ભાવનગર શહેરમાં લાંબા સમયથી રખડતાં ંઢોરનો ત્રાસ છે આ અંગે લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં તેનો કોઇ ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી. શહેરમાં રખડતાં ઢોરના કારણે અનેક લોકોને અડફેટે લેવાના બનાવો બની રહ્યા છે તેના કારણે એકાદ બે કિસ્સાઓ રખડતાં ઢોરે અડફેટે લેતાં ઇજા થયા હોવાના બની રહ્યા છે જેમાં કેટલાકને સામાન્ય તો કેટલાકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવા સુધીના બનાવો બની રહ્યા છે. અગાઉ રાજકિય આગેવાન તેમજ પત્રકાર સહિત અનેક લોકોનાં રખડતાં ઢોરે અડફેટે લેતા મોત થયા હોવાના બનાવો બન્યા છે. છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા મેળવી છે.
ભાવનગર એટલે રખડતા ઢોરનું ગામ તરીકે પણ ઓળખાય છે. અને એક પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં દસ- વીસ જેટલા ઢોર જોવા ન મળતાં હોય. શહેરની મુખ્ય બજાર હોય કે ખાંચા ગલ્લી હોય માણસો હોય કે ન હોય રખડતાં ઢોર જરૂર જોવા મળે છે અને ખોરાકની શોધમાં ક્યારેક તોફાને પણ ચડે છે. અને તેના કારણે અનેક લોકો તેની અડફેટે આવી જાય છે. હજુ બે દિવસ પહેલાં જ શહેરનાં ભીડ ભંજન મહાદેવ નજીક એક ગાય તોફાને ચડી હતી અને અનેક લોકોને અડફેટે ચડાવ્યા હતા જેની તંત્રને જાણ કરાતા રેસ્ક્યુ ટીમે ગાયને બાંધી દિધી હતી પરંતુ ઠંડીના કારણે બીજા દિવસે સવારે મૃત્યુ પામી હતી. આજે સવારે પણ ભીડ ભંજનથી ખડપીઠ સુધીના રસ્તાઓ પર એક ગાય તોફાને ચડી હતી અને રસ્તા પર નિકળતા લોકો અને વાહન ચાલકોને અડફેટે લેતા ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગાયને પકડી બાંધી દેવામાં આવી હતી. એકલ દોકલ બનાવો માં ઢોરને પકડી બાંધી દેવાથી કાયમી ઉકેલ શક્ય નથી. પરંતુ રસ્તા પર રખડતાં ઢોરને ડબ્બે પુરવામાં આવે તો જ ઢોરનો ત્રાસ ઓછો થાય તેવું લોકો ઇસ્છી રહ્યા છે. તંત્ર દ્વારા રખડતાં ઢોરને કારણે વધુ કોઇનો જીવ ગુમાવવો પડે તે પહેલા યોગ્ય કરવા માંગ ઉઠવા પામી છે.