધી દોરી જાય છે. પરંતુ રાજસી કે તામસી શ્રદ્ધા જ્ઞાન માર્ગમાં આવતા અવરોધો ખાળી શકતી નથી. પરિણામે તેનો અકાળે અંત આવે છે. એટલે કે જ્યાં સુધી સાત્વિક શ્રદ્ધા થતી નથી ત્યાં સુધી જ્ઞાનની અનુભૂતિ થઈ શકતી નથી. સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્ઞાન વિના જીવની પરમગતિ થઈ શકતી નથી. જ્ઞાન વડે જીવ શીવતત્વને જાણી શકે છે. શીવત્વને પામી જીવ પરમતત્ત્વમાં વિલિન થઈ જાય છે. ગિતાના મતે જીવની ગતિ તેના અંત:કરણ મુજબની હોય છે. પુર્વ જન્મના કર્મ મુજબની શ્રદ્ધાનો યોગ થાય છે. સાત્વિક શ્રદ્ધા ધરાવતો જીવ દેવોની પુજા કરે છે. રાજસી શ્રદ્ધા ધરવાવતો જીવ અસૂરોની પુજા કરતો હોય છે. તામસી શ્રદ્ધા ધરાવતો જીવ ભૂતપ્રેતની પુજા કરે છે. આવી વ્યક્તિનો સબંધ જે તે ગુણધર્મ મુજબના સ્વભાવ આધારીત હોય છે. સાત્વિક ગુણનું પ્રભુત્વ ધરાવનાર મનુષ્યની શ્રદ્ધા પણ સાત્વિક હોય છે. રાજસી કે તામસી શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ સ્વભાવે ક્રોધી, સ્વાર્થી, લોભી, લાલચુ હોય છે. કારણ કે રજોગુણ મહત્વકાંક્ષા ઉત્પન્ન કરે છે. તમોગુણ અસૂરી વૃત્તિને ઉત્તેજન આપી અસત્યો આચરવા પ્રેરે છે. અજ્ઞાનના માર્ગે દોરી અનર્થો સર્જે છે. રાજસી કે તામસી શ્રદ્ધા સંસારસાગરમાં ઊભા થતા વમળો વચ્ચે અટવાય પડે છે. આપત્તિ અને વિપત્તિના તોફાનો તેને ઘેરી વળે છે. કાયારૂપી નાવ હાલકડોલક થવા લાગે છે. અચાનક સમુદ્રમાં જાગતા તોફાનથી હારી ધીરજ ગુમાવેલો નાવિક પોતાની નાવ સંભાળી શકતો નથી. તેમ સાત્વિક શ્રદ્ધાના અભાવે મનુષ્ય સાંખ્ય યોગની અનુભૂતિ કરી શકતો નથી. ગિતામાં સત્તરમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉદ્દેશીને શ્રદ્ધાના ત્રણ પ્રકાર વિશે સમજાવતા કહે છે:”દેહધારી જીવોના પ્રાપ્ત કરેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે. સત્વગુણી, રજોગુણી તથા તમોગુણી. મનુષ્ય સંસારભૂમિ પર પ્રકૃતિનાં ગુણો વડે કોઈ એક ચોક્કસ પ્રકારની શ્રદ્ધા અરજિત કરવા સમર્થ બને છે.”

સાત્વિક શ્રદ્ધા:
મારો જન્મ સામાન્ય ખેડુત પરિવારમાં ૧૫ માર્ચ ૧૯૬૭માં થયો હતો. કુમળી બાળ વયે આંખોની દૃષ્ટિ ગુમાવી હતી. વાયુ વેગે આવેલી સમસ્યા મારો છુટકારો કરે તે પહેલા કુટુંબની આર્થિક ભીડે ભરડો લીધો. તેમાંથી ઉગરવાનો કોઈ માર્ગ મળી આવે, તે પહેલા જ ભગવાને માતાનું છત્ર ઝુંટવી લીધું. બાળમાનસને ક્યાં ખબર હતી કે જીવન ઘટમાળના દરેક મોર્ચે લડવાની આ પરિક્ષા હતી.

