ભાવનગરમાં કોરોનાની શરૂઆતથી લઈ આજદિન સુધીની ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અનન્ય, અભૂતપૂર્વ રહી છે. આ હોસ્પિટલની મેડીકલ ટીમે આજ દિન સુધીમાં ૯૨ વર્ષથી લઈ ૩ માસ સુધીના ૧૪૯ દર્દીઓને કોરોનામુક્ત કરી પોતાની કાર્યદક્ષતા પુરવાર કરી છે. તો આજ મેડિકલ ટીમે કટોકટીના સમયે ત્રણ ત્રણ કોરોના પોઝીટીવ પ્રસુતાઓની યોગ્ય સમયસૂચકતા વાપરી તાત્કાલિક પ્રસુતિ કરાવી તેમના માટે સંકટમોચન પણ સાબિત થઈ છે. ગઈકાલે તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ અસ્મિતાબેન કિશનભાઈ પાઠક ઉ.વ. ૨૦ રહે, મોટા દેસર, જી. ગીર સોમનાથ નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ. જેથી તેઓને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વધુ સારવાર અર્થે દાખલ કરાયેલ. તેઓને પૂરા મહિનાનો ગર્ભ હોય, મોડી રાત્રે તેઓને પ્રસૂતિનો દુ:ખાવો થતાં સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં જ ઊભા કરવામાં આવેલ ઓપરેશન થિયેટરમાં તેઓના સિઝેરિયનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગાયનેક વિભાગના ડો.રજની પરીખના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના તબીબ ડો. નિધી ગોહિલ અને ડો.આરતી તેમજ એનેથેસિયા વિભાગના ડો.ચન્દ્રીકા અને તેમની ટીમ તેમજ ડો.પ્રતાપ દ્વારા સફળતાપૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યુ હતું અને વહેલી સવારે ૦૪:૨૮ કલાકે અસ્મિતાબહેને ૨.૭૦૦ કિ.ગ્રા. વજનના સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જેને સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને તેઓની ટીમ દ્વારા નવજાત બાળકની સંપૂર્ણ તપાસ કરી તેનું પણ કોરોનાનું સેમ્પલ લીધું હતું જેનો રિપોર્ટ નેગેટિવ આવેતા અસ્મિતાબહેન તેમજ તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી. આમ સર ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિકાસ સિંહા અને હોસ્પિટલની તમામ ટીમે કટોકટીના સમયે સમય સુચકતા વાપરી ત્રીજા કોરોના પોઝિટિવ મહિલાની સફળતાપૂર્વક સિઝેરિયન કરી પ્રસૂતિ કરવામા સફળતા મેળવી હતી.