ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી હોવાથી આજે અંતરના આગણે, કરુણાના પડઘમ ગુંજી રહ્યા હતા. મોબાઈલ ખોલતા જ વ્હોટ્સ એપ પર દેવી ત્રિશલાને અવતારી બાળકના જન્મ પૂર્વે, એક પછી એક ૧૪ સપના આવે છે. તેની કહાની જાણીતા આકાશવાણી માન્ય કલાકાર હંસાબહેનના મધુર કંઠે ગવાયેલા ભજનમાં માણી. દેવી ત્રિશલાને શ્રેણીબદ્ધ આવેલા સપનામાં ૧૪ પ્રતીકો દૃશ્યમાન થયાં હતાં. તેનું વર્ણન ભજનમાં સાંભળવા મળ્યું. ભજનના શબ્દો મને મારી ભીતરની પાઠશાળામાં ઘસડી ગયા. હું ભૌતિક સુવિધાથી પર એવી વિચારોની પાઠશાળામાં પહોંચી ગયો. લોકડાઉન પિરયડ ચાલતો હોવાથી વિચારોની પાઠશાળા ખીચોખીચ ભરેલી હતી. કારણ કે તેને સામાજિક અંતર જાળવવાનો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો ન હતો. તેથી મુક્તપણે પાઠશાળામાં ભણવા આવેલા દરેક વિચારો, એકબીજા સાથે ભારે ધમાચકડી મચાવી રહ્યા હતા. ભીતરમાં ભણવા આવેલા, વિચારરૂપી વિદ્યાર્થીઓનો, કોવિડ-૧૯નો વાઈરસ, વાળ પણ વાંકો કરી શકે તેમ ન હતો. મારું ઘડતર કરવા,ખુદ ઈશ્વરે ભીતરમાં વિચારોની પાઠશાળા ખોલી આપી છે. મને તેમાં ભણવું ખૂબ ગમે છે. આ પાઠશાળામાં કોઈવાર બાહ્ય મુલાકાતી વક્તાઓ પણ પધારતા હોય છે. જ્ઞાનની સરવાણી બની અમારી પાઠશાળાના અંતેવાસીઓનું ઘડતર અને ચણતર, વક્તાઓએ કર્યું છે. આજે હંસાબેન પણ અમારી પાઠશાળામાં માર્મિક ભજન લઈ આવી પહોચ્યાં હતાં. ગુરુજી મનન, તેમને દોરી લાવ્યા હતા. સ્વાગતવીધી આટોપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્રણ-ચાર કલાક સુધી ભજનના શબ્દોએ મારા બાળ વિચારોને, જુદી-જુદી રમતના માધ્યમથી રમાડ્યા. ભજનમાં વર્ણાવેલા પ્રતીકોનું અર્થઘટન ઘણું લાંબું ચાલ્યું. અચાનક હંસાબહેનના અવાજમાં દેવી ત્રિશલાને આવેલા ૧૪ સપના વિશે વિગતે પ્રકાશ પાડવા, મોબાઈલના સ્પીકર પર એક સંદેશ સંભળાયો. મારી ભીતરની પાઠશાળાના તમામ વિદ્યાર્થીઓ કામે લાગી ગયા. અનુભવના ઓટલે સંવાદ કરવા સાંકળ રચી દરેક વિચારો ગોઠવાયા. અનુભવના ઓટલે ચાલતી લેખમાળા મારા વાચકોની વિચારોની બેંક છે. તેથી તાર્કિક સૂચનો અને વિચારોને તેમાં આવરી લેવામાં આવે છે. હંસાબેનનું સૂચન મળતા જ દેવી ત્રિશલાને આવેલા ૧૪ સપનાની વાત મેં મારી લેખમાળામાં વણી લેવા નક્કી કરી લીધું. સારસ્વત વાચકોની જીદ પૂરી કરવા, મારા ઓર્બિટના બટનો કૂદાકૂદ કરવા લાગે છે. અમારા મેનાબા જાડેજા દરેક લેખ સાંભળી, તેનું વિશ્લેષણ કરે છે. તે સાંભળી ભીતરની પાઠશાળાના નવા નિશાળિયા નાચી ઊઠે છે. જે વિચાર નવો હોય છે, તે અમારી પાઠશાળાનો નવો નિશાળિયો ગણાય છે. નવા-જૂના નિશાળિયાઓની દેખરેખ આચાર્ય ચિંતન રાખે છે. વર્ગ શિક્ષક મનન તેનો વર્તણૂક અહેવાલ તૈયાર કરી, નિયમિત મોકલી આપે છે. મારી ભીતરની પાઠશાળા પ્રવૃત્તિઓથી ધમધમી રહી છે. હંસાબેનનું આગમન અમારી પાઠશાળાનું સિમાચિહ્ન જરૂર બનશે. પાઠશાળાનો કોઈ નવો નિશાળિયો આચાર્ય, ચિંતનના ચરણોમાં વંદન કરી બોલ્યો: ‘સર, કોઈ વધુ એક વક્તાને બોલાવી આપો તો સારું. અમે ૧૪ સપનાનું રહસ્ય વિગતે સમજવા ઈચ્છીએ છીએ.’
