સરકારે ફિ નિયમનનાં કાયદા હેઠળ નક્કી કરેલી ફિ સામે શાળાઓએ કાયદાકીય લડત આપતા ફિ નિયમનનો સરકારનો કાયદો ધોવાઇ ગયો છે. ફી રેગ્યુલેશ કમિટી ફરીથી બનાવીને ફરીથી દરખાસ્તો મંગાવવામાં આવી છે અને નવો કાયદો જાહેર ન થાય ત્યાં સુધી પ્રોવિઝનલ ફિ લઇ શકે તેવી મૌખીક જાહેરાત કરી છે. પરંતુ પ્રોવિઝનલ ફિ એટલે કેટલી ફી ? આ મુદ્દે ફોડ ન પાડતા શાળાઓ તથા વાલીઓ સામ સામે આવી ગયા છે.
શાળાઓ પુરી ફિ ભરવા દબાણ કરી રહ્યા છે. જયારે વાલીઓ ફિ નિયમન હેઠળ નક્કી થયેલી ફી જ ચુકવવા માંગે છે. ત્યારે કલોલ તાલુકાની બે શાળાઓમાં ફિનાં મુદ્દે વાલીઓએ હંગામો મચાવ્યો હતો.
કલોલનાં પંચવટી વિસ્તારની એશીયા સ્કુલમાં સ્કુલ સંચાલકો દ્વારા સ્કુલ દ્વારા નક્કી થયેલી ફી ભરવા જણાવી દીધુ છે અને જે વાલી ફી નહી ભરે તેના બાળકનું એલ.સી આપવામાં નહી આવે તેવી ધમકી આપવામાં આવી છે. તે જ રીતે છત્રાલ પાસે આવેલી એચ.બી.કાપડીયા સ્કુલમાં પણ સ્કુલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવાયુ છે કે સરકારની નહી પણ સ્કુલ દ્વારા નકકી કરાયેલ ફી જ ભરવી પડશે તેવી જણાવીને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યુ છે. જેને લઇને વાલીઓમાં શાળા સંચાલકો સામે ભારે રોષ ભભુકી રહ્યો છે.
ફિના મુદ્દે શાળા સંચાલકો તથા વાલીઓ વચ્ચે મામલો બોલાચાલી સુધી પહોચી ગયો હતો. સંચાલકોએ વાલીઓને જણાવી દીધુ હતુ કે સ્કુલમાંથી એલસી જોઇતી હોય તો ફી ભરવીજ પડશે!!
એશીયા સ્કુલનાં પ્રિન્સીપાલનો સંપર્ક કરતા તેમણે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને તમારે વાત કરવી હોય તો ટ્રસ્ટી જોડે કરો તેમ કહેતા ફી ભરવાના મુદ્દે સંચાલકો અને વાલીઓ વચ્ચે ભારે તકરાર થઇ ગઇ હતી. અંતે વાલીઓ દ્વારા આ સમગ્ર મામલો જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લઇ જવાની તૈયારી કરાઈ છે.