પાલીતાણાના શેત્રુંજી ડેમનું દરિયામાં વહી જતું પાણી બંને કાંઠાની કેનાલમાં છોડાયું

346

પાલીતાણાંનો શેત્રુંજી ડેમ ૨૦ ઓગષ્ટથી અપવાદને બાદ કરતાં સતત ઓવરફલો થઇ રહયો છે , શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા ત્યારે હવે ડેમનું પાણી દરિયામાં વહાવી દેવાના બદલે કેનાલમાં છોડવામાં આવ્યું હતું જેથી જળસિંચન ક્ષેત્રે કામ થઇ શકશે . શેત્રુંજી ડેમ છલકાતા લગભગ ડેમના ત્રીજા ભાગનું પાણી તો દરિયામાં વહી ગયું છે અને હજુ પણ ઓવરફલો યથાવત જ છે ત્યારે આજે ડાબા અને જમણા કાંઠાની બંને કેનાલમાં આ પાણી વાળવામાં આવ્યું હતું . જેથી કેનાલો પાણીથી ભરાયેલી રહેશે અને તેના વાટે જમીનમાં ઉતરશે . શેત્રુજીની ડાબા કાંઠાની ૯૮ કી.મી લાંબી કેનાલ અને જમણા કાંઠાની ૬૦ કી.મી લાંબી કેનાલ આવેલી છે બંને કેનાલ તળે કુલ ૧ રર ગામો સિંચાઇનો લાભ મેળવી રહયા છે . જે તમામ ગામોના તળ રિચાર્જ થશે . હાલ ચોમાસુ હોવાથી ખેતીમાં કેનાલના પાણી ઉપયોગી નથી પરંતુ જળ સિંચન માટે શ્રેષ્ઠ સાબીત થશે તેમ જાણકારોનું માનવું છે . દરિયામાં વહી જતાં પાણીને કેનાલમાં હેડાવવામાં આવે તો જળ સિંચનના સુખદ પરિણામ મળી શકે તે અંગે ભાજપના અગ્રણી કિશોર ભટે ઇરીગેશન વિભાગના કાર્યપાલક ઇજનેર ધનશ્યામભાઇ આહીરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી તો ભાજપ સંગઠનના મહામંત્રી નારણભાઇ મોરીએ પણ સક્રિય રસ લીધો હતો . ડેમ પરના ડે . ઇજનેર બાલધીયાએ જણાવ્યું કે , ડાબા કાંઠાની કેનાલ જે ભુંભલીમાં પુર્ણ થાય છે તેમાં ૭૫ કયુસેક અને મહુવાના કળસારમાં પુર્ણ થતી જમણા કાંઠાની કેનાલમાં ૧૨૫ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Previous articleગેસ સીલીન્ડરના વજનની ચકાસણી જરૂરી
Next articleમહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય અને પોષણ તાલીમ યોજાઈ