અમારા આચાર્ય ચિંતનને નવા નિશાળિયાની વાત ગમી ગઈ. મેં મોબાઈલ ખોલી અમારા જૈન મિત્ર કીર્તિભાઈ શાહને ફોન લગાવ્યો: ‘હેલ્લો, કીર્તિભાઈ! નમસ્તે. તમને ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતીની ખૂબ-ખૂબ શુભકામનાઓ.’ ખબરઅંતર પૂછી મેં કામની વાત છેડી જ નાખી: ‘દેવી ત્રિશલાને આવેલા ૧૪ સપનાઓની સંક્ષિપ્ત વિગત મળશે?’ તેમણે મને તમામ વિગત મોકલી આપી. નવા નિશાળિયાઓ વળી એકવાર ગેલમાં આવી ગયા. વર્ગ શિક્ષક મનન વચ્ચે પડ્યા ન હોત તો મોટી ધમાલ મચી જાત. ઠીક છે, જવા દો આ વાત. બધી શાળાઓમાં આવું તો ચાલતું જ હોય છે. જોકે અમારી ભીતરની પાઠશાળાનું શિસ્ત, મહદઅંશે નવા-જૂના નિશાળિયાઓ તોડતા નથી. તેનો મને આનંદ પણ છે. કીર્તિભાઈની ૧૪ સપનાની વિગતો આવતા જ પાઠશાળાના નિશાળિયાઓ કામે લાગી ગયા.
જગત ક્ષણભંગુર છે, તેનો વૈભવ સપના જેવો ક્ષણિક હોય છે માટે સપનાનો સંકેત કરી, ઈશ્વર દેવી ત્રિશલાને નિર્દેશ કરે છે. ૧૪ સપના જન્મ ધારણ કરનાર બાળકનું ભાવિ દર્શાવે છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે ખુદ ઈશ્વર ધર્મના રક્ષણ માટે અવતાર ધારણ કરતો હોય છે. માણસને તેની ચેતવણી આપવા અવતાર ધારણ કરતા પહેલા ઈશ્વર કોઈ ને કોઈ સંકેત કરતો હોય છે. ભગવાન રામચંદ્રજી, કૃષ્ણ, રામદેવપીરના જન્મ પૂર્વે આવા સંકેતો મળ્યા હતા. દેવી ત્રિશલાને પણ એક સંકેત હતો. તેમની કૂખે જન્મ ધારણ કરનાર પુત્ર, કોઈ સંસારના ભોગો ભોગવવા ધરતી પર આવતો નથી. તેનું લક્ષ્ય તો જીવમાત્રનું કલ્યાણ કરવાનું હતું. તેથી દેવી ત્રિશલાના પતિ રાજા સિદ્ધાર્થ કહે છે: “હે દેવી, દર્શાવેલ પ્રતીકોનું અવલોકન કરી આવનાર બાળકનું ભાવિ જાણી લેવા નિર્દેશ થયો છે” રાજા સિદ્ધાર્થનો દેવી ત્રિશલા સાથે થયેલ સંવાદ ઘણો રસપ્રદ છે. મને તેના સંવાદનું અમૃત શ્રી કીર્તિભાઈ શાહની મળેલ નોંધ અને હંસાબહેનના કંઠે ગવાયેલા ભજનમાંથી પ્રાપ્ત થયું છે. તે ભીતરની પાઠશાળાના દરેક વિદ્યાર્થીઓને પહોંચાડવા આચાર્ય ચિંતને આદેશ કર્યો છે. વર્ગ શિક્ષક મનન કામે લાગી ગયા છે.
