મંદિરમાં દર્શન કરવા લોકોના ટોળા ઊમટી પડે છે. કેટલાક મંદિરોમાં વી.આઈ. પી. લોકોને અમુક રકમ ભરવાથી દર્શન માટે સીધો પ્રવેશ મળી જતો હોય છે. આવા દર્શનાર્થીઓને સેંકડો લોકોની લાંબી કતારમાં ઊભા રહેવું પડતું નથી. કેટલાક લોકો આવો લાભ વારંવાર લેવા નોકરી કે ધંધા-રોજગારમાં આવતી જાહેર રજાઓનો ફાયદો ઉઠાવવા દેવદર્શન માટે નીકળી પડે છે. જે તે મંદિરમાં તેઓ અમુક રકમ જમા કરાવી, પ્રભુદર્શનનો લાભ લેતા હોય છે. ઈશ્વર દરેક વ્યક્તિના હૃદયમાં બિરાજમાન હોય છે, તેમ છતાં આપણે તેના દર્શનનો લાભ લઈ શકતા નથી. પરંતુ મંદિરમાં રહેલી પથ્થરની મૂર્તિના દર્શન કરવા, ઘેલા બનીએ છીએ. ખરેખર તો, આપણું હૃદય એક મંદિર છે. તેમાં રહેલું ચેતન, ઈશ્વરનો જ અંશ છે. મુક્તાનંદ સ્વામી કહે છે:
“હસતા-હસતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે,
મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે”
હરિના દર્શન હસતા મુખે હૃદયમાં થઈ શકે છે. તેના માટે કોઈ મંદિરમાં જવાની જરૂર નથી. લાંબી કતારમાં કલ્લાકો સુધી ઊભા રહેવાની જરૂર નથી. મંદિરમાં ગયા વિના કોઈપણ વ્યક્તિ તેના હૃદયમાં પરમશક્તિના દર્શન કરી શકે છે. આત્મદર્શન માટે દિવ્ય દૄષ્ટિ કેળવવી પડે છે. આવી દૄષ્ટિ આપણને સત્સંગ વિના મળી શકતી નથી. અંતરના આંગણે હરિના દર્શન માટે કોઈ રકમ ચૂકવવી પડતી નથી, તેમજ લાંબી કતારમાં દર્શન માટે ઊભા રહેવું પડતું નથી.
સત્સંગ:
સત્સંગ એટલે સત્ય હોય તેનો સંગ કરવો અને અસત્યથી અળગા રહેવું. સત્સંગ માટે આધ્યાત્મિક વક્તાઓની સભામાં બેસવાની જરૂર નથી. તેના માટે કોઈ સાધુ સંતોના ચરણે જવાની પણ જરૂર નથી. સત્સંગ હૃદયમાં બિરાજમાન અંતરયામિ સાથે કરવો જોઈએ. કેળવાયેલી દિવ્ય દૃષ્ટિ આપણને અંતરયામિનો સંગ કરાવે છે. જેના વડે ચરાચરમાં અણુએ અણુમાં વસતા ઈશ્વરના દર્શન થઈ શકે છે. જ્યાં સુધી આત્મદર્શન કરવા દિવ્ય દૄષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી, ત્યાં સુધી જગતવિહારી વિભુના દર્શન થઈ શકતા નથી. કમળ કાદવ-કિચડ વચ્ચે પણ સુંદરતા ધારણ કરી લે છે, તેમ આપણે પણ સંસારની આધિવ્યાધિ વચ્ચે આત્મદર્શન કરવા દિવ્ય દૄષ્ટિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. સત્સંગનો સેતુ ભિતરની ભવ્યતાનો પરિચય કરાવવા દોરી જાય છે. એટલા માટે ગંગાસતીએ આઠેપોર આનંદમાં રહી નિત્ય સત્સંગમાં રહેવા નિર્દેશ કર્યો છે. માણસે નરસી મહેતા,મીરાંબાઈ અને પ્રહલાદની જેમ અંતરયામિ સાથે સત્સંગનો સેતુ જોડવો પડશે. ભીતરના ભેરુ સાથે સત્સંગનો સેતુ બાંધી અંતરમાં ખળખળ વહેતી પવિત્ર સરિતામાં સ્નાન કરતા રહેવું જોઈએ. કમળ પણ કિચડમાં રહેલા જળનો ઉપયોગ કરી, પોતાની સુંદરતામાં વૄદ્ધિ કરે છે, તેમ આપણે પણ આત્મદર્શન થઈ શકે, તેવી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરી લેવી જોઈએ.
