અનુભવના ઓટલે અંક: ૬૬ બેલેન્સસીટ ઓફ લાઈફ(જિંદગીનું સરવૈયું)

5800

જિંદગીનું સરવૈયું :
હું જિંદગીનું સરવૈયુ રજૂ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું. સામાન્ય રીતે દરેક ખાનગી પેઢી, કંપની, સંસ્થા અથવા સરકાર નાણાકીય વર્ષ પુરું થતા જ આવક-જાવકના હિસાબો તૈયાર કરી સરવૈયું રજૂ કરે છે. તેને સાર્વજનિક કરવા બેલેન્સસીટ તૈયાર કરી લોકો સમક્ષ પ્રસ્તુત કરે છે. જેનું સર્વપ્રથમ આંતરિક ઓડિટ થાય છે. ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટશ્રી દ્વારા ઓડિટ કરવામાં આવે છે. જિંદગીને સજાવવા આપણે માનવ જિંદગીનું મૂલ્યાંકન કરવા સરવૈયું તૈયાર કરવું જોઈએ. વખતોવખત તેનું સ્વ-મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. આવા જ કોઈ હેતુસર મારી જિંદગીની બેલેન્સસીટ સાર્વજનિક કરી રહ્યો છું. આપ સૌ મારા ચાર્ટર્ડ ઓડિટર છો. આપે મારી જિદંગીની સારી અને નબળી બાજુઓનું નીરક્ષણ કરી અંગુલી નિર્દેશ કરવાનો છે. દરેક વાચકે પોતાનો ઓડિટ દુરસ્તી અહેવાલ આપવાનો છે. આપની ઉદારતા મને સંસારસાગર તરવામાં સહાય કરશે.

(૧)જન્મ :
જિદંગીનો ઓપનિંગ સ્ટોક – વ્યક્તિનો જન્મ ગણાય છે. આ સૃષ્ટિ પર જીવાત્મા સારા તેમજ નબળા એમ બંને પ્રકારના કર્મફળનું ભાથું બાંધી જન્મ ધારણ કરે છે. પિતાશ્રી ટપુભાઈ પટેલ મારા જન્મ સમયે અનેક સંઘર્શનો સામનો કરી રહ્યા હતા. ‘એક સાંધતા તેર તૂટે’ તેવી અમારા પરિવારની હાલત હતી. ૧૫ માર્ચ ૧૯૬૭ના રોજ તંદુરસ્ત બાળકનું આગમન થતા પરિવારમાં ખુશીનો સંચાર થયો હતો.

(૨)ક્રેડિટ :
ક્રેડિટ અર્થાત જમા
બ્રાહ્મણના ભાડાના મકાનમાં મારો ઉછેર થઈ રહ્યો હતો. માતા અજવાળીબહેન પોતાની બધી હિંમત એકઠી કરી જેમ-તેમ પરિવારનું ગાડું ગબડાવી રહ્યાં હતાં. પિતાશ્રી ટપુભાઈ પટેલ શહેરની જહાંગીર વકીલ મિલમાં નોકરી કરતા હતા. ટૂંકી આવકના લીધે કોઈવાર ઘરમાં હાંડલા કુસ્તી કરતા હતા. મારો જન્મ થતા જ એકાએક પરિવારનો બોજો વધ્યો હતો. વળી હિસાબી દ્રષ્ટિકોણથી વિચારીએ તો જાય તેને જમા કહેવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે મારું આગમન અમારા પરિવાર માટે બોજો વધારનારું હતું.

