સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ડેલીગેશને તા.૨૯નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા – સરની પ્રત્યક્ષ મુલાકાત લઇ થયેલ અને થનાર પ્રગતિની ઝાંખી કરી સંતોષની લાગણી વ્યક્ત કરેલ. દોઢ વર્ષ અગાઉ ચેમ્બરના ડેલીગેશને ધોલેરા – સરની મુલાકાત લીધેલ. દોઢ વર્ષના આ સમયગાળા દરમિયાન ધોલેરા સર ખાતે કામગીરીમાં ઘણી પ્રગતી થઇ હોવાનું જણાયેલ છે. વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ધોલેરા ખાતે પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપવાની કામગીરી થઇ રહેલ છે તે પૈકી ટાટા કેમિકલ્સ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે અને આગામી સમયમાં લીથીયમ બેટરીનું પ્રોડક્શન શરૂ થઇ જશે. ચેમ્બરની આ ધોલેરા – સરની મુલાકાતમાં ધોલેરા – સરના કોર્પોરેટ અફેર્સ અને એચઆર હેડ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ અને મેનેજર બ્રાન્ડીંગ અને માર્કેટિંગ કેતનભાઈ વૈદ્ય સાથે રહી ખુબ જ સારી જાણકારી આપેલ. ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે ધોલેરાથી સૌથી નજીકમાં ભાવનગર જીલ્લો આવે છે તેથી ધોલેરા અને ભાવનગર વચ્ચેની કનેક્ટીવીટી વધે તો ધોલેરા – સરના વિકાસને વધારે ગતિ મળે. આ માટે ધોલેરા – સર દ્વારા આ કનેક્ટીવીટી વધારે સારી થાય તે માટે પ્રયત્નો થવા જોઈએ તેવી રજૂઆત કરેલ.
ભાવનગરનાં અનેક ઉદ્યોગકારો ને વેપારીઓ ધંધાકીય હેતુ માટે નિયમિત રીતે અલંગની મુલાકાત લે છે. ભાવનગરથી અલંગનું અંતર ૫૫ કિલોમીટરનું છે. આમ છતાં તેઓ નિયમિતરીતે અલંગ ધંધાકીય હેતુ માટે આવન – જાવન કરે છે, જ્યારે ભાવનગર થી ધોલેરાનું અંતર ૬૫ કીલોમીટરનું છે તેથી ભાવનગરના વેપારીઓ અને ઉદ્યોગકારો ધોલેરા ખાતે પણ પોતાની ધંધાકીય પ્રવૃત્તિતી શરૂ કરી તેમાં સહભાગી થઇ શકે છે. ચેમ્બરનાં આ ડેલીગેશનમાં પાંત્રીસ જેટલા વેપારી ઉદ્યોગકારો અને પ્રિન્ટ મીડીયાના પ્રતિનિધિઓ સામેલ થયેલ. ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ ચેમ્બરનાં ડેલિગેશનની આ મુલાકાતમાં સહયોગ આપનાર ધોલેરા – સરના તમામ અધિકારીઓ પ્રત્યે ચેમ્બર વતી આભારની લાગણી વ્યક્ત કરેલ.