રાજ્યમાં ઉત્તર પશ્ચિમી સૂકા ગરમ પવનની અસર હેઠળ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા તાપમાનમાં વધારો થયો છે. જેના પગલે શનિવારે પણ હિટવેવ ચાલુ રહેવાની આગાહી છે. અમદાવાદ શહેરમાં આજે ૪૧.૪ ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. સમગ્ર રાજ્યમાં ૩૦ માર્ચના રોજ ઈમરજન્સી સેવા ૧૦૮માં ગરમીને લગતા કુલ ૪૧૪ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલા કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં એક જ દિવસમાં ૧૮ લોકો જ્યારે રાજ્યભરમાં ૭૭ લોકો ગરમીને કારણે બેભાન થઇ ગયા હતા.
જ્યારે અમદાવાદમાં ગરમીના કારણે ૨૪ લોકોને પેટમાં અસહ્ય દુખાવાની, ૧૩ વ્યક્તિને છાતીમાં દુખાવાની, ૧૪ લોકોને ચક્કર આવતા પડી જવાના કિસ્સા સામે આવ્યા હતા. સૂકા પવનની અસર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળશે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ૪૨.૪ ડિગ્રી ગરમી સુરેન્દ્રનગર ખાતે નોંધાઈ હતી.રવિવારથી મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થવાની જ્યારે લઘુતમ તાપમાનમાં સતત વધારો થવાની સાથે ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી ૪૨.૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ઉપરાંત ૪૨ ડિગ્રી સાથે ઇડર અને રાજકોટ, ૪૧.૯ ડિગ્રી સાથે ડીસા, ૪૧.૮ ડિગ્રી સાથે અમરેલી અને ૪૧.૫ ડિગ્રી સાથે ગાંધીનગર ખાતે વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૩.૮ ડિગ્રી વધીને ૪૧.૪ ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૧.૨ ડિગ્રી ઘટીને ૨૨.૬ ડિગ્રી નોંધાયું છે.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૪૩ ટકા અને સાંજે ફક્ત ૧૩ ટકા જ નોંધાતા લોકોને મોડી સાંજ સુધી ગરમીનો અહેસાસ થયો હતો.