ભાવનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓમાંથી સરકારશ્રીને પ્રાપ્ત થતી રોયલ્ટીની અમુક રકમ પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવે છે. જે જોગવાઈ અન્વયે ભાવનગર જિલ્લામાં ખાણકામના અસરગ્રસ્ત ગામોમાં ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રૂપિયા રૂ.૧૩.૧૩ કરોડના ખર્ચે ૧૦૩ વિકાસના કામો હાથ ધરાશે.જે અંગેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રજૂ થયેલી દરખાસ્તને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમા ખાસ કરીને ગામોમાં પીવાના પાણીની સુવિધા, નવીન કલાસ રૂમ, નવી આંગણવાડીઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ ઉભી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં લીગ્નાઈટ, બ્લેકટ્રેપ, સાદી રેતી તથા બેન્ટોનાઈટ જેવા ખનિજોની ખાણો આવેલી છે. જેના કારણે સરકારની તિજોરીમાં માતબર રક્મની રોયલ્ટી જમા થતી જોવા મળે છે.
જેમાંથી અમુક રકમ ખાણથી અસરગ્રસ્ત ગામના વિકાસના કામોમાં વાપરવામાં આવે છે. જે અંતર્ગત ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા પીવાના પાણીના કુલ ૫૪ કામો, ૨૧ પ્રાથમિક શાળાઓમાં ૬૬ નવા ઓરડાઓ, તળાજા તાલુકાના વેળાવદર તથા પાલીતાણા તાલુકાના ભુતિયા ગામે પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ, ૨૫ નવીન આંગણવાડીઓ તથા પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવુ બિલ્ડિગની સુવિધાઓ ઉભી કરવા માટે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી દ્વારા વિકાસના કામો માટે મંજુરી અપાયેલ છે. આ માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી, વરુણકુમાર બરનવાલ, જિલ્લા આયોજન અધિકારી કે. વી. પટેલ તથા ભુસ્તરશાસ્ત્રી જે. એચ. વાયડાના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાંટમાંથી રૂ.૧૩.૧૩ કરોડનુ અનુદાન ફાળવવામાં આવ્યુ હતું.