ગાંધીનગરમાં સવારથી જ ભારત બંધને લઈને દલિતો રોડ પર ઉતરી આવ્યા હતા. પથિકાશ્રમ સર્કલે દેખાવો કરી, સુત્રોચ્ચારો દ્વારા ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો અને રસ્તા ઉપર સુઈ જઈને ટ્રાફિક જામ કર્યો હતો. સવારે ૯.૦૦ થી લઈને બપોરે મોડે સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો. પોલીસ મોટી સંખ્યામાં હાજર હોવા છતાં ચકકાજામ અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
દલિત અને આદિવાસી પર અત્યાચારો રોકવા અને તેમની રક્ષા માટે ભારતીય સંસદે ૧૯૮૯માં એટ્રોસીટી એક્ટ બનાવીને આવો અત્યાચાર અટકાવવા માટે પ્રયાસો કરાયા છે. ત્યારે તારીખ ૨૦મી માર્ચના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા આ કાયદાને લુલો બનાવતો ચુકાદો અપાયાના આક્ષેપ સાથે તેના વિરોધમાં કેન્દ્ર સરકારે રી પિટીસન દાખલ કરવા તથા એટ્રોસીટી એક્ટને મજબુત બનાવવાની માગણી સાથે તારીખ ૨જી એપ્રિલના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ.
ભારત સરકાર દ્વારા અનુસુચિત જાતિ અને જનજાતિ ઉપર થતાં અત્યાચાર નિવારણ હેતુ એટ્રોસીટી એક્ટ ૧૯૮૯ અમલમાં મુકાયો છે. આમ છતાં છેલ્લા કેટલાક વર્ષનો ક્રાઇમ રેકોર્ડ જોવામાં આવે તો કાયદાથી રક્ષિત કરવામાં આવેલા આ સમાજના લોકો ઉપર અત્યાચારનું પ્રમાણ વધ્યુ છે, ત્યારે આ કાયદાનો સંપૂર્ણ અને કડક અમલ થવો જરૂરી છે, તેમ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ ડી જી અરસોડાએ જણાવ્યુ છે. એલ. એન. પરમાર, અન્ય દલીત આગેવાનોએ તેમજ સમિતિ દ્વારા તારીખ ૨જી એપ્રિલના રોજ ચુકાદાના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બંધારણના દર્શાવેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવના સંકુચીત બનતી જાય છે જે દેશની અખંડીતતા માટે જોખમરૂપ હોવાનું નકારી શકાય તેમ નથી. ભેદભાવ ભરી માનસિકતા ધરાવતા લોકો દ્વારા સદીઓથી ગરીબ, પછાત લોકો ઉપર વિવિધ પ્રકારે અત્યાચાર આચરે છે. આ પ્રકારના ગુનામાં થતો વધારો દેશ માટે ભયજનક સ્થિતિ પેદા કરે તેમ છે.