ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના દ્વારા ગુરૂવારે સાંજે ૪ કલાકે તરસમીયા ગામના વેરા પ્રશ્ને માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો તેમજ ખેડુત વિરોધી જે બીલ પસાર કરવામાં આવ્યું છે તેની હોળી કરી વિરોધ વ્યકત કર્યો હતો. જેમાં તરસમીયાના ગ્રામજનો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો હાજરી આપી હતી.
ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં તરસમીયા ગામ ભળ્યું અને વેરો પણ પૂરેપૂરો લેવાનું શરૂ કર્યું પરંતુ આજ સુધી રહીશોને પાયાની સુવિધા પણ મળી નથી. છેલ્લા ૧૨ દિવસથી આખા તરસમીયા ગામને પીવાનું પાણી મળ્યું નથી જેથી લોકોની હાલત કફોડી થઈ ગઈ છે જેના વિરોધમાં સાંજે ૪ કલાકે તરસમીયા ગામમાં માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તરસમીયા ગામમાં માત્ર પાણીનો જ પ્રશ્ન છે એવું નથી પરંતુ અનેક સ્થળો પર ગંદકીનું સામ્રાજ્ય પણ છે અને આ ગંદકીના સામ્રાજ્યથી મોટા રોગચાળાની પણ ભીતી સેવાઈ રહી છે.
ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં ખેડુત વિરોધી જે બીલ પસાર કરવામાં આવ્યુ છે તેની હોળી કરવામાં આવી હતી. સંસદમાં બહુમતિના જોરે ખેડુત વિરોધી કાળા કાયદા પસાર કરવામાં આવ્યા છે જેની સામે દેશના ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ પણ હવે મેદાનમાં આવી છે. જેના ભાગરૂપે જે બીલ પાસ કરવામાં આવ્યું છે. તેની હોળી કરી વિરોધ વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ આગેવાનો, પૂર્વ કોર્પોરેટરો, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ, વિવિધ સેલના આગેવાનો અને કાર્યકરોને હાજર રહ્યા હતા.