(૧) હાથી: મહાકાય પ્રાણી જેવું વિશાળ હૃદય હોવું જોઈએ. જેમાં જીવમાત્રને આશરો મળી શકે, તેટલી વિશાળતા હોવી જોઈએ. હાથી વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીએ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેમ સંસારભૂમિના દરેક જીવોએ જીત મેળવવાની છે. ઇન્દ્રિયો પર વિજય મેળવનાર ભગવાન મહાવીર સ્વામીને, આપણે જિનેન્દ્ર તરીકે પણ ઓળખીએ છીએ. ‘જય જિનેન્દ્ર’ શબ્દ આપણા વ્યવહાર સાથે વણાઈ ગયો છે. હાથીનું પ્રતીક આપણને સૌને વિશાળ દિલ રાખવા સૂચવે છે. હે માનવ! તારે અન્યના કલ્યાણ માટે હાથીની જેમ વિશાળ કદ ધારણ કરવું જોઈએ. એટલુ જ નહિ, તારી અમાપ શક્તિઓને અન્યના હિત માટે કામે લગાવવી પડશે. તું ભલે ધરાનો ધણી બનવા યત્નશીલ રહ્યો છો. છતાં મુક્તિ માટે તારે કદમ ઉપાડવા જોઈએ. જીવમાત્રના કલ્યાણ અર્થે તારે ગગનમાં પણ ઉડાન ભરવું જોઈએ. ધરતીના પેટાળ સુધી પહોંચવા તારો ગજ વાગવો જોઈએ. તેથી તારા કદ મુજબ તારે કાર્ય કરતા રહેવું પડશે.
(૨) વૃષભ: વૃષભ એટલે બળદ. બળદ ખેતીના કાર્યમાં વર્ષોથી માણસને મદદ કરતો આવ્યો છે. ભગવાન મહાવીર સ્વામી આખી માનવ જાતને સહાય કરવા ધરતી પર આવી રહ્યા છે, તેવો સંકેત કરી મહાવીર સ્વામી કહેવા માગે છે – માણસે બીજાના કલ્યાણ માટે કર્મદાન કરવું જોઈએ. બળદ પણ માણસના કલ્યાણ માટે પોતાનું કર્મદાન કરતો રહે છે.
(૩) સિંહ: નીડરતાનું પ્રતીક માનવામાં આવે છે. દુશ્મન સામે પ્રતિકાર કરવા, તેને સંખ્યાબળની જરૂર પડતી નથી. એટલા માટે આપણે ત્યાં એક કહેવત ખૂબ જાણીતી બની છે.
“સિંહના ટોળા ન હોય” અન્યનું કલ્યાણ કરવા કામ ઉપાડી લો. કોઈની રાહ જોવાની જરૂર નથી. લોકો તમારી સાથે આપમેળે જોડાવા લાગશે. તમે ચિંતા કરવા કરતા કામે લાગી જાવ. એક કિલોમીટર ચાલવાનું આવશે ત્યારે વિચારતા રહેશો તો તમે રસ્તો નહિ કાપી શકો. પણ ચાલવાનું શરૂ કરી દેશો તો દસ મિનિટમાં તમારી મંજિલ સુધી પહોંચી જશો. સિંહ શિકાર મળતા જ તેના પર હુમલો કરી દે છે. તેમ આપણે પણ લક્ષ્ય સિદ્ધ કરવા નીડરતાપૂર્વક આગળ વધતા રહેવું જોઈએ. સફળતા અવશ્ય મળે છે.
