ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ૧રથી વધુ ગામોની જમીન સંપાદન કરવા મામલે જીલ્લા વહીવટી તંત્ર તથા જીએમડીસી દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીના પ્રથમ દિને મોટી સંખ્યામાં ખેડૂતોએ અવરોધ ઉભો કરતા તંત્રએ કાયદાની રૂએ પગલા લીધેલ તથા આ બાબતે શાંતિપુર્ણ રીતે પ્રશ્નોનો ઉકેલ આવે તેવી હિમાયત તંત્રએ કરી છે.
સરકાર દ્વારા ઘોઘા તાલુકાનગર ગામોની જમીનો હસ્તગત કરવા માટે તંત્રને ૮ દિવસનો સમય ફાળવ્યો છે. શનિવાર રાતથી જ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કર્યા હતાં. તથા ૩પ૦થી વધુ પોલીસ જવાનો જેમાં એસ.પી. ડીવાયએસપીઓ, પી.આઈ., પી.એસ.આઈ. સહિતનો સમાવેશ થાય છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર કામગીરી માટે ૩ જિલ્લાના પોલીસની મદદ લીધી છે. આ ઉપરાંત હોમગાર્ડ જવાનો સાથો સાથ એસ.આર.પી. કંપનીને પણ ખડેપગે તૈનાત કરવામાં આવી છે.
સવારના સુમારે ભાવનગર જિલ્લા પોલીસ વડા પ્રવિણસિંહ માલ, ડીવાયએસપી મનિષ ઠાકર, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ સહિતનો અધિકારી ગણ તથા જીએમડીસીના અધિકારીઓ દ્વારા જમીન સંપાદન અર્થે કામગીરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરતા પ હજારથી વધુ ખેડુતો તથા મહિલાઓ બાળકો સહિતનું ટોળુ ફરજમાં રૂકાવટ કરવાની કોશિષ કરતા તંત્રએ પ્રથમ સમજાવટ તથા ચેતવણી આપી હતી. આમ છતા લોકોએ પ્રદર્શન તથા કામગીરી ખોરવી નાખવાની હિંમાયત કરતા પોલીસ તંત્રને લાઠી ચાર્જની ફરજ પડી હતી. આમ છતા ટોળા ન વિખરાતા પોલીસે ૪૦ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. જેમાં હનુભા નિરૂભા ગોહિલ (રે. બાડી), યોગેન્દ્રસિંહ સરવૈયા, જગદિશસિંહ ચંદુભા ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, કૃપાબા જયવંતસિંહ સરવૈયા તથા વૃધધા અંબાબેન કાનાભાઈ ડાભી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તદ્દઉપરાંત ભાવનગર જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ સભ્યો સહિત પ૦થી વધુ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિ વચ્ચે તંત્રએ ખેડૂતો સામે ફરિ એકવાર મંત્રણાની ઓફર મુકી હતી અને સમગ્ર મુદ્દે શાંતિપુર્વક નિવાડો આવે તેવી હિમાયત કરી હતી પરંતુ મોડી સાંજ સુધી આ મામલે કોઈ કાર્યવાહી આગળ વધી ન હતી અને ખેડુતો પોતાની વાત પર અડગ રહ્યા છે.