(૩)ઉધાર :
ઉધાર અર્થાત ડેબીટ
ગ્રામિણ વિસ્તરણ યોજના અંતર્ગત ભાવનગર તાલુકા પંચાયત દ્વારા, ઘરથાળના પ્લોટની ફાલવણી કરવા એક સ્કીમ દાખલ કરવામાં આવી છે. તેવા સમાચાર બાપુજી ટપુભાઈ પટેલ અમારા માતુશ્રી અજવાળીબહેનને આપે છે. ગ્રામિણ વિસ્તરણ યોજના અંતર્ગત નજીવા દરે પ્લોટની ફાળવણી થવાની હતી. અમારા માટે તે ખૂબ સારા સમાચાર હતા. પિતાશ્રીને માતા અજવાળીબહેનની પ્લોટ ખરીદી માટેની લીલી ઝંડી મળતાં, તેમણે ગ્રામિણ વિસ્તરણ યોજનામાં પોતાના નામની નોંધણી કરાવી દીધી. થોડા જ દિવસોમાં તરસમિયા ગ્રામ પંચાયત દ્વારા પ્લોટનો કબજો અમારા પરિવારને સોંપવામાં આવ્યો. અમારા પરિવારે જાત મહેનત ઉઠાવી પ્લોટમાં વિલાયતી નળિયાવાળું એક મકાન બાંધી દીધું. અમે સૌ બ્રામ્હણનું ભાડાનું મકાન છોડી નવા બાંધેલા મકાનમાં રહેવા પહોંચી ગયાં. પરિવાર માટે ભલે મારું આગમન કસોટી ભર્યું હતું, પરંતુ સમય હંમેશા પરિવર્તનશીલ હોય છે. થોડા જ સમયમાં તે કરવટ બદલે છે. પરિવારની પ્રગતિના નવા દ્વાર ખૂલવાની શરૂઆત થાય છે. આપણને સંધ્યાના રંગો ભલે રાત્રીના અંધકાર તરફ દોરી જતા હોય, તેમ છતાં શરીરનો થાક ઉતારવા તેનો અનાદર કરી શકાય નહિ. કારણ કે રાત્રીની ઘોર નિદ્રા માણી કોઈપણ વ્યક્તિ પ્રગતિના પંથે આગળ ધપી શકે છે.

(૪)કલોઝિંગ સ્ટોક :
શરીરનું મૃત્યુ આધ્યાત્મિક જગતનો કલોઝિંગ સ્ટોક માનવામાં આવે છે. તેના લેખાંજોખાં કરવા કોઈપણ વ્યક્તિ અસમર્થ છે, તેમ છતાં અનુભવના આંગણે ઉદ્ભવેલા પ્રસંગોના આધારે હું કેટલીક વાતો રજૂ કરવા ઇચ્છું છું.
“શબ્દની સુવાસ લઈને આવ્યો હતો, ભાષાનો બાગ દઈ જવા ચાહું છું,
આંખોના અંધારા લઈ આવ્યો હતો, જ્ઞાનના અજવાળા પાથરી જવા ઈચ્છું છું”

કોઈ કંપની શરૂ થતા જ બંધ કરવી પડે તો શું થાય? સ્ટોકની મેળવણી કરવી પડે, બીજુ શું થવાનું હતુ. સામાન્ય રીતે આમ પણ નાણાકીય વર્ષ બદાલાઈ છે, ત્યારે દરેક કંપની સંગઠન કે સરકારે પોતાનો કલોઝિંગ સ્ટોક મેળવવો પડે છે. તેમ જીવનમાં આપણે પણ આધ્યાત્મિક જગતનો સ્ટોક મેળવવો પડે છે. મૃત્યુ એટલે જીવનરૂપી ચાલતી કંપનીનો કલોઝિંગ સ્ટોક.

