સિવીલમાં બાયો મેડિકલ વેસ્ટના નિકાલમાં છીંડા બેદરકારી

1129
gandhi142018-2.jpg

હોસ્પિટલોમાં એકત્ર થતો બાયો મેડીકલ વેસ્ટ આરોગ્યની ગ્ષ્ટિએ ખુબ ઘાતક હોવાથી તેને વૈજ્ઞાાનિક પધ્ધતિથી નષ્ટ કરવો ખુબ જરૂરી છે. પરંતુ પાટનગર સ્થિત સિવલ હોસ્પિટલમાં આ બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નાશ કરાતો ન હોવાની ઘટના બહાર આવી છે. હોસ્પિટલના વોર્ડમાં પ્લાસ્ટિકની બોટલો અને નીડલને નાશ કર્યા વગર જ બાયો મેડીકલ વેસ્ટ એકત્ર કરવાની બેગમાં નાખી દેવામાં આવે છે. બાયો મેડીકલ વેસ્ટને કલર કોડ પ્રમાણે વિવિધ બેગમાં એકત્ર કરવાનો હોય છે. વોર્ડમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી ફરજ પર રહેલ સ્ટાફ નર્સ તથા વોર્ડ ઇન્ચાર્જની છે. પરંતુ હોસ્પિટલના વોર્ડમાં કલર કોડ પ્રમાણેની બેગમાં બાયો મેડીકલ વેસ્ટ એકત્ર કરવામાં ધુપ્પલ ચલાવવામાં છે. સિવીલમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે  નિકાલ કરવામાં આવે છે કે નહીં તેનું સુપરવિઝન પણ તંત્ર દ્વારા કરાતું નથી તે પણ એક ચોંકાવનારી હકીકત છે.
નાના-મોટા દવાખાના તથા હોસ્પિટલોમાં દર્દીના સારવાર માટે વપરાતી ચીજ-વસ્તુઓના કચરાને મેડીકલ ક્ષેત્રમાં બાયો મેડીકલ વેસ્ટ તરીકે ઓખળવામાં આવે છે. આ બાયો મેડીકલ વેસ્ટને ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે તો પણ આરોગ્યની ગ્ષ્ટીએ ખુબ ઘાતક સાબિત થાય છે. બાયો મેડીકલ વેસ્ટમાંથી પ્લાસ્ટીકની ચીજવસ્તુઓેને અલગ કરીને ભંગારમાં વેચવાથી મોટો વેપાર થઇ શકે છે. પ્લાટીકની બોટલો તથા પ્લાસ્ટીકની ઇન્જેક્શનની સીરીન્જનો રી-યુઝ થવાની પણ સંભાવના રહેલી હોવાથી બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય એ માટે સરકાર દ્વારા ૧૯૯૮માં કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ  સરકારના આ કાયદાના ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં લીરે લીરા ઉડી રહ્યાં છે. આ કાયદા મુજબ  ભુરા કે સફેદ કલરની બેગમાં નીડલ, ચપ્પુ, બ્લેડ જેવી ધારદાર વસ્તુઓ, લાલ બેગમાં પ્લાસ્ટીકની બોટલ , વેક્યુટેનર, મોજાં જેવો દુષિત કચરો, વાદળી બેગમાં તુટેલા કાચ, ધાતુના ઇમ્પલાન્ટ, પીળી બેગમાં માનવ અંગો, પાણી જન્ય કચરો, એક્સપાયર્ડ કે ફેંકી દીધેલી દવાઓને આ વિવિધ કલર કોડની કેટેગરી વાઇઝની બેગમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરવાનો હોય છે.
પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, સિવીલ હોસ્પિટલના વોર્ડમાં આ કલર કોડ પ્રમાણે બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ કરાતો નથી.  ઉપયોગમાં લેવાયેલી નીડલ, પ્લાસ્ટીકની બોટલ, પ્લાસ્ટીકની ઇન્જેક્શન સીરીંઝનું કટીંગ કર્યા વગર જ બાયો મેડીકલ વેસ્ટની બેગમાં ફેંકી દેવાય છે. હોસ્પિટલના વોર્ડમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી વોર્ડમાં ફરજ પર રહેલ સ્ટાફ નર્સ તથા વોર્ડ ઇન્ચાર્જની રહેલી છે તેવું સિવીલના સત્તાધીશોએ જણાવીને પોતાના હાથ જવાબદારીમાંથી ખેંખેરી નાંખ્યા. ત્યારે સિવિલમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં સ્ટાફ નર્સ તથા વોર્ડ ઇન્ચાર્જની બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. જો સિવીલમાં જ આ રીતે અંધેર ચાલી રહ્યું છે તો શહેર અને જિલ્લાની અન્ય હોસ્પિટલો અને દવાખાનાઓમાં શું સ્થિતી હશે તેને લઈને ગંભીર સવાલ ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે, સેક્ટર-૨૨માં જ ગાયનેકોલિજીસ્ટ તબીબની હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટનો કોથળો ડોર ટુ ડોર ઘનકચરાના વાહનમાં ફેંકવામાં આવ્યો હતો તેની સંદેશ પોતે ગવાહી પુરે છે. છતાં આ તબીબ સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા.