સાત્વિક શ્રદ્ધા ધરાવતા સંસારભૂમિના યાત્રાળુએ કપરા માર્ગની મુસાફરી કરવી જ પડે છે. સુખ સગવડની અપેક્ષા વિના તિર્થધામમાં ઇશ્વરના દર્શન કરવા જે લોકો જાય છે. તેને યાત્રા કહેવામાં આવે છે. પરંતુ મોજ મસ્તી અને આનંદ ઉઠાવાના ભાવથી જે લોકો દેખાદેખીથી તિર્થ ધામમાં જાય છે. તેને પ્રવાસ કહેવામાં આવે છે. રાજસી શ્રદ્ધા ધરાવતા લોકો હંમેશા સમય પસાર કરવા અથવા મોજ મસ્તી અને ગેલ કરવા તિર્થ ધામની મુલાકાતે નિકળી પડતાં હોય છે. મહત્ત્વકાંક્ષા સાથે યાત્રાધામમાં આવતા લોકો તામસી શ્રદ્ધા ધરાવતાં હોય છે. માત્ર વિશ રૂપિયાનું શ્રીફળ વધેરી કરોડોની માંગણી કરતાં હોય છે. તમારી કર્મપુંજી જમા ન હોય,તો એક કોડી પણ મંદીરમાં ભોગ ચડાવાથી મળી શકતી નથી. તેથી મંદીરમાં ઇશ્વરના ચરણોમાં ભીખ માગવાનો કોઈ મતલબ રહેતો નથી. રાજસી કે તામસી શ્રદ્ધા ધરાવતો માણસ આટલી સરળ બાબત પણ સમજી શકતો નથી. બેન્કમાં બેલેન્સ ન હોય, તો એક રૂપિયો પણ ઉપાડ પેટે મળતો નથી. ચેક લખીને કોઈને આપશો તો પણ બેન્કમાં રજુ થતા જ તે પરત ફરે છે. તમારી સામે છેતરપંડીનો દાવો દાખલ થઈ શકે છે, પોલિસ કાર્યવાહી થઈ શકે છે. ઇશ્વરની બેન્કનો ચેક લખતા પહેલા આપણે સો વખત વિચાર કરવો જોઈએ. યાત્રાધામમાં કોઈપણ અપેક્ષા વિના ઇશ્વરના દર્શન કરવા જે લોકો નિયમિત જવાનું પસંદ કરી શકે છે. તે જ સાત્વિક શ્રદ્ધાળુ છે.
મંદીરમાં તમારે ઇશ્વર પાસે કશુંક માગવું જ હોય તો તમારાથી વધુ દુ:ખી દેખાતા લોકો માટે માગવાનું પસંદ કરો. કારણકે અન્ય માટે માંગણી કરવી એ પણ એક પરોપકાર છે. આ રીતે તમે ઇશ્વરની બેન્કમાં ધન જમા કરાવાનું પુણ્યસ્વરૂપ કાર્ય કરો છો. તમારા ભાવરૂપી જમા થયેલું ધન પરમાત્મા જરૂરિયાતમંદ જીવાત્માને લોન પેટે ધીરાણ કરે છે. તેથી સૃષ્ટિના કલ્યાણ માટે દરેક જીવોએ આ પ્રકારનું કર્મ બજાવતા રહેવું જોઈએ. મારી દૃષ્ટિએ બનાવટી દસ્તાવેજો ઊભા કરી લોન ઉપાડવા કરતાં જરૂરિયાતમંદ વ્યક્તિને બેન્ક લોન આપી શકે. તેવા ભાવ સાથે જમા કરેલું ધન ઉત્તમ અને સાત્વિક છે. જ્યારે રાજસી અને તામસી ધન બેન્કમાં વધુ પડતું જમા થઈ જાય છે ત્યારે બેન્ક પણ પોતાનો વિવેક ગુમાવે છે. ખોટા લોકોની જાળમાં ફસાય જાય છે. એટલું જ નહિ લાયક ન હોય તેવા અપાત્ર લોકોને આડેધડ ધીરાણ કરી દે છે. બેન્કના નાણા ફસાય જાય છે. કોઈવાર તો બેન્કનું ઉઠમણું પણ થઈ જાય છે. તેનાથી ઉલ્ટુ સાત્વિક ધન અનેક લોકોને બેઠા કરી દે છે. જે બેન્ક આવું સાત્વિક ધન એકઠું કરી શકે છે. તે બેન્ક ખૂબ પ્રગતિ કરી શકે છે.
સાત્વિક ધન વ્યક્તિગત કે સામુહિક રીતે લાભકારક બને છે. પણ રાજસી કે તામસી ધન વિનાશક હોય છે. અન્યને દુ:ખ પહોંચાડી કમાયેલું ધન તામસી ધન કહેવાય છે. એવી જ રીતે અંગત સ્વાર્થ સિદ્ધ કરવા એનકેન રીતે ભેગું કરેલું ધન રાજસી ધન કહેવાય છે. આજ-કાલ બેન્કોમાં રાજસી અને તામસી ધનનું ભંડોળ દિનપ્રતિદિન વધતું જાય છે. પરિણામે વિજય માલિયા, નિરવ મોદી, મેહુલ ચોકસી જેવા અનેક કરજરદારો રાજકિય વગના જોરે બેન્કોની મોટી રકમ ઉપાડી રફૂચક્કર થઈ ગયા છે. છેલ્લા દસ વર્ષમાં બેન્ક ઋણ ઉપાડનારા કહેવાતા ઉદ્યોગપતિઓની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. આ તમામ કરજદારો ઉદ્યોગપતિ નહિ પણ વર્તમાન સમયના અસુરો છે. અસુરી વૃત્તિ માણસનું પતન કરી દે છે. જેઓ સાત્વિક શ્રદ્ધાથી અળગા રહે છે. તે મોટો ઉદ્યોગપતિ બનવા છતાં સાત્વિક લક્ષ્મીનો સ્વામી બની શકતો નથી. આવા લોકોનું કાંઠે આવી વહાણ ડુબી જાય છે. છોકરાં વ્યસની અને વ્યભિચારી બને છે. પરિવારના સભ્યો અનેક રોગોથી પિડાતા હોય છે. ઘરમાં ખાવા પકવાન તૈયાર હોય છે. છતાં એક રોટલી પણ ખાઈ શકાતી નથી. અનાજ કરતા ગોળીઓ વધુ લેવી પડે છે.

ભક્તિ માર્ગના મુસાફરનું પણ આવું જ બનતું હોય છે. હજારો સાધુસંતો સંસારનો ત્યાગ કરવા છતાં તેનાથી છૂટી શકતા નથી. કામવાસના અને ધનદોલતની લાલચ છૂટતી નથી. કેટલાક સત્તાની ખૂરશી મેળવવા કુદી પડે છે. આપણા દેશમાં આવા દંભી લોકોનો મોટો રાફડો ફાટ્યો છે. કહેવાતા સાધુસંતો રાજકિય સત્તાનું રિમોટ કબજે કરી બેઠા છે. મોટી સભાઓમાં ત્યાગવિષય પર ભાષણ કરતા લોકો ભેગું કરવામાં કોઈ કસર રાખતા નથી. તેનું કારણ માણસની અસુરી વૃત્તિ જ છે. માયા અર્થાત પ્રકૃતિના ત્રણ ગુણ પૈકી રજોગુણ અથવા તમોગુણનું વધતું જતું પ્રભુત્વ છે. જ્યારે તમોગુણ વિસ્તરે છે ત્યારે મોહ ઉત્પન્ન થાય છે. જાગેલો મોહ સંતોષવા ક્રોધ જન્મે છે. ક્રોધ ઉત્પન્ન થવાથી જ્ઞાનનો ક્ષય થાય છે. જ્ઞાનના અભાવે વાસના જાગે છે. વાસનાથી લાલચ પેદા થાય છે. લાલચ માણસને પાયમાલ કરી દે છે. એટલુ જ નહિ જીવાત્માનું સંચિત પુણ્ય કર્મ પણ વેડફાય જાય છે. ઇશ્વરના દરબારમાં રાજકિય વગ કામ લાગતી નથી. જેઓ મોહના