દહેગામ તાલુકાના ચિસકારી ગામે વુડન પેકેજીંગ બનાવતી ફેકટરીમાં મધરાતે અચાનક આગ લાગી હતી.આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગતાં ફેકટરીના સિક્યોરીટી દ્વારા માલિક અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જોકે ફાયર બ્રિગેડના વાહનો આવે તે પહેલા આગ બેકાબુ બની હતી. દહેગામ કપડવંજ અને ગાંધીગરના ફાયર ફાયટરો દ્વારા આગ ઓલવવાની કાર્યવાહી કરાઇ હતી.પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા ફેકટરીનો તમામ માલ સામાન ભિષણ આગના કારણે ભસ્મિભૂત થતાં વ્યાપક માત્રામાં નુકશાન થવા પામ્યું હતું.
ચિસકારીમા બેસ્ટ બિન્સ એન્ડ પેલેપસ પ્રા.લિમિટેડ નામની પેકેજીંગ બોકસ બનાવવાની ફેકટરી આવેલી છે. ફેકટરીમાં ગત મોડી રાતના બેથી અઢી વાગ્યે અચાનક ફેકટરીમાં આગ લાગી હતી. સ્થાનિક સિક્યોરીટી ગાર્ડે તાત્કાલિક અસરથી આગ લાગવાની જાણ ફેકટરીના માલિક અને ફાયર બ્રિગેડને કરી હતી. દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોવા છતાં ફાયર બ્રિગેડની ટીમને આવવામાં મોડુ થયુ હોવાથી આગ વધુ પ્રસરી હોવાનું ફેકટરીના માલિકે જણાવ્યુ હતુ. ત્યાર બાદ ગાંધીનગર અને કપડવંજના ફાયર વિભાગને પણ જાણ કરાઇ હતી.ગાંધીનગર, દહેગામ અને કપડવંજના ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા ત્યારે ભિષણ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેકટરી આગની અગન જવાળાઓમાં લપેટાઇ ગઇ હતી. ચિસકારી ગામે વુડન ફેકટરીમાં લાગેલ ભિષણ આગને ઓલવવા માટે દહેગામ ગાંધીનગર અને ખેડા જિલ્લાના કપડવંજ સહિતના છ ફાયર ફાયટરો ઉપરાંત સ્થાનિક પાણીની ટેન્કરો બોલાવી આગ બુઝાવવાના પ્રયત્નો કરાયા હતા. મોડી રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો.