ભાવનગરના વેળાવદર નજીક કાળીયારનું રાષ્ટ્રીય અભ્યારણ આવેલુ છે, આ વિસ્તાર પાસે આડેધડ મીઠાના અગર – પાળા ખડકી દેવાયાની અને તે મુશ્કેલીરુપ બનશે તેવી સ્થાનિકોની ફરિયાદ રહી છે. અને હાલમાં તે ફલિત થઈ રહ્યું છે. વધુમાં કાળીયાર માટે પણ મોત બેઠું થયું છે. ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાવાના લીધે કાળિયારોના જીવ સંકટમાં મૂકાયા છે. મંગળવારે પાંચ કાળિયારોના મોત થયા હતા તો ૭ કાળિયારોના રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે બુધવારે કુતરાએ ફાડી ખાતા વધુ ૩ કાળિયારોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં અંદર ૨૫૦૦થી વધુ તેમજ બહારના ભાગે ૪૦૦૦થી વધુ કાળિયારો છે. પુરના પાણી જોખમરુપ સાબિત થયા છે.
છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે, જેના લીધે કાળિયારો દોડાદોડ કરીને પોતાનો જીવ બચાવવા મથી રહ્યા છે, મંગળવારે ત્રણ કાળિયારોને કુતરાએ ફાડી ખાધા હોય અને ડૂબી જતા ૨ કાળિયારોના મૃતદેહ જોવા મળ્યા હતા. ત્યારે બુધવારે કાળાતળાવ, સવાઈનગર અને દેવાળિયામાંથી વધુ ૩ કાળિયારોને કુતરાઓએ શિકાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વેગડ નદીના પાણી આવતા સનેસ, ખેતાખાટલી સહીતમાં ગામોમાં પાણી ભરાતા કાળિયારોની મુશ્કેલી વધી હતી, જોકે હવે પાણી ઘટવામાં છે, આ સિવાય પણ દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, માઢિયામાં પાણી ભરાતા કાળિયારો માટે જોખમ વધ્યું છે, બીજી બાજુ કુતરાઓ પાછળ દોડતા હોવાથી ગભરું કાળીયાર તેનો સામનો નહીં કરી શકતા મૃત્યુ પામવાનો ભય રહે છે.