ઘોઘા તાલુકાના કુડા ગામે કોળીયાક ખાતેથી પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ હાલ એ પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે કુડા ખાતે પાણી પહોંચી શકતું ન હતું. જે સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કુડા ખાતે હાલ ઉનાળાના કારણે પાણીની તંગીને પહોંચી વળવા પ્રતિદિન ૩ ટેન્કર મારફતે ૩૦,૦૦૦ લિટર પાણી આપવાની વ્યવસ્થા શરૂ કરાઇ છે તેમજ વિકાસશીલ ઘોઘા તાલુકાની ગ્રાન્ટમાંથી ૩૬ લાખના ખર્ચે કોળીયાક થી કુડા સુધીની પાઇપ લાઇન નાંખવા તેમજ ગામના આંતરિક જળ વ્યવસ્થાના માળખાને સુસજ્જ કરવા અંગેના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. જેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા ઝડપભેર આ કામગીરી શરૂ કરવામાં આવશે.જે અંગેનું કામ પાણી પુરવઠા વિભાગને સોંપવામાં આવેલ છે. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઘોઘા દ્વારા જણાવવામાં આવ્યું છે.તાલુકા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ કુડા ગામના એક કૂવામાં પાણી ઉપલબ્ધ છે. જે પાણીને લોકોએ સીંચવું ન પડે તે માટે ૫,૦૦૦ લીટરની બે ટાંકીઓ મૂકી તે કુવામાંથી ટાંકીઓમાં પાણી ભરવામાં આવશે. આ અંગેની જરૂરી વ્યવસ્થા કરવા કુડા ગ્રામ પંચાયતને જણાવવામાં આવ્યું છે. આગામી બે દિવસમાં ગામમાં પાણીની ટાંકીઓ લગાવી દેવામાં આવનાર છે