“આંખ મારી ઊઘડે ને સીતારામ દેખું,
ધન્ય મારું જીવન સેવા એની પેખું”
“હે પ્રભુ, સવાર પડે અને દીનદુખિયા લોકોની જેને સેવા કરવાની તક મળે છે, તેનું જીવન ધન્ય છે. દીનદુખિયા લોકોની સેવા કરવાનો જેને ઈશ્વર લહાવો આપે છે. તે સંસારનું સત્ય અંતરયામિની કૄપાથી જાણી લે છે. એટલુ જ નહિ તેના અંતરના દ્વાર ખૂલી જાય છે. જેના અંતરના દ્વાર ખૂલી ગયા છે, તેમણે હરિદર્શન માટે મંદિરમાં જઈ, લાંબી કતારોમાં ઊભા રહેવની જરૂર નથી. આધ્યાત્મિક જગતનું રહસ્ય જાણવા સત્સંગનું કોમ્પ્યુટર ખોલવું પડશે અને તેને કુદરતના નેટવર્ક સાથે જોડવું પડશે. મારે અને તમારે ભીતરના ભેરુને ઓનલાઈન હૄદયરૂપી સત્સંગના ધામમાં સતર્ક રાખવો પડશે.
અવિનાશ વ્યાસ પોતાની એક માર્મિક રચનામાં કહે છે…
“ભીતરનો ભેરુ મારો આત્મો ખોવાયો રે,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
એ વાટે જનારા કોઈને જડ્યો હોય તો કહેજો.
એના રે વિના મારી કાયા છે પાંગળી અને આંખો છે છતાં મારી આંખો છે આંધળી.
મારા રે સરોવરિયાનો હંસલો રિસાયો
એ સરોવરમાં તરતા કોઈએ જોયો હોય તો કહેજો.
તનડું રૂંધાણું મારું મનડું રુંધાણું અને
તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાયું છપરિયા ઘીમાં મારો જીવડો ઝડપાયો,
એ આધેરો સળગતો કોઈએ દીઠો હોય તો કહેજો.
જન્મોજન્મનો સાથી વસમી આ વાટમાં અને કઈપેર ઢુંઢુ એને ગોજારી રાતમાં,
મારા રે મનના વનનો મોરલો રિસાયો,
એ આઘેરો ટહુકતો કોઈએ જોયો હોય તો કહેજો”
માતાના ઉદરમાં ડાહપણભરી વાતો કરતો હતો. તે મારો ભીતરનો ભેરુ ખોવાયો છે. સંસારભૂમિ પર હવે મારે શી રીતે આગળ ધપવું? કારણ કે મને દોરવણી આપતો આત્મો મારાથી અળગો પડી ગયો છે. એના વિના મારી કાયા પાંગળી બની ગઈ છે. આંખો હોવા છતાં હું આંધળો થઈ ગયો છું. માતાના ગર્ભમાંથી છુટો પડી મારો હંસલો રિસાયો છે. સંસારરૂપી સરોવરમાં તેને તરતા કોઈએ ભાળ્યો હોય તો કહેજો. હું ગર્ભમાં તન-મનથી રૂંધાયો હતો, ત્યારે કાલાવાલા કરી ગાતો હતો.
“ફુલના છે ગજરા ને ફુલના છે હાર, આવીને ઊભા મારે અંતરને દ્વાર.
