ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે, આખલાઓનું સ્થળાંતર કરાયું છતા ધણિયાત ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બેસતા વાહન ચાલકો તોબો પોકારી ગયા છે. આ રખડતા ઢોરના કારણે શહેરમાં અગાઉ કેટલાા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હજુ પણ આ નિંભર તંત્રની આંખ ઉઘડી નથી. ત્યારે આવી જ એક ઘટના શહેરના ભીડભંજન મહાદેવ મંદિરની સામે ગાય તોફાને ચડી હતી અને અનેક રાહદારીઓને ઢીંકે ચડાવ્યા હતા. જેથી લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. દરમિયાનમાં ફાયર વિભાગને જાણ કરાતા તંત્ર દોડી આવ્યું હતુ અને ગાયને દોરડાથી થાંભલા સાથે બાંધી દેવાઈ હતી, સદનસીબે કોઈને જાનહાની થઈ ન હતી, પરંતુ ભૂતકાળમાં ઢોરે લોકોને શીંગડે ભરાવતા મોતની ઘટના બનવા છતા તંત્ર સુધરતું નથી. ઢોરનો ત્રાસ દૂર કરવા મહાપાલિકા તંત્રએ પગલા ભરવા માંગણી ઉઠી રહી છે.