સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુ જામતા ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડ તેમજ મુખ્ય અને પેટા શાકમાર્કેટમાં જમરૂખ અને શિંગોડાની ધૂમ આવક થઈ રહી છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે આ વર્ષે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભે લીલા શાકભાજીના ભાવ સડસડાટ રીતે આકાશમાં આંબતા શાકના વિકલ્પમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ જમરૂખના શાક બનાવી રોડવી રહી છે. આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુમાં લીલા શાકભાજીની સાથોસાથ સુકા મેવા જેવુ વિશિષ્ઠ મહત્વ ધરાવતા સ્વાસ્થ્યવર્ધક શિંગોડાના ભાવમાં ગત વર્ષની તુલનામાં એવરેજ ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવા છતા પણ આજની તારીખે શહેર અને જીલ્લામાં પ્રતિદિન અંદાજે ૧૫૦૦ કિલોથી વધુ શિંગોડા આસાનીથી વેચાઈ જાય છે. સ્ત્રી અને પુરૂષના જાતીય રોગોના નિવારણ માટે અત્યંત ગુણકારી ગણાતા શિંગોડાનું મધ્યપ્રદેશના જબલપુર સહિત આસપાસના જિલ્લામાં આવેલા તળાવોમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.ત્યાંથી અમદાવાદ,રાજકોટ કે બરોડા થઈ ટ્રેન કે ટ્રક મારફત ભાવનગર શહેરમાં પ્રતિદિન અંદાજે ૧૫૦૦ થી વધુ કિલો શિંગોડાનો જંગી જથ્થો લાવવામાં આવે છે. જે જથ્થાબંધ ભાવે ખરીદી વેપારીઓ તેમના ગંગાજળીયા તળાવ અને માળીનો ટેકરો સહિતના સ્થળોએ આવેલા ગોડાઉનમાં ઠાલવી આ કાચા શિંગોડાને મોટા પીપડામાં નાખી જરૂરી મીઠુ અને હિરાકસી નાખીને નીયત સમય સુધી ગરમ કરાય છે. બાદ તેમાંથી ૨૦ કિલો શિંગોડા બાફવામાં આવતા અંદાજે ચારેક કિલોની ઘટ આવે છે તેમ સ્થાનિક વેપારીએ જણાવી વધુમાં કહ્યુ હતુ કે, વર્ષમાં ફકત ઓકટોબર,નવેમ્બર અને ડિસેમ્બર દરમીયાન જ શિંગોડા ઉપલબ્ધ થાય છે.શહેર અને જિલ્લામાં હાલ શિંગોડાના ત્રણથી ચાર જથ્થાબંધ વેપારીઓ છે. ગત વર્ષોમાં જબલપુરમાં શિંગોડા રૂા ૩૦ આસપાસના કિલોના ભાવે વેચાતા હતા. જયારે આ વર્ષે એકબાજુ કાળઝાળ મોંઘવારી અને બીજી બાજુ કોરોનાની મહામારીના કારણે શ્રમિકોની અછત વગેરે કારણસર શિંગોડા અંદાજે ૫૦ આસપાસના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સ્થાનિક શાકમાર્કેટ સહિતના સ્થળોએ શિંગોડા વેચાઈ રહ્યા છે. અને હજુ આગામી દિવસોમાં તેની આવક વધતા ભાવ નીચા આવશે તેવી ધારણા છે.
જયારે સિહોર તાલુકાના ઘાંઘળી, વરતેજ, કરદેજ, તળાજાના નેશિયા, બોરલા, દકાના સહિતના ગામોમાંથી મીઠામધ જમરૂખ ઢગલા મોઢે આવી રહ્યા છે.
આ ઉપરાંત બોટાદ અને પાલિતાણાના વેપારીઓ પણ દલાલ મારફત જમરૂખ બજારમાં લાવી રહ્યા છે. જમરૂખ અને શિંગોડાના હોલસેલ અને રીટેઈલ ભાવ તેની નીત્ય આવક પર નિર્ભર રહે છે. જેમાં જમરૂખના હોલસેલના ભાવ રૂા ૩૦ થી ૪૦ માં હરરાજીમાં જઈ રહ્યા છે. જે છુટકમાં અંદાજે રૂા ૫૦ આસપાસના ભાવે કવોલીટી મુજબ વેચાઈ રહ્યા છે.