જીવલેણ ઘાત :
જીવલેણ ઘાત વ્યક્તિના જીવનનું નાણાકીય વર્ષ છે. ૨૦૧૩ નું વર્ષ મારા માટે મૃત્યુનો પેગામ લઈ આવ્યું હતું. મને લાગુ પડેલી મેનિંજાઈટિસની બીમારી સારવાર કરતા દાકતરો માટે માથાનો દુખાવો સાબિત થઈ હતી. પરંતુ મારા માટે તે જીવનનો સુવર્ણકાળ લઈ આવી હતી. કારણ કે તેણે મને ઇશ્વરના ખોળે આત્મમંથન કરવાનો મોકો આપ્યો હતો. આવેલી તકનો લાભ લઈ, અહંકાર ઓગાળી હૄદય તેમજ મસ્તિષ્કમાં ચાર દીવાલોને જામેલો કાટ ઉખાડી ફેંકવાનો એ સમય હતો. સંવેદનાની સરિતામાં નિર્મળ થઈ નવું જીવન શરૂ કરવા સંકલ્પ લેવાનો હતો. ખાનગી પેઢી, સંસ્થા, કંપની, જાહેર ક્ષેત્રના એકમો અને સરકારે પણ નવું નાણાકીય વર્ષનો આરંભ થતા ગત વર્ષનું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. તેમ મારે પણ આવેલી જીવલેણ ઘાતનો પડાવ વટાવી નવા જીવનનો આરંભ કરવાનો હતો. આધ્યાત્મિક જગતમાં જીવલેણ બીમારી જિંદગીનું સરવૈયું તૈયાર કરી કલોઝિંગ સ્ટોક જાણવા તક આપે છે. વાસ્તવિક જીવનમાં ઓપનિંગ અને કલોઝિંગ સ્ટોક જિંદગીના માપદંડની બ્લ્યૂપ્રિન્ટ છે. હું એમ પણ માનું છું કે ૨૦૧૩ ની બીમારીએ, મને આધ્યાત્મિક જગતમાં વિહરવાની તક આપી છે. હું નમ્રભાવે કહેવા માગું છું કે જન્મથી લઈ બીમારી સુધીનો ૪૬ વર્ષનો કાળ મેં વ્યર્થ ગુમાવ્યો છે. મારો કલોઝિંગ સ્ટોક ગાણિતિક દૄષ્ટિએ એકડા વિનાના મીંડા જેવો માલુમ પડ્યો છે. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે માનવતા વિનાનું જીવન પૂંછડા વિનાના પશુ જેવું ગણાય છે.

(૫)મિલકત :
સ્નેહ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, કર્મનિષ્ઠા, સંકલ્પ શક્તિ અને દ્રઢ-મનોબળ મારી સંપત્તિ છે. જેના વડે હું મોટુ મિત્રવર્તુળ ઊભું કરી શક્યો છું. તેનો લાભ વર્ષો સુધી પડકારરૂપ વ્યક્તિઓને મળતો રહેશે, તેવી મને શ્રદ્ધા છે.

(૬)દેવુ :
ધીરજ અને સહનશીલતાનો અભાવ, ક્રોધ, અહંકાર મારા જીવનની નબળી બાજુઓ રહી છે. મારો ક્રોધ સ્નેહની સરિતાને સૂકવી નાખે છે. અહંકાર ધીરજ અને સહનશીલતાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જેના કારણે લાગણીના પુષ્પો સુગંધી હોવા છતાં મહેકી શકતા નથી.

(૭)પ્રોફિટ : (ખુશી)
વિપરીત સંજોગોમાં પણ ઈશ્વર મને કર્મ કરવા શક્તિ આપે છે. તે મારા જીવનની સફળતાનું રહસ્ય છે. ૧૯૯૪ ની એક ઘટના મને યાદ આવે છે: શ્રી અંધ અભ્યુદય મંડળનું વાર્ષિક અધિવેશન આવી રહ્યું હતું. તેના ખર્ચને પહોંચી વળવા મારા સેવા ક્ષેત્રના પ્રથમ ગુરુ શ્રી શાંતિભાઈ ઓઝાએ મને ફંડ એકત્રિત કરવા આદેશ કર્યો હતો. આદેશ મળતા જ હું કેટલાક વેપારીઓને રૂબરૂ મળવા નીકળી ગયો. મારી સફળતાનો ચિતાર ખુદ શાંતિદાદાના શબ્દોમાં જાણવા જેવો છે.
શાંતિદાદાએ કહ્યું: “હું ૩૭ વર્ષમાં આટલું ફંડ એક દિવસમાં એકઠું કરી શક્યો નથી. મંડળ દ્વારા મને હાલ રૂ.૧૦૫૦/- માનદવેતન ચુકવવામાં આવે છે તેમાં આજથી રૂપિયા ૩૫૦/- નો કાપ કરી તારા પગારમાં તે રકમ ઉમેરવા હું મંડળના હોદ્દેદારોને ભલામણ કરું છું, તે જ દિવસથી મારા ૭૦૦ રૂપિયાના પગારમાં રૂ.૩૫૦/- ઉમેરાયા અને ઉદાર ઘોષણા સાથે શાંતિદાદાએ ઉમેર્યું કે તું ખૂબ આગળ વધીશ તને મારા આશીર્વાદ છે.” હું માનું છું ઈશ્વરની કૄપા વિના રાતી પાઈ પણ મળતી નથી. તેમ છતાં શાંતિદાદાએ આપેલી હિંમતના લીધે મારા નેતૃત્વ નીચે ચાલતી કોઈપણ સંસ્થાનો પ્રોજેક્ટ નાણાના અભાવે આજ સુધી અટક્યો નથી. તેનો મને અત્યંત આનંદ છે. તે પૈકી શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાએ ટૂંકા સમયમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તે સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓનો ઉત્સાહ વધારે તેવી વાત છે. સંસ્થાએ માળખાકીય સવલત, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરી પ્રજ્ઞાલોકનું ગૌરવ વધાર્યું છે. તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મવીરો તેમજ તમામ કાર્યકરમિત્રોનો પરિશ્રમ દિનપ્રતિદિન રંગ લાવી રહ્યો છે. દાતાઓની દાન સરવાણી તેને ટેકો કરી રહી છે. કલમના ખોળે રજૂ થયેલ “બેલેન્સસીટ ઓફ માય લાઈફ” આપ સૌના અંતરના આંગણે ઉત્સવની ઉષાનો પ્રકાશ પાથરશે, તેવી મને શ્રદ્ધા છે. અન્યની ખુશી મારી સ્થાવર-જંગમ મિલકત છે, હું તેનું જતન જીવનપર્યંત કરતો રહીશ, તે મારી પ્રાથમિક જવાબદારી છે.

