હું અને મારા પત્ની દિપીકા ભલાણી અને મારા અઢી વર્ષનો પુત્ર સત્ય ભલાણી એક સાથે કોરોના પોઝીટીવ આવ્યા ત્યારે શું થશે એ ચિંતા હતી અને આ ચિંતાનુ મુખ્ય કારણ હતુ મારો અઢી વર્ષનો પુત્ર સત્ય. આ શબ્દો છે આજરોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાંથી કોરોના પર વિજય મેળવનાર આશિષ ભલાણીના.
આશિષ ભલાણી જણાવે છે કે અમે અમદાવાદથી અમારા વતન અમરગઢ આવ્યા. જ્યા અમને કોરોનાના લક્ષણો જણાતા કોરોના અંગેનો રીપોર્ટ કરાવ્યો અને અમારો આખો પરીવાર ગત તા.૧લી જુનના રોજ કોરોના પોઝીટીવ આવ્યો. વધુ સારવાર માટે અમને ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યા.દાખલ થયાં ત્યારે મનમાં ચિંતા કે ભય બિલકુલ ન હતો પણ ડૉકટરો, નર્સો, અને ત્યાંના તમામ સ્ટાફે પૂરતી હૂંફ અને સહકાર ખરેખર સરાહનીય હતો. મેડિકલ ટીમે અમને માનસિક રીતે મજબૂત કર્યા અને અમને ખૂબ હિંમત આપી. દિવસમાં અમારી પ્રવૃત્તિઓ જોઈને ડોક્ટરોને તથા સ્ટાફને વિશ્વાસ આવી ગયો કે આ ફેમિલી કોરોનાને નહી પણ કોરોના આ ફેમિલી સામે હારી જશે. ડૉક્ટર અને સમગ્ર સ્ટાફની સેવા – સુશ્રુશા ક્યારેય નહીં ભુલાય. અહીંની મેડિકલ ટીમ તો દર્દીઓની પુરી કાળજી લઇ જ રહી છે પરંતુ અહીંના સફાઈકર્મીઓનું કામ પણ ઉડીને આંખે વળગે એવું છે.કોરોનાના દર્દીઓ વચ્ચે પણ તેઓ બખૂબી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આમ સર.ટી. હોસ્પિટલ ખરા અર્થમાં આજ મારે મન મંદિર સમાન સાબિત થઇ છે.જ્યાંની મેડિકલ ટીમે દેવદૂત બની આ મહામારીમાંથી મારા અઢી વર્ષેના પુત્ર સહિત મારા આખાય પરિવારને હેમખેમ પાર ઉતાર્યો.એ સૌનો હું આજે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું. આશિષ વધુમાં જણાવે છે કે કોરોનાથી ડરવા કરતાં લોકો જાગૃતિ કેળવે.કોરોનાથી બચવાના યોગ્ય નિયમોનું પાલન કરે અને બહાર નીકળે.કોરોના એવી ગંભીર બીમારી નથી કે જે થઈ જાય તો એમાંથી બહાર ન નીકળી શકાય.બસ જરૂરી છે તો માત્ર સાવધ રહેવાની અને જાગૃતિ કેળવવાની. આમ, સર તખ્તસિંહજી હોસ્પિટલમાં થઈ રહેલી બેજોડ સેવા અને સુશ્રુશાએ અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવી તેમને કોરોનામુક્ત કરી નવજીવન બક્ષ્યું છે.સર.ટી હોસ્પિટલનો સ્ટાફ માત્ર દવા જ નથી આપતો દવાની સાથે સાથે એ દર્દીને હિંમત અને હૂંફ પણ આપે છે.અને કદાચ એટલે જ અહીંથી કોરોનામુક્ત થનારા દર્દીઓની સરેરાશ સમગ્ર રાજ્યમાં ટોચ પર છે.