મોરારીબાપુની નિશ્રામાં શિશુવિહાર દ્વારા નાગરિક સન્માન કાર્યક્રમ સંપન્ન

287

ભાવનગરના જ નહીં પરંતુ ગુજરાતનાં ગૌરવ સમી, સુપ્રસિદ્ધ સેવા- સંસ્થા શિશુવિહાર દ્વારા શિક્ષણ, સ્વાસ્થ્ય, સાહિત્ય, સંસ્કાર અને સમાજ સેવાનાં સંવર્ધનને લગતા અનેકવિધ ઉપક્રમ યોજાતા રહે છે. એ શૃંખલામાં ૧૭ જાન્યુઆરી રવિવારે સાંયકાલે વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં સંસ્થા દ્વારા પ્રતિવર્ષ યોજાતો નાગરિક સન્માન અને સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ સંપન્ન થયો. સંસ્થાના આદ્યસ્થાપક અને સેવાના ભેખધારી આજીવન શિક્ષક શ્રી માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ત્રીસ વરસથી નાગરિક સન્માન સમારંભ યોજાય છે. માનભાઇ ભટ્ટનાં અવિરત સેવાના જીવનમંત્ર દ્વારા પોતાનાં જ્ઞાન, સેવા અને સંસ્કારથી સમાજના પથપ્રદર્શક બની રહેનારા આદરણીય વડિલો અને યુવા ચેતનાઓની વંદના કરવાની પરંપરામાં ૨૦૨૦ના શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માનથી વિકાસબહેન દેસાઈ, ડૉ.જયેશભાઇ બાવીસી, ડૉ. અમીબહેન ઉપાધ્યાય અને શ્રી દીપકભાઈ તેરૈયાને પુરસ્કૃત કરવામાં આવ્યા. ઉંમરના ૭૫ વર્ષના પડાવને સ્વાસ્થ્ય અને સ્ફૂર્તિ પૂર્ણ રીતે વટાવી, સમાજ માટે માઇલસ્ટોન બનનારા વંદનીય વડિલોનું સન્માન શ્રી ન્યાલચંદભાઈ વકિલ સ્મારક દ્વારા થાય છે. એ પરંપરાના ૨૯માં પુષ્પ સ્વરૂપે શ્રી પુષ્પાબેન ભટ્ટ અને શ્રી પારૂલબેન દાંડીકરની વંદના કરવામાં આવી. શ્રી ભાગીરથીબહેન મહેતા-જાહ્નવી સ્મૃતિ વંદનાનો આ વર્ષે છવ્વીસમો મણકો છે. આ સન્માન માટે શ્રી પારૂલબેન ખખ્ખરને પુરસ્કૃત કરવામાં આવ્યાં. આ એવૉર્ડ શિશુવિહારમાં દર બુધવારે યોજાતી બુધસભાનાં માધ્યમથી પ્રસિદ્ધિ પામેલાં કવયિત્રી કે કવિશ્રીને સન્માનિત કરવામાં આવે છે.ત્યારબાદ શ્રી રીટાબહેન ભટ્ટ સ્મૃતિ સન્માનનાં પાંચમાં સોપાનમાં પ્રસિદ્ધ કવિ શ્રી રાજેશભાઈ પંડયા વિભૂષિત થયા. છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી ભાષાનાં સંવર્ધન માટે યોગદાન આપનાર મહાનુભાવને અપાતાં શ્રી પ્રતાપભાઈ પંડ્યા પારિતોષિકથી ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરની વંદના કરવામાં આવી. પુરસ્કૃત થનાર પ્રત્યેક વિભૂતિને સૂત્ર- માલા, સ્મૃતિચિન્હ અને પચ્ચીસ હજાર રૂપિયાની ધન-રાશિથી સન્માનવામાં આવે છે.

Previous articleહડદડ કોટન સબ યાર્ડ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થીઓને બેંક લોન મંજુરીપત્ર વિતરણ કાર્યક્ર્‌મ
Next articleટૂંકા ગાળામાં હજીરાથી ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની સફળતાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા