કોરોનાની મહામારીએ ફરી વખત માથુ ઉંચકતા ગોહિલવાડમાં આગામી તા.૩૦ નવેેમ્બરને સોમવારે યોજાનાર તુલસી વિવાહના આયોજન પણ આ વર્ષે બંધ રખાયાની જાહેરાત આયોજક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે.પરંપરા મુજબ દેવઉઠી એકાદશી સાથે આગામી તા.૨૬મીએ ભગવાન શ્યામ અને તુલસીવૃંદાના શુભ લગ્નોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે દર વર્ષે શહેરના ભરતનગર,કાળીયાબીડ,ડાયમંડ ચોક, સંસ્કાર મંડળ,પાનવાડી અને કણબીવાડ સહિતના અનેક જાહેર સ્થળોએ અને મોટા ભાગના ધર્મસ્થાનકોમાં તુલસી વિવાહ ઉજવાય છે. ડાયમંડ ચોક અને ભરતનગર સહિતના સ્થળોએ તો તુલસી વિવાહને અનુલક્ષીને સમગ્ર વિસ્તારને શણગારવામાં પણ આવે છે. આ વર્ષે આ તમામ આયોજનો મોકૂફ રખાયા છે. એકથી બે સપ્તાહ અગાઉ તુલસી વિવાહના આયોજનની નીમંત્રણ પત્રિકાઓની વહેંચણી કાર્યથી લઈને લગ્નોત્સવની તૈયારીઓ આરંભાઈ જાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી યથાવત રહેતા મોટા ભાગના સ્થળોએ તુલસીવિવાહના આયોજન આ વર્ષ પુરતા મોફૂક રખાયા છે તો કેટલાક સ્થળોએ પરંપરા જાળવવા સાદાઈથી વિવાહ યોજાશે. રિધ્ધી સિધ્ધી મંડળ કાળિયાવીડ આયોજિત તુલસી વિવાહનું આયોજન કોરોનાને કારણે આ વર્ષ પુરતુ મુલત્વી રાખવાની જાહેરાત કરાઈ છે.
૩૦મીએ દેવ દિવાળી ઉજવાશે
જેમ આસો વદ અમાસે માનવીઓ દિવાળી પર્વ ઉજવે છે જયારે દેવલોકના દેવો કાર્તિક સુદ પૂર્ણિમાએ દેવદિવાળી પર્વ મનાવે છે. દેવ દિવાળીના ઝળહળતા મંગળ પ્રકાશ પર્વે ધરતી લોક અને સ્વર્ગલોકનો ડો સંગમ સધાય છે તેવું ધર્મશાસ્ત્રોમાં વર્ણન કરાયુ છે. તેથી જ આ દિવસે અમાસની દિવાળીની જેમ જ દીવડાઓ પ્રગટાવી,આતશબાજી કરીને આ તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાય છે.