એવા શ્રીકૄષ્ણનું શરણું છે મારે ગોવિંદ બલિહારી જાઉં વારે વારે”
અચાનક હરિનો સંપર્ક તૂટી જતા મારું એ અરમાન અધૂરું રહી ગયું છે. ભૌતિક વૈભવમાં ખોવાયેલી મારી સમજ કોઈને દૄષ્ટિગોચર થાય તો કહેજો. મારા જન્મોજન્મના સાથીને હું શોધુ છું. કાશ તેનો ટહુકો કોઈને સંભળાયો હોય તો કહેજો. માણસ સંસારનો વૈભવ મળતા જ બધુ ભૂલી જાય છે. બૈરાં, છોકરાં, નોકરી, ધંધા રોજગારમાં તેનું આખું આયખું વીતી જાય છે, તેની ખબર પણ પડતી નથી. સગાં-વહાલાં અને પરિવારની પળોજણમાં પડેલો માણસ આત્મદર્શનથી વંચિત રહી જાય છે. સળગતા અગ્નિ જેવા સંસારના દુખોથી દાજેલો માણસ, દેવદર્શને નીકળી જરૂર પડે છે, પણ અજ્ઞાનના અંધકારમાં અટવાયેલો માણસ, મંદિરમાં પ્રસ્થાપિત મૂર્તિનું બાહ્ય સૌંદર્ય નિહાળી પરત ફરે છે. હૄદયમાં વસવાટ કરતા ઈશ્વરને નિહાળવા તમારું ચિત્ત સ્થિર કરો, ઇન્દ્રિયોના વિષયથી મુક્ત થઈ, અંત:કરણમાં ઈશ્વરનું ચિંતન કરવાથી પરમકૄપાળુ પરમાત્માના દર્શન થઈ શકે છે. આ માટે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જપ કરવાની આદત કેળવવી જોઈએ. તમારો તૂટેલો તાર જોડાઈ જશે. તુટેલો તાર સંધાતા દિવ્ય જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠશે. આવો અભ્યાસ પૂર્ણ કરી અંત:કરણમાં ઈશ્વરના દર્શન કરવા ટેવાયેલો માણસ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થતા જ ભગવતધામમાં પહોંચી જાય છે. દિવ્ય આત્માઓ બાહ્ય તોફાનથી ડરતા નથી.
ઇંગ્લેન્ડમાંથી મહાત્મા ગાંધીજી વકિલાતનો અભ્યાસ પૂરો કરી,સ્ટીમરમાં ભારત પરત આવી રહ્યા હતા, ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ દરિયો ભારે તોફાની બન્યો હતો. કોઈ પણ વ્યક્તિને આવનારા અંદરના તોફાનો સામે તૈયાર કરવા, ઈશ્વર બાહ્ય તોફાનો મોકલતો હોય છે. મહાત્મા ગાંધી દરિયાના ભયંકર તોફાનો વચ્ચે નીડર બની અન્યને હિંમત આપતા હતા. અંતરયામિ તેનું આત્મબળ વધારવા દરિયાનું ભયંકર તોફાન લઈને આવ્યા હતા.
વાચક મિત્રો, માણસને ઘડવા મૄત્યુલોકમાં મુસીબતોને મોકલવામાં આવે છે. ધરતી પર આવી મુસીબતો વ્યક્તિગત અને સામૂહિક પડકારો લઈ આવી પહોંચે છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલો માણસ આત્મદર્શનના અભાવે પાંગળો બની જાય છે. સત્ય-અસત્યનો ભેદ પારખી શકતો નથી. આધ્યાત્મિક દૄષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિ આંખો હોવા છતાં આંધળો બની જાય છે, ભણેલો હોવા છતાં અજ્ઞાની જેવું વર્તે છે. આ બધી સમસ્યાઓ નિવારવા આપણે આત્મ-મંથન કરવું પડશે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં લોકડાઉન ચાલે છે, ત્યારે દોડધામમાંથી મુક્ત થયેલો માણસ, માનવતાના બાગનું પુષ્પ બની મહેકી ઊઠે તેવી મારી ઈશ્વરને પ્રાર્થના છે. માણસ કોવિડ-૧૯ સમસ્યારૂપી આવેલી અંધારી રાતનો તેજસ્વી ચંદ્ર છે. ત્યારે તેમણે માનવતાના પ્રદેશને પ્રકાશીત રાખવાનો છે.
