આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે રાજ્યભરમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ ચુંટણીની પૂર્વ તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત્તિના પ્રમુખ અમિત ચાવડાની સુચનાથી રાજ્યભરની તમામ મહાનગર પાલિકાના વિસ્તારોમાં હેલ્લો કેમ્પેઇનનો આરંભ કરાયો છે. શહેરી વિસ્તારની સમસ્યાઓ લોકો રજુ કરી શકે અને આવનારા પરિવર્તનમાં ભાગીદારન બની શકે તે માટે પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે તમારી સમસ્યાઓ, પ્રશ્નો બાબતો કોલ કરો અથવા વોટ્સએપ કરો જેમાં ખાસ કરીને હેલ્લો ગુજરાત મો.નં. ૯૦૯૯૯૦૨૨૫૫ ઉપર કોઇપણ લોકો કોલ કરશે તે પ્રદેશ સમિતિ તેમજ સ્થાનિક કોંગ્રેસ સમિતિને લોક પ્રશ્નો જાણવા મળશે અને પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાશે અને પ્રશ્નોનું નિકાલ કરાશે.આજે આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય સાગર કોમ્પલેક્ષ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં હેલ્લો કેમ્પેઇન અને હેલ્લો ગુજરાત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ સમિત્તિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ. મ્યુની. વિરોધ પક્ષના પુર્વ નેતા જયદિપસિંહ ગોહિલ, રહિમભાઇ કુરેશી, ભરતભાઇ બુધેલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી આપી હતી. લોક પ્રશ્નોમાં ખાસ કરીને કોરોના કાળ દરમિયાન સરકારની નિષ્ફળતાઓ, શિક્ષણના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી, તેમજ સ્થાનિક પ્રાથમિક સુવિધા અંગેના પ્રશ્નો લોકો પાસેથી મેળવી ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાશે અને નિવાડો લાવવા પ્રયાસો કરાશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.