ભાવનગરના નગરજનોને ડોગબાઈટથી બચાવવા માટે ખસીકરણ અભિયાન હાથ ધરાયું છે પરંતુ ખસીકરણ પ્રોજેક્ટ નોટો છાપવા માટે જ હોય તેમ ગાઇડ લાઇનને નેવે મૂકી કામગીરી થઈ રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સુભાષનગરમાં એક માદા શ્વાનએ હજુ બચ્ચાને જન્મ આપ્યો જ છે ત્યાં તેને ખસીકરણ માટે ઉઠાવી જતા સ્થાનિક રહીશોએ વિરોધ કરી બચ્ચા સાથે હોસ્પિટલ પર પહોંચી કૂતરીને છોડાવી હતી. આ બનાવે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પાડી હતી!પાલતુ, બીમાર, ઘરડા તેમજ બચ્ચા હોય તેવાં શ્વાનને નિયમ મુજબ ખસીકરણ થઈ શકતું નથી તેમ છતાં સંખ્યા દેખાડવા કોઈપણ કુતરાને પકડીને ઉઠાવી જવાય છે આ સામે જીવદયા પ્રેમીઓએ જંગ આદર્યો છે અને આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયા કરવાના મૂડમાં પણ જણાય છે.શહેરમાં ખસીકરણ પ્રોજેક્ટ પ્રારંભથી જ વિવાદમાં છે ખાસ કરીને ગાઈડ લાઈન મુજબ કામગીરી નહીં થતી હોવાની રાવ વારંવાર ઉઠી છે હાલમાં શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં ખસીકરણ માટે લઈ જવાતા શ્વાનોને ખુલ્લી જગ્યામાં પાણીના ફુવારાથી નવરાવી ત્રાસ આપવામાં આવી રહ્યો છે આ ઉપરાંત ઓપરેશન બાદ જમવામાં માત્ર હળદર વાળા ભાત જ આપવામાં આવે છે જેથી શ્વાનો તેને મોં પણ લગાવતા નથી વિગેરે ફરિયાદો ઉઠી છે.ઉલ્લેખનીય છે કે, ખસીકરણ દીઠ કોન્ટ્રાક્ટરને રૂપિયા ૯૮૦ ચૂકવવાનો કરાર થયો છે ત્યારે નોટો છાપવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગાઇડ લાઇનને નેવે મૂકીને ખસીકરણની કામગીરી કરાતી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જો આ મામલે ઊંડી તપાસ થાય તો કૌભાંડ બહાર આવી શકે તેમ છે! વધુમાં ભાવનગરમાં ખસીકરણનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સી સામે અમદાવાદમાં પણ અને ફરિયાદો થઈ હોવાનું ચર્ચામાં છે. આથી ભાવનગરમાં પણ ગેરરીતિની આશંકા ઉભી થઈ છે તે સ્વાભાવિક જ છે.