સુપ્રિટેન્ડન્ટે કહ્યું, આ મામલે તપાસ કરાશે
આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડન્ટનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાયો મેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે નહીં તેની ચકાસણી માટે હોસ્પિટલમાં બે ઇન્સ્પેક્શન કંટ્રોલ સુપરવાઇઝરની નિમણુક કરવામાં આવેલ છે. ટુંક સમયમાં આ મામલે તપાસ કરવામાં આવશે. હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન કંટ્રોલ સુપરવાઇર નિમણુક કરવામાં આવી હોવા છતાં બાયો મેડીકલ વેસ્ટનો સરકારન કાયદા મુજબ યોગ્ય નિકાલ ન થતાં તેમના સુપરવિઝન પર અનેક સવાલો ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે, સરકારના કાયદા મુજબ બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ ન કરવામાં આવે ગુનેગારને એક લાખ રૂપિયા દંડ અથવા પાંચ વર્ષની કેદ અથવા બંને થઇ શકે છે. જવાબદારી બરાબર નિભાવવામાં આવે છે કે નહી તેનું સુપરવિઝન કરવાની મહત્વની ભુમિકા સત્તાધીશોની હોય છે, પરંતુ તે લોકો પણ ઉણાં ઉતર્યા છે.

કઈ એજન્સી બાયો મેડિકલ વેસ્ટ લઈ જાય છે તેનાથી તંત્ર અજાણ
સિવીલનો બાયો મેડિકલ વેસ્ટ કઈ એજન્સી લઈ જાય છે તેની માહિતી સિવીલના સુપ્રિમોને જ નથી ખબર, આ કેટલી આઘાતજનક બાબત કહી શકાય. આ જોતાં સિવીલમાં અંધેર વહીવટ ચાલે છે તેમ કહેવું સહેજપણ અતિશયોક્તિભર્યું નથી. અહીં અંધેર નગરી જેવી સ્થિતી છે. આરોગ્ય મંત્રી પોતે બાજુમાં જ બેસે છે. આરોગ્ય મંત્રી ખુદ આ ગંભીર બેદરકારી માટે સિવીલના જવાબદારો પાસેથી ખુલાસો લેવો જોઈએ. જિલ્લા કલેક્ટર પણ સીધી રીતે સિવીલના વહીવટ સાથે ક્યાંક સંકળાયેલા છે. તેમણેપણ આ બાબતની તપાસ કરવી જોઈએ. સિવીલનો બાયો મેડિકલ વેસ્ટ ઈકોલાઈઝ નામની કંપનીનું વાહન આવીને લઈ જાય છે તેવી સત્તાવાર વિગતો છે, પણ જવાબદારો બેખબર છે.

Previous articleદહેગામની બે પ્રસુતાના મોત મામલે પોલીસ સ્ટેશનને ઘેરતી મહિલાઓ
Next articleરાજુલા ન.પા.ના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