ભાવનગર શહેરમાં બે અલગ અલગ સ્થળોએ મોડી રાત્રીનાં સમયે આગ ભભૂકી ઉઠતાં બન્ને ઘટનાઓમાં લાખો રૂપિયાનો માલ સામાન ખાક થઇ જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમા લિધી હતી.
આ સમગ્ર બનાવની જાણવા મળતી પ્રથમ બનાવની વિગત મુજબ ભાવનગર શહેરમાં આવેલા જુના પાવર હાઉસની સામેના ભાગે આવેલ ઠક્કર, ટેક્સટાઇલ પ્રા.લી.માં મોડી રાત્રીનાં સમયે આગ ભભૂકી ઉઠી હતી, આગ જોત જોતામાં વિકરાળ બની હતી.આજુબાજુમાં આવેલી ઇન્ટરનલ ઓટોમોબાઇલ તેમજ લક્ષ્મીનારાયણ ટેલીકોમ એન્ડ કોસ્મેટીકને આગની લપેટમાં લઇ લિધું હતું. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા. આગને બુજાવવા માટે પાંચ હેવી બાઉઝર, ફાયર ફાઇટર અને ફાયર ટેન્કરનાં પાણીનો છંટકાવ કર્યા બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં લાખો રૂપિયાની માલમત્તા ખાક થઇ જવા પામી હતી. આગનું કારણ અને નુકશાની જાણવા મળેલ નથી.
જ્યારે અન્ય એક બનાવમાં ભાવનગર શહેરનાં નારેશ્વર મંદિરના પાછળનાં ભાગે આવેલા એક સાથે ત્રણ માળનાં મકાનમાં મોડી રાત્રીનાં આગ ભભુકી ઉઠી હતી આગ લાગ્યાની જાણ થતાંની સાથે ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી જઇ બે હેવી બાઉઝર પાણી છાંટી આગને બુઝાવી દિધી હતી. આગમાં મીણ બતીનો જથ્થો ખાક થઇ જવા પામ્યો હતો.