(૮)ખોટ :
દુ:ખ અથવા ખોટ:
રસ્તા પર ટ્રાફિક નિયંત્રિત કરવા ઠેર-ઠેર સિગ્નલ મૂકવામાં આવે છે. કેટલાક લોકો સિગ્નલના સંકેતોને અવગણતા હોય છે. કોઈવાર તેના કારણે અકસ્માતનો ભોગ બની મૂલ્યવાન જિંદગી ગુમાવે છે. જીવનમાં આવતી શારીરિક અને માનસિક ક્ષતિ આધ્યાત્મિક જગતના સિગ્નલના સંકેત છે. તેથી તેનું પાલન અચૂક કરવું જોઈએ. ખાસ કરીને નેત્રહીન વ્યક્તિ તેનો ભંગ કરે છે. ત્યારે હું દુ:ખી થઈ જાઉં છું. ઈશ્વરે આપણને અંધત્વ શા માટે આપ્યું છે? આત્માની શુદ્ધિ માટે. તેથી આપણે કોઈપણ અસત્ય આચરતા પહેલા સો વખત વિચારવું જોઈએ. એટલું જ નહિ કોઈપણને દુ:ખ પહોંચે તેવી દરેક બાબતથી આપણે અળગા રહેવું જોઈએ. આધ્યાત્મિક જગતમાં આગળ વધવા ચેતીને કદમ ઉપાડવા પડે છે. આ માર્ગે આગળ ધપવા ઇચ્છતા દરેક વ્યક્તિએ હૄદયની દુર્બળતાનો ત્યાગ કરી પોતાનું કર્મ બજાવતા રહેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો હતાશા અને નિરાશામાં ડૂબેલા રહે છે. તે જોઈ હું દુ:ખી થઈ જાઉં છું આધ્યાત્મિક દૄષ્ટિએ જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. ભૌતિક શરીરનું કોઈ મૂલ્ય નથી, વળી આત્માનું કોઈ પરિવર્તન નથી. તેથી તેનો રંજ કરવો યોગ્ય નથી. પરિસ્થિતિ સામે આપણે જીવનમાં સંઘર્ષ કરતા રહેવાનું છે. હું જીવન સંગ્રામ ખેલતા લડવૈયાને થાકેલો જોઈ ભાંગી પડું છું.