(૪) લક્ષ્મી: રાજા સિદ્ધાર્થ પોતાની રાણીને કહે છે: “હે દેવી સાભળો તમારો પુત્ર કોઈ ભૌતિક વૈભવ સુખ ભોગવવા અવતાર ધારણ કરવાનો નથી. તે પોતાનો વૈભવ અન્યને વહેંચી, આત્મ કલ્યાણના વૈભવનો સ્વામી બનશે. તેની તેજસ્વિતા અન્યને મુક્તિના માર્ગે દોરી જશે. કલ્યાણકારી આ સંદેશ જેના અંતરમાં અંકિત થઈ જશે. તે પોતાની પવિત્ર લક્ષ્મીનો ખજાનો બીજાના સુખ માટે ખુલ્લો મૂકી દેશે. જરૂરિયાતમંદ લોકોને દાન કરી વૈભવી લક્ષ્મીના બદલે મુક્તિની મૂડી હાથવગી કરવા કાર્યરત રહેશે.
(૫) પુષ્પની બે માળા: પુષ્પ અન્યને સુવાસિત કરે છે. પુષ્પની માળાનો આપણે ઘણા પ્રસંગોમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે પુષ્પની માળા વડે આપણે અંતરના ભાવ વ્યક્ત કરવા દેવાલયોમાં, ઈશ્વરના ચરણોમાં અર્પણ કરીએ છીએ. અન્યનું અભિવાદન કરવા પુષ્પમાળાનો ઉપયોગ કરીએ છીએ. રાજા સિદ્ધાર્થ દેવીને પુષ્પની માળાનું સંક્ષિપ્ત મહાત્મ્ય વર્ણાવી આગળ કહે છે: ‘હે દેવી, યુગો સુધી સંસારના જીવોને આવનાર બાળક પુષ્પમાળાની મહેક બની સુખની સુવાસ આપશે. દેવાલયોમાં અર્પણ થતી માળાની સુગંધમાં ભળી, તેનું સત્વ ઈશ્વરના ચરણે આવેલા જીવાત્માનું કલ્યાણ કરશે.’
(૬) ચંદ્ર: ચંદ્ર તેજસ્વી હોવા છતાં શીતળ હોય છે. તેમાંથી અમી ઝરે છે. અમી પૃથ્વીના જીવોના ભરણપોષણ માટે વનસ્પતિ જગતને વિસ્તારે છે. સૂર્યની ગરમીમાંથી મુક્તિ આપી શીતળતા બક્ષે છે. તેના કારણે પૃથ્વીની માટીમાં પોષકતત્વ ઉમેરાય છે. રાજાએ કહ્યું: ‘હે દેવી, બાળક મોટો થઈ ઘોર તપશ્ચર્યા કરશે. તેના પ્રભાવથી લોકોના દિલમાં કરુણાની સરિતા વહેતી થશે. ચંદ્રની શીતળતા જેવું વહેતું શીતળ જળ માનવના હૃદયની ગંગોત્રી બનીને આત્મકલ્યાણ કરશે. મુક્તિનું ફળ આપતી, ખેતભૂમિને ફળદ્રૂપ બનાવશે. પરિણામે, ઉર-ઉર મહી ઉમંગનો મબલક પાક નીપજશે. ચંદ્ર તેજસ્વી હોવા છતાં કોઈને દજાડતો નથી. ચોક્કસ સંદેશ લઈ જન્મ ધારણ કરનાર બાળક અન્યનું કલ્યાણ કરશે. ચંદ્રનું શીતળ પ્રતીક દર્શાવી કલ્યાણકારી બાળક સંવેદશીલ અને પ્રભાવશાળી પ્રતિભાવાન હોવાનો સંકેત કરે છે. દેવી ત્રિશલા તમારુ છઠ્ઠુ સપનુ માનવ માત્રનું હિત કરવા પરમ શક્તિનો ઉદય થઈ રહ્યો છે, તેવો પુરાવો આપે છે.’