એક તરફ દેશમાં બીજનો ચંદ્ર દેખાતા પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે. બીજી તરફ કોરોના ફેલાવા માટે કોઈ એક કોમને દોષિત માનવામાં આવે છે. તે દેશના લોકોની સંકુચિત વિચારધારાનો પરિચય કરાવે છે. ગીતા ગાયક શ્રીકૄષ્ણ ભગવાનના મતે ઇશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ ફરકી શકતું નથી. ત્યારે કોઈ વિવાદને અવકાશ નથી. કોવિડ-૧૯ વાઈરસના નામે,દેશના નેતાઓએ રાજકીય મનસા પુરી કરવા નફરતનું ઝેર ન રેડવું જોઈએ. લોકડાઉનમાં ભાંગીને ભુક્કો થયેલી આર્થિક ગતિવિધિને પુન: ધબકતી કરવી પડશે. ધંધા રોજગાર શરૂ કરવા તા. ૨૦ એપ્રિલથી ભારત સરકાર દ્વારા થોડી ઢીલ મૂકવામાં આવી છે. પરિણામે કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ધંધા રોજગાર ધમધમતા થયા છે. રોજ મહેનત કરી કમાતો માણસ તેના પેટનો ખાડો પૂરવા કામે લાગ્યો છે. જોકે ટ્રાફિક પોલિસ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા તેને કારણ વિના દંડી રહ્યો છે. વળી વહીવટી તંત્રની નિર્ણય શક્તિના અભાવે અવારનવાર બહાર પડતા પરિપત્રો પ્રજા માટે પરેશાનીનું કારણ બન્યા છે. પેટિયું રળવા મથતો માણસ, કમાવાના બદલે ટ્રાફિક પોલિસ દ્વારા દંડાય રહ્યો છે.
અમારી શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં રંગરોગાન અને રિનોવેશનનું કામ ચાલે છે. ૨૫ માર્ચના રોજ દેશભરમાં પ્રથમ લોકડાઉન લાગુ કરવામાં આવતા કામ સ્થગિત કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦ એપ્રિલથી તેમાં થોડી છૂટ મળતા પુન: રિનોવેશન અને રંગરોગાનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કામદારોને લોકડાઉન હોવાથી અવરજવર કરવામાં સરળતા રહે તેવા હેતુથી વર્ક ઓર્ડરની કોપી આપવામાં આવી છે. તેમ છતાં ભાવનગર શહેરમાં પરિમલના નાકે ઊભેલા ટ્રાફિક પોલીસે કોઈપણ જાતના કારણો ચકાસ્યા વિના તારીખ
૨૯ એપ્રિલ ૨૦૨૦ ને મંગળવારના રોજ બેલદાર મનિષભાઈ બારૈયાની ગાડી જપ્ત કરી તેમને રૂપિયા ૫૦૦ નો દંડ ફટકારી, પહોંચ પકડાવી દીધી હતી. એક બાજુ સરકાર બેરોજગાર થયેલા લોકોને નાની-મોટી સહાય કરી ગૌરવ લે છે. બીજી તરફ મહેનત કરી કમાવવા નીકળેલા માણસ પાસેથી કારણ વિના દંડ વસુલવામાં આવે છે. વહીવટી સંકલનના અભાવે ગરીબ માણસ પીસાઈ રહ્યો છે. તેમાં કોણ જવાબદાર છે? પ્રજા કે શાસક? વિચારવાનો સમય પાકી ગયો છે. સમસ્યાના ઉકેલ માટે આત્મા સાથે સંવાદ કરવો પડશે. આત્મદર્શન અને આત્મમંથન
જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ શોધી આપે છે. કોરોના વાઈરસ એક સમસ્યા બનીને આવ્યો છે, પણ મને અને તમને માનવતનનો માલિક બનાવી જતો રહેશે.
“ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહા ક્યુ સોવત હૈં.
જો સોવત હૈં વો ખોવત હૈં. જો જાગત હૈં વો પાવત હૈં”
આત્મમંથનનું શસ્ત્ર ઉગામી આપણે સૌએ આવેલી સમસ્યાનું છેદન કરવાનું છે.
આફતના અંધારા વચ્ચે અટવાયેલી માનવતા પુન: ઝળહળી ઊઠે તેવી અભ્યર્થના…
લેખક: લાભુભાઈ ટી. સોનાણી