કિસાન સર્વોદય યોજના અંતર્ગત શિહોર તાલુકામાં પીજીવીસીએલ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સુત્રોચ્ચાર, પોસ્ટરો તથા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે શિહોર પીજીવીસીએલ દ્વારા ખેડુતોની આંખમાં ધૂળ નાખવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ યોજનામાં જીઆઇડીસી વિસ્તારના ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ ગામડાઓમાં તો છેલ્લા સાત વર્ષથી દિવસે જ વીજળી મળતી હતી, તો જે ગામડાઓમાં ખરેખર દિવસે વીજળીની જરૂરિયાત છે, જે અંતરિયાળ તેમજ ડુંગરાળ વિસ્તારમાં કે જ્યાં જંગલી હિંચક જાનવરોનો ભય છે, તે ગામડાઓમાં વીજળી આપવામાં આવે એવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતની માંગણી હતી, પરંતુ માંગ ના સ્વીકારવાથી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની હાજરીમાં જ વિરોધ થતાં અફડા તફડી મચી ગઇ હતી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ઉગ્ર વિરોધ થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શિહોર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ગોહિલ તથા અન્ય સ્ટાફ દ્વારા ઘનશ્યામભાઈ મોરી, રમણીક જાની, અણહિલભાઈ ઉલવા, બુધાભાઈ બારૈયા, કરણસિંહ મોરી, લક્ષ્મણ ભાઈ રબારી, હિતેશ બારૈયા સહિત પંદર ખેડુતોની અટકાયત કરી લેવામાં આવી હતી તેવું સુખદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું હતું