બોટાદ જિલ્લામાં હાલ વરસાદનાં કારણે ગામડાઓમાં તથા સીમ વિસ્તારમાં નદી, નાળા, તળાવ, ચેકડેમ વિગેરે પાણીનાં સ્રોત પાણીથી છલોછલ ભરાઈ ગયેલ છે કે ભયજનક સપાટીથી વહી રહેલ છે. આવા સંજોગોમાં નાના બાળકો અને યુવાનો આવા પાણીમાં ન્હાવા જતાં હોય છે અને ડૂબી જવાથી અકસ્માત મોત થવાની સંભાવના હોય છે.
આવા બનાવોમાં નાની એવી ભૂલ કે બેદરકારીના લીધે ઘણાં માતા પિતાઓને પોતાનાં આશાસ્પદ વ્હાલસોયા સંતાનો ગુમાવવાનો અસહ્ય કપરો સમય આવી પડે છે.ત્યારે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ જીલ્લાનાં તમામ પોલીસ અધિકારીઓ તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધિકારીઓ સાથે પરામર્શ તથા જરૂરી માહિતી એકઠી કરી ભૂતકાળમાં અગાઉ જ્યાં આવાં બનાવો બનેલ હોય અથવા આવા બનાવો બનવાની સંભાવના હોય એવાં સ્થળો એનો ડેટા રેકર્ડ ઉપરથી તૈયાર કરવામાં આવ્યો, સ્થાનિક પોલીસ તથા સજ્જન નાગરિકો પાસેથી માહિતી મેળવવામાં આવી અને જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં ગામડાઓ તથા નગરોનાં આવાં ભયજનક સ્થળોની વૈજ્ઞાનિક ઢબે ઓળખ કરવામાં આવી. આ તમામ વર્કઆઉટ બાદ આવાં નક્કી કરેલ સ્થળો ભયજનક છે એટલે ત્યાં ન્હાવા ન જાય એ લોકોને ખ્યાલ આવી શકે એટલે ત્યાં ખાસ બનાવેલ સાઈન બોર્ડ મૂકી લોકોનાં જીવ બચાવવાની આગવી પહેલ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનની મોબાઈલ વાન તથા બીટ ઓ.પી. ઈન્ચાર્જ ને પણ આવાં ભયજનક સ્થળોની વિઝીટ તથા પેટ્રોલીંગ માટે સુચના આપવામાં આવી છે. તમામ ગામનાં સરપંચ તથા આગેવાનોને પણ તકેદારી રાખવાં સમજ કરાવવામાં આવી છે.તમામ પરિસ્થિતિમાં બોટાદ જિલ્લા પોલીસ નાગરિકોનાં જાનમાલની સુરક્ષા માટે કટિબદ્ધ છે. પોલીસ નાગરિકોની સુરક્ષા માટે જ કામગીરી કરી રહી છે લોકોને પરેશાની વધે એવું ક્યારેય નથી ઈચ્છતી એટલે હંમેશાં પોલીસની કામગીરીમાં સહકાર આપો તથા જરૂર પડે ત્યારે નિર્ભય બની પોલીસની મદદ માંગો. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ બોટાદ જિલ્લા પોલીસ સરપંચ ઓ, આગેવાનો તથા સૌ નાગરિકોને અપીલ કરે છે કે આપનાં સંતાનોને કે ગામનાં બાળકો કે યુવાનો આવા ભયજનક સ્થળોએ ન્હાવા ન જવાં દે. તમામ યુવાનોને પણ અપીલ છે કે આવાં આવા ભયજનક સ્થળોએ ન્હાવા ન જાય અને તમારા મિત્રો જતાં હોય તો એમને જતાં અટકાવે અને સમજાવે.