મહુવામાં ૧૧ જેટલા મોબાઈલ વેપારીઓને ૨૬ લાખથી વધુનો ચૂનો ચોપડ્યો, ૬ મહિનાથી ફરાર આરોપી સુરતથી પકડાયો

421

ભાવનગર જિલ્લાના મહુવામાં ૧૧ જેટલા મોબાઈલ વેપારીઓ પાસેથી જથ્થાબંધ મોબાઈલની ખરીદી કરી ૨૬ લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો આરોપી તાહેરઅલી અકબરઅલી માસારોડવાલા છેલ્લા ૬ મહિનાથી નાસતો ફરતો હતો. જે હાલ સુરતમાં હોવાની જાણ થતાં ભાવનગર એલસીબીની ટીમ સુરત પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ગુનાની કુબલાત કરતા આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસને સોંપવામાં આવ્યો છે.
ભાવનગર એલસીબીને બાતમી મળી હતી કે મહુવામાં મોબાઈલ વેપારીઓ સાથે ૨૬ લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી તાહેરઅલી અકબરઅલી માસારોડવાલા હાલ સુરતના સંગ્રામપુરામાં નેશનલ પ્લાઝામાં રહે છે. બાતમીના આધારે એલસીબીની ટીમ સુરત પહોંચી હતી અને ફ્લેટમાં તપાસ કરતા આરોપી તાહેર ત્યાંથી મળી આવ્યો હતો. પૂછપરછ કરવામાં આવતા આરોપીએ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા હોવાની કબુલાત કરી હતી. જે બાબતે ખરાઇ કરી આરોપી મહુવા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબ ના કામે નાસતો ફરતો આરોપી હોય તેને કરી આગળની કાર્યવાહી માટે મહુવા પોલીસને સોંપ્યો છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારી મેહુલ વાળીયાએ ૨૩ જુલાઈ ૨૦૨૦ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તાહેર અકબરઅલી માસારોડવાલા અવાર-નવાર દુકાનેથી જથ્થાબંધ મોબાઈલ ખરીદતો હતો. જેમાં તે ખરીદી વખતે થોડા રૂપિયા રોકડા આપતો અને બીજા બાકી રાખતો હતો. છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન તેનું મારી પાસે ૧૭ લાખ ૭ હજાર ૯૫૦ રૂપિયાનું બીલ બાકી હતું. વારંવાર બીલની રકમની માગણી કરી હતી પરંતુ તેણે જૂદા જૂદા વાયદા બતાવી રકમ ચૂકવી ન હતી અને મહુવાથી અન્ય સ્થળે જતો રહ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.
મેહુલ વાળીયાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, મારી જેમ જ મહુવાના ૧૦ વેપારીઓ પાસેથી તેણે મોબાઈલ લીધા હતા અને બીલની રકમ ચૂકવી ન હતી. જેમાં આરકે એન્ટર પ્રાઇઝને ૩.૭૦ લાખ, મેજીક એન્ટરપ્રાઈઝને ૧.૩૫ લાખ, આરીશ એન્ટરપ્રાઇઝને ૨૦૫૭૬, આલીશાન મોબાઈલના માલિકને ૭૩૦૫૦, શિવ એન્ટરપ્રાઇઝને ૪૩૭૬૨, જય અંબે ટેલિકોમને ૧.૩૨ લાખ, જય ખોડીયાર મોબાઈલને ૧૩૫૦૦, ન્યૂ એવન મોબાઈલને ૩૩ હજાર, વેલકમ મોબાઈલને ૪૩૯૬૦ અને ક્લાસિક મોબાઈલના માલિકને ૮૬૨૦૦નું બીલ આરોપીએ ચૂકવ્યું ન હતું. આમ કુલ ૨૬ લાખ ૫૯ હજાર ૨૩૨ રૂપિયાની રકમ બાકી રાખી વિવિધ વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી.

Previous articleભાવનગરમાં કોબડી પાસે ટ્રેક્ટરમાંથી ૮૫ કિલોના પોશ ડોડા સાથે ૧ ઝડપાયો
Next articleરાજ્યમાં સૌ પ્રથમ ભાવનગર કોર્પોરેશન દ્વારા ઈકો બ્રિક પાર્કનું થશે નિર્માણ