ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકોમાં મેઘ તાંડવને કારણે ઠેર-ઠેર નદી, નાળા-ચેકડેમ ભરાઈ ગયા છે. તેવામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તદ્દ ઉપરાંત પાણી ભરાઈ જતા કાળીયાર અભિયારણ્યમાંથી કાળીયાર ભરાયેલા પાણીથી બચવા માટે અહી તહી ભાગ્યા, પાણીમાં તણાઈને મોત નિપજયા હતા ત્યારે વધુ ૯ કાળીયારના મૃતદેહો ઉંડવી-કરદેજની સીમમાંથી મળી આવતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ વિસ્તારમાં કાળીયારનુ અભીયારણ આવેલ છે તેથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળીયારનો વસવાટ છે. ચાલુ વર્ષે સારો વરસાદ આવતા ભાલ પંથકમાં નદીના પાણી ફરી વળ્યા હતા તેથી અભીયારણની આસપાસના ગામની સીમમાં વિસ્તારમાં વસવાટ કરતા આશરે ૯ કાળીયારના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયા હતા, જયારે કેટલાક કાળીયારને વન વિભાગે બચાવી લીધા હતાં. ગઈકાલે શનિવારે ભાવનગર તાલુકાના ઉંડવી-કરદેજ વગેરે ગામની સીમ વિસ્તારમાંથી આશરે ૯ કાળીયારના મૃતદેહ વન વિભાગને મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે. આ ગામની સીમ વિસ્તારમાં પણ કેટલીક નદીના તેમજ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેમાં ડુબી જવાથી કાળીયારના મોત નિપજયા હતા, કેટલાક કાળીયારના મૃતદેહને કુતરાઓએ ફાડી ખાધા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.
આ અંગે આજે રવિવારે ભાવનગર તાલુકાના વન વિભાગના અધિકારી વી.કે.પંડયાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ઉંડવી-કરદેજ ગામની સીમ વિસ્તારમાં વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ૯ કાળીયારના મૃતદેેહ મળ્યા હતા, જયારે ૮ કાળીયારને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. એક નિલગાયનુ પણ પાણીમાં ડુબી જવાથી મોત નિપજયુ છે. હજુ તપાસ શરૂ જ છે. આ વિસ્તારમાં પાણી હજુ ભરેલુ છે તેથી પાણી ઓસરયા બાદ વધુ કાળીયાર છે કે નહી ? તેની માહિતી મળશે.