જમીન સંપાદન બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતો હાઇકોર્ટમાં

1084
guj3132018-7.jpg

ગાંધીધામ, કંડલા અને મુંદ્રા પોર્ટ માટે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કરાયેલ જમીન સંપાદન બાદ પણ વળતર નહી ચૂકવાયું હોવાની ફરિયાદ કરતી કેટલાક ખેડૂતો તરફથી ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, કચ્છ-ભુજ કલેકટર, અંજાર મામલતદાર, અંજાર જમીન સંપાદન અધિકારી સહિતના પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી તા.૨જી એપ્રિલના રોજ મુકરર કરી છે. અરજદાર ખેડૂત ખાતેદાર તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા કચ્છના અંજાર તાલુકાના મેઘપર તાલુકાની જમીન અગાઉ ખરીદવામાં આવી હતી. જે જમીન નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રોડ પ્રોજેકટ સંદર્ભે સંપાદન કરવામાં આવી હતી અને તે અંગેના વળતરની રકમ રૂ.૫૨.૫૦ લાખ કલેકટર સમક્ષ જમા કરાવવામાં આવી હતી. સત્તાવાળાઓ દ્વારા અરજદારની જમીનનો કબ્જો લઇ લેવાયો હતો પરંતુ આજદિન સુધી તેઓને મળવાપાત્ર વળતરની રકમ ચૂકવવામાં જ આવી ન હતી. જમીન સંપાદન અધિકારી અને અંજાર કલેકટર કચેરીના એસડીએમ દ્વારા અરજદારને જમીન સંપાદન પેટેના વળતરનો કોઇ હુકમ પણ કરી અપાયો ન હતો. અરજદારપક્ષ દ્વારા જયારે સત્તાવાળાઓને લીગલ નોટિસ અપાઇ તો, ગુજરાત રાજય બહારના ખેડૂત ખાતેદારો અંગે સુપ્રીમકોર્ટમાં કેસ પેન્ડીંગ હોઇ અને અરજદારના સર્વે નંબરના એક અન્ય જમીન ધારક ગુજરાત બહારના ખાતેદાર હોઇ હાલ વળતર ચૂકવી શકાય નહી. સત્તાવાળાઓના આ જવાબ પરત્વે અરજદારપક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું હતું કે, સુપ્રીમકોર્ટમાં ઉપરોકત જે કેસ પેન્ડીંગ છે, તેમાં અરજદાર પક્ષકાર જ નથી. વળી, સુપ્રીમકોર્ટમાં જે કેસ પડતર છે, તે ગુજરાત બહારના ખેડૂતો અંગેનો છે, જયારે અરજદારો મૂળ ગુજરાતના ખેડૂત ખાતેદાર છે. આ સંજોગોમાં સત્તાવાળાઓએ અરજદારને તેમની જમીન સંપાદન પેટેનું વળતર ચૂકવાવું જોઇએ. સત્તાવાળાઓનો નિર્ણય અયોગ્ય, ગેરવાજબી અને કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધનો છે. આ સંજોગોમાં હાઇકોર્ટે અરજદારને યોગ્ય અને પૂરતું વળતર અપાવવું જોઇએ. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ એ.જી.ઉરેઝીની ખંડપીઠે ઉપરમુજબ નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી.

Previous articleસ્કાઉટ-ગાઈડના જવાનોને સન્માનિત કરાયા
Next articleગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે રાજીવ સાતવની વરણી કરાઈ