દહેગામની બે પ્રસુતાના મોત મામલે પોલીસ સ્ટેશનને ઘેરતી મહિલાઓ

672
gandhi142018-1.jpg

દહેગામ ખાતે ત્રણેક દિવસ અગાઉ પ્રસૃતાના મોત બાદ તેના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીનો આક્ષેપ કરાયો હતો. ત્યાર બાદ અન્ય એક પ્રસૃતાના પરિવારે પણ યસ્વી હોસ્પિટલના તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયુ હોવાની અરજી દહેગામ પોલીસ મથકે આવી હતી. શુક્રવારે દેવીપૂજક સમાજના લોકો સહિત મહિલાઓ ઔડાગાર્ડન ખાતે ભેગા થઇ યસ્વી મેટરનીટી હોસ્પિટલ બંધ કરાવી તેના તબીબના લાયસન્સ રદ કરી ગુનો દાખલ કરવાની માંગ સાથે રેલી કાઢી હતી.
દહેગામ શહેરની યસ્વી મેટરનીટી હોમ ખાતે પ્રસૃતિ માટે રંજનબેન ધર્મેશભાઇ વાઘેલા દેવીપૂજક મહિલાની સિઝેરીયન દ્વારા પ્રસૃતિ બાદ તબિયત બથડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી. જયાં રંજનબેનનું મોત થતાં તેમના પરિવારજનોએ યસ્વી મેટરનીટી હોમમાં તબીબની બેદરકારીથી મોત થવાનો આક્ષેપ કરતાં દહેગામ પોલીસે પેનલ ડોકટરથી પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. અરવિંદસિંહ ઠાકોરે પણ યસ્વી હોસ્પિટલના તબીબ સામે આક્ષેપ કર્યો હતો કે તેમના પત્નિ લક્ષ્મીબેન જે પ્રસૃતિ માટે ગત તા.૧૮ના રોજ દાખલ કરાયા હતા.તેમનું પણ ડોકટરની બેદરકરીથી મોત થયુ હોવા અંગેની અરજી આપી હતી.
ઔડા ગાર્ડન ખાતે બપોરના સમયે દેવી પૂજક સમાજની મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને યસ્વી હોસ્પિટલને બંધ કરી તેના તબીબોના લાયસન્સ રદ કરી મૃતકોના પરિવારજનોને વળતર બાળકોના ભરણ પોષણ તેમજ તબીબો સામે એફઆઇઆર દાખલ કરવા સહિતની માંગ સાથે પોલીસ સ્ટેશન સુધી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરતાં પહોંચ્યા હતા.
પોલીસ મથકે ટોળુ પહોંચતા પોલીસ અધિકારીઓએ મંજૂરી વિના રેલી કાઢી હંગામો કરી રજૂઆત કરવાની પધ્ધતિ ખોટી હોવાનું જણાવી આ બનાવ અંગે કલેકટરને જાણ કરવા તેમજ તબીબ સામે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવાયુ હતુ. કેટલીક મહિલાઓ ઉશ્કેરાઇ જતાં મહિલા પોલીસની મદદથી મહિલાના ટોળાને રવાના કરી દેવાયુ હતુ.

Previous articleચિસકારી ગામમાં મધરાતે બે લાટીમાં આગ લાગતા લોકોમાં ભારે નાસભાગ
Next articleસિવીલમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલમાં છીંડા બેદરકારી