ટૂંકા ગાળામાં હજીરાથી ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની સફળતાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા

259

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન પ્રસંગે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને જોડતી રો-રો અને રો -પેક્સ ફેરી સર્વિસની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સેવાની સફળતાથી પ્રભાવિત થઈ ગર્વ સાથે જણાવ્યું કે, સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડતી હતી. જે આ રો-પેક્સ સેવા શરૂ થવાથી માત્ર ૪ કલાકની થઇ ગઈ છે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે, જે ઘટીને સમુદ્ર માર્ગે માત્ર ૯૦ કિમી જેટલું થઈ ગયું છે. જેનો સીધો લાભ થતાં ઇંધણ, કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન, મુસાફરીનો સમય, સડક પરના ટ્રાફિક અને પ્રદૂષણની માત્રામાં મોટો ઘટાડો નોંધાયો છે. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતુ કે, છેલ્લાં બે મહિનામાં જ રો-પેક્સ ફેરી સેવાનો ૫૦ હજાર મુસાફરોએ લાભ લીધો છે, તેમજ ૧૪ હજાર વાહનોની હેરફેર થઈ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો, પશુપાલકો તેમના તાજા ફળો, શાકભાજીને સુરત અને દક્ષિણ ગુજરાતના બજારોમાં સમયસર વેચીને સારો બજારભાવ મેળવી રહ્યાં છે. સુરતના હીરા, કાપડ જેવા વિવિધ ઉદ્યોગો અને સૌરાષ્ટ્રના ખેતી, પશુપાલન જેવા વ્યવસાયો વચ્ચે વ્યવસાયિક આદાનપ્રદાન વધતાં રોજગારીની નવી તકોનું સર્જન થયું છે, તેમજ પ્રવાસન અને આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Previous articleમોરારીબાપુની નિશ્રામાં શિશુવિહાર દ્વારા નાગરિક સન્માન કાર્યક્રમ સંપન્ન
Next articleભાવનગર વટામણ-તારાપુર હાઇવે પાસે વહેલી સવારે ધુમમ્સી વાતાવરણ