ફંદામાં આવતા નથી. તેઓ કપરા સંજોગોમાં પણ ધૈર્ય ગુમાવતાં નથી. એક ખેડુત પરિવાર હતો. વૃદ્ધ પિતા અને દીકરો મળી ખેતી કામ કરતા હતા. ખેતરમાં બંને કામ કરી રહ્યા હતા. અચાનક ભારે પવન સાથે વરસાદ તુટી પડે છે. લગભગ બે કલ્લાક સાંબેલાની ધારે વરસાદ પડે છે. ગામમાં આવેલા ખેડુતના ઘરનો અડધો ભાગ વરસાદના લીધે પડીને પાદર થઈ જાય છે. ખેડુત અને તેનો દીકરો ખેતરેથી ગામમાં આવેલા પોતાના ઘર પાસે આવી પહોંચે છે. જમિન દોસત થયેલા ઘરને જોઈ દીકરો બોલી ઉઠે છે: “હે ઇશ્વર તને આ શું સુજ્યું? ગામમાં અનેક ચોર લોકો વસે છે. તેના મકાનની એક કાંકરી પણ ખરી નથી. અમારુ અર્ધુ મકાન પડી ગયુ છે. ખરી મહેનતથી કમાઈ અમારુ માંડ પેટ ભરાય છે. છતાં અમારા મકાનનું તું રક્ષણ ન કરી શક્યો” ચોધાર આંસુંએ રડતા પિતા તરફ દૃષ્ટિ ફેરવી દીકરાએ ઉમેર્યું: “હે પિતાશ્રી તમે શાંત થાવ પક્ષપાતી ભગવાન આપણી કોઈ વાત નહિ સાંભળે” સાંભળી પિતાએ કહ્યું: “હે દીકરા હું મકાન પડવાનું દુ:ખ વ્યક્ત કરતો નથી. મારી આંખોમાં આજ હર્ષના આંસું સમાતા નથી. કારણકે ભયંકર તોફાન વચ્ચે પણ માટીનું અર્ધુ મકાન બચી ગયુ છે. ભગવાને આપણી કેટલી ચિંતા કરી હશે? જો આખુ મકાન પડી ગયુ હોત તો આપણે ચોમાસાના વરસાદથી શી રીતે બચી શકેત?” વૃદ્ધ પિતા ઇશ્વરનો આભાર માની ઘોર નિંદર માણી શક્યો હતો. પણ તેનો દીકરો આખી રાત પડખા ફેરવતો રહ્યો હતો. કારણકે પિતાનું વ્યક્તિત્વ સાત્વિક ગુણથી ભરેલું હતુ. પણ દીકરો રજો ગુણી હોવાથી આખી રાત ઉંઘી શક્યો નહિ. દીકરો ઇશ્વરને દોષ દેતો હતો. પણ એક વૃદ્ધ પિતા ઇશ્વરનો આભાર માનતો હતો. સત્વ ગુણ અને રજો ગુણ વચ્ચેનો વાચક મિત્રો આ મોટો તફાવત છે.
સત્વ ગુણનો પ્રસાદ સૃષ્ટિના દરેક જીવને મળે. તેવા ઉદ્દેશથી ઇશ્વર તને પ્રાથું છું.
“ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ;
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.”

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleસુરત,યુથ ઓફ યુનાઈટેડ ગુજરાત (YUG) દ્રારા વિવિધ સોસાયટી ઓ માંથી માતાઓ એ બનાવેલી રોટલી એકત્રિત કરવામાં આવે છે
Next articleઅનુભવના ઓટલે અંક: ૫૮ સંતાકૂકડી