(૯)ગૂડવિલ (પાઘડી)
ગૂડવિલ અર્થાત આત્મા
દરેકના હૄદયમાં બિરાજમાન આત્મા ઈશ્વરનો અંશ છે. અંતર્યામી સ્થૂળ આંખો વિના પણ બધુ જ જોઈ શકે છે. દ્રઢ-મનોબળ અને સંકલ્પ-શક્તિ મારી તેજસ્વી આંખો છે. તેના વડે હું આપ સૌને નિહાળી પ્રાથું છું.
“હે પ્રભુ તારી બાજી જમાવા,
જીવને માનવ કરી મોકલી દીધો ને ભૂમિનો ભાર ઉતારી દીધો”

(૧૦)ફિક્સ મિલકત :
ફિક્સ મિલકત અર્થાત હૄદય:
અંતરમાં લાગણી અને સંવેદનાના ફૂલછોડ ખીલી રહ્યા છે. તેના પર કળીઓ બેસી ખીલી ઊઠવા ઉતાવળી બની છે. પ્રેમરૂપી સૂર્યના કિરણો તેને સ્પર્શી રહ્યા છે. લાગણીની લહેરખી અંતરના આંગણે ખીલી ઉઠેલા બાગની મહેક ચોમેર પાથરી રહી છે. વાચક મિત્રો! ખોવાયેલી માનવતાને ખોળી કાઢવા. આધ્યાત્મિક જગતના ફૂલ છોડ ઉછેરવા પડે છે.

(૧૧)મૂડી :
મૂડી અર્થાત ચારિત્ર
વિચારથી ચારિત્રનું નિર્માણ થાય છે, ઉત્તમ વિચાર પ્રાપ્ત કરવા વાંચનનો શોખ કેળવવો પડે છે.

(૧૨)રોકાણ :
રોકાણ અર્થાત જ્ઞાન
મનુષ્ય તરીકે અવતાર ધારણ કરી, પશુ જેવું જીવન જીવતા લોકોને, આધ્યાત્મિક જગતના વેપારી બનવા ઉમદા વિચારોનું વાવેતર કરવું પડે છે. મારી લેખન પ્રવૃત્તિ દ્વારા જ આ ક્ષેત્રમાં લોકોનું રોકાણ વધશે તેવી મને શ્રદ્ધા છે.

(૧૩) ઘસારો :
ઘસારો અર્થાત ઉંમર
વધતી જતી ઉંમર મારા કાર્ય ક્ષેત્રનો સૌથી મોટો પડકાર છે.
“સોના પહેરો રૂપા પહેરો, પહેરો હીરલા સાચા, મત કરો અભિમાન એક દિન પવન હૈં ઊડી જાના”
જે કરવું હોય તે કરતા રહો પણ અભિમાન કરશો નહિ કારણ કે જીવાત્મા એક દિવસ ચોક્કસ ઊડી જવાનો છે.

(૧૪)ફાઈનલ ઓડિટર :
ફાઈનલ ઓડિટર પરમાત્મા
પરમાત્મા આપણા સૌના ઓડિટર છે. તેથી સંપત્તિ ભેગી કરવા અસત્યનો આશરો લેવાના બદલે કઠોર પરિશ્રમ કરી કમાયેલું ધન વધુ શ્રેષ્ઠ છે.

આધ્યાત્મિક જગતના વેપારીનું ફાઈનલ ઓડિટ પરમ કૄપાળુ પરમાત્માના હાથમાં હોય છે. વળી, ચોરાશી લાખ યોનિમાં યાત્રા કરવા મારે અને તમારે આધ્યાત્મિક જગતમાં વેપાર ચલાવી પૂંજી એકઠી કરવી પડે છે. તે યાદ રાખવું પડશે.

મેં આધ્યાત્મિક જગતમાં આગળ ધપવા વિચારરૂપી વાહન સજ્જ કરી લીધું છે . સેવાકીય સંસ્થાઓની પ્રવૃત્તિ મારા જીવનની પૂંજી છે.

 

લેખક: લાભુભાઈ ટી. સોનાણી

Previous articleમોરારીબાપુ પર થયેલા હુમલાને ત્રિપાજ્ય સાધુ સમાજ રાણપુર અને રાણપુર તાલુકાએ વખોડી મામલતદારને આવેદનપત્ર આપ્યુ.
Next articleવલ્લભીપુરના ક્યૂટબોય યશરાજસિંહ ગોહિલનો આજે જન્મદિવસ