(૭) સૂર્ય: સૂર્ય આકાશગંગાનો તેજસ્વી તારો ગણાય છે. તેના જેવી પ્રતિભા મનુષ્ય જગતને સજાવવા જન્મ ધારણ કરશે. બાળકની સૂર્ય જેવી પ્રતિભા સૃષ્ટિને નિખારશે. અસાધારણ બાળક ધરતી પર કરુણાનું બીજ રોપી સમગ્ર માનવજાતનું ભલું કરશે. પૃથ્વી પર જેમ સૂર્ય સર્વ જીવોના વિકાસ માટે અવિરત પ્રકાશ આપે છે. તેમ પ્રાણીમાત્ર પર માનવ પણ દયાભાવ રાખવા પ્રેરિત બનશે. તેજસ્વી શક્તિઓ અન્યના ભલા માટે વાપરવા સૂર્યનું પ્રતીક આપણને નિર્દેશ કરે છે.
(૮) ધજા: ધજા કીર્તિનું પ્રતીક છે. તેથી આવનાર બાળકની કીર્તિ સીમાડાઓ ઓળંગી જશે તે નિશ્ચિત છે.
(૯) કળશ: ધર્મનું પ્રતીક છે. આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ બની મુક્તિના માર્ગે આગળ વધતા મુસાફરને દોરવણી આપશે. જેના કારણે અજ્ઞાનનો અંધકાર ઓસરી જશે.
મારી વાત શબ્દની વહેતી સરિતામાં મૂકીશ:
“તું કદમ ઉપાડી ચાલતો રહેજે,હું દીપમાળા લઈ આવું છું;
‘ઝગમગ’ ઉનાળાની ગરમી હોય ભલે,હું ચોમાસું લઈ આવું છું.
તું કદમ ઉપાડી ચાલતો રહેજે”
(૧૦) પદ્મ સરોવર: રાજા સિદ્ધાર્થ પદ્મસરોવરનું પ્રતીક આવનાર બાળક દૈવી પરોપકારી હશે તેવું સૂચવે છે. સરોવર તરસ્યા પશુ-પંખીઓનું આશ્રયસ્થાન હોય છે. વટેમાર્ગુ સરોવર કિનારે પોતાનો થાક ઉતારવા આરામ કરતા હોય છે. તેઓ હાથ-પગ મોં ધોઈ જળપાન પણ કરતા હોય છે. પદ્મસરોવરનું સર્જન જીવાત્માના હિતાર્થે થાય છે. તેમ પ્રભાવી શક્તિનું પ્રાગટ્ય થશે.
(૧૧)ક્ષીરસમુદ્ર: ક્ષીરસમુદ્ર એટલે દૂધનો સમુદ્ર. જે રીતે દૂધ પોષક આહાર છે તેવી જ રીતે સમુદ્ર અસંખ્ય જીવોને પોષણ આપે છે. તેમાંથી રત્નો પણ મળી આવે છે. તમારી કુખે જન્મ ધારણ કરનાર બાળક સૃષ્ટિના જીવોને શાતા આપશે. પોતાની અદ્વિતીય શક્તિ વડે ઇન્દ્રિયો પર વિજય મેળવી ક્ષીરસમુદ્રની જેમ અન્યને આધાર આપશે.
(૧૨) દેવ વિમાન: રાજા સિદ્ધાર્થ ત્રિશલાદેવીને ઉદ્દેશી કહે છે: ‘હે દેવી, દેવ વિમાન સદગતિનું પ્રતીક ગણાય છે, તેથી આવનાર બાળક અનેક જીવોની સદગતિનું કારણ બનશે.
(૧૩) રત્નરાશી: ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા લક્ષ્મીની જરૂર પડે છે, તેમ આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્નરાશીનું મહત્વ છે.
(૧૪) અગ્નિ: અગ્નિ અંધકારને દૂર કરી પ્રકાશ આપે છે, તેમ આપણો પુત્ર અન્યનો તારણહાર બનશે. મુક્તિના માર્ગે આગળ ધપતા લોકો માટે અગ્નિની જેમ પ્રકાશ પાથરશે.
દેવી ત્રિશલાને આવેલા ૧૪ સપનાનું ફળ સમગ્ર માનવ સમાજને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના…
લેખક: લાભુભાઈ ટી. સોનાણી