જય જય આદિનાથના ગગનભેદી નાદ સાથે કારતક સુદ ૧૫ થી શત્રુુંજય ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થશે. ચાલુ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે એક પણ નવ્વાણુ યાત્રાનું આયોજન નહી થાય.તીર્થનગરી પાલિતાણામાં જૈનોનું અતિ પવિત્ર શાશ્વત શત્રુંજય ગિરિરાજ આવેલ છે. ભારતભરમાંથી જૈનો એક વખત તો અવશ્ય યાત્રા કરવા પાલિતાણા આવતા હોય છે. ત્યારે ગત માર્ચ માસની ૨૨ મી તારીખથી દેશભરમાં લોકડાઉન શરૂ થતા યાત્રા બંધ થઈ ગઈ હતી.તેમજ અષાઢ સુદ ૧૪ થી ચાતુર્માસનો પ્રારંભ થતો હોય છે. જે કારતક સુદ ૧૪ પુર્ણ થાય પુન યાત્રા કારતક સુદ ૧૫ થી પ્રારંભ થાય છે. ચાલુ વર્ષે ચાતુર્માસમાં અધિક માસ હોવાથી પાંચ માસ ચાતુર્માસ ચાલ્યો અને તા.૩૦.૧૧ ના રોજ કારતક સુદ ૧૫ થી યાત્રાના પ્રારંભ સાથે નવ્વાણુ યાત્રા પણ ચાલુ થાય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીના કારણે એકપણ નવ્વાણુ યાત્રાનું આયોજન થયેલ નથી. ગત વર્ષે ૩૦ થી વધુ નવ્વાણુનું આયોજન થયેલ. તેવુ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જણાવાયુ હતુ. આ નવ્વાણુ યાત્રામાં આશરે ૧૦ હજાર કરતા વધુ ભાવિકો લાભ લેતા હોય છે. તેમજ કારતક સુદ ૧૫ ની યાત્રાનું અનેરુ મહત્વ રહેલુ છે.
આ જ દિવસે દ્રાવિડ અને વારિખીલ્લજી ૧૦ કરોડ મુનિઓ સાથે શેત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. તેથી તેનું અનેરુ મહત્વ છે. તેમજ આદિશ્વરદાદા શત્રુંજય ગિરિરાજ ઉપર નવ્વાણુ વાર પધાર્યા હતા તેથી નવ્વાણુ યાત્રાનું પણ અનેરુ મહત્વ છે. તદઉપરાંત જૈન સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસ પુર્ણ થતા ઠાણા ઓઠાણ એટલે કે, એક સ્થાનેથી બીજા સ્થાને વિહાર કરશે. ચાર માસથી એક જ સ્થળે રહેેલ સાધુ, સાધ્વીજી ભગવંતો અન્ય સ્થળે વિહાર શરૂ કરશે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લઈને મોટા ભાગના સાધુ, સાધ્વીજી ભગવંતો એકાદ બે માસ જે તે શહેરમાં જ સ્થિરતા કરશે તેવુ જાણવા મળેલ છે. આમ, કારતક સુદ ૧૫ નું મહત્વ હોવાથી આ દિવસે આઠથી દશ હજાર ભાવિકો એકત્ર થતા હોય છે તેવી સ્થિતિને લઈને બે હજાર યાત્રાળુઓ થાય તેવી ધારણા છે. તેમજ જય તળેટી તેમજ શત્રુંજય ગિરિરાજ ઉપર મુળનાયક આદિશ્વરદાદાની પુજા બંધ હોય તેને લઈને ભાવીકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ભાતાઘર પર બંધ રહેશે.તેમજ દરેક શ્રાવક શ્રાવિકા યાત્રાળુઓને ફકત રૂા ૧માં જમાડતી ગિરિવિહાર ભોજનશાળા બંધ છે.જે હજુ કયારે શરૂ થશે તે અનિશ્ચિત છે ત્યારે યાત્રાળુઓનો પ્રવાહ કેટલો આવે છે તે આવનાર દિવસો જ કહેશે.