ગુજરાત માં સૌપ્રથમ વાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઈકોબ્રીક પાર્કની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સફાઈ કામદારો અને નગરજનો દ્વારા છેલ્લા એક મહિનામાં ૩૦ હજાર જેટલી ઈકોબ્રિક એકઠી કરવામાં આવી છે. પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં પ્લાસ્ટિકની નોન રિસાયકલેબલ થેલીઓ ભરીને બનાવવામાં આવે છે. ઈકોબ્રિક નાં લીધે એક નાની બોટલમાં અનેક ચો. ફૂટનું પ્લાસ્ટિક ભરી શકાય છે. જમીન , હવા અને પાણીનું પ્રદૂષણ પણ અટકે છે. આ ઈકોબ્રિક દ્વારા અત્યારે એક ટ્રી ગાર્ડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
જેમાં બોટલોનો ગોળાકાર ગોઠવીને પછી સિમેન્ટ માટીથી જેમ દીવાલ બનાવવામાં આવે તેમ આકાર આપવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા ગાર્ડનમાં હજી એક્યુપ્રેશર માટે પણ બોટલ અને પત્થર પાથરવામાં આવશે જેથી મોટી ઉંમરના લોકો અહીં ચાલવા માટે આવે તો તેઓને ફાયદો પણ થાય. પ્રાપ્ત થયેલ ઈકોબ્રિક માંથી પાર્ક નાં મેઈન રસ્તા પર પણ રસ્તો બનાવવામાં આવશે. ઉપરાંત પ્લાસ્ટિક ની ઈકોબ્રિકમાંથી કચરાપેટી બનાવવાની યોજના છે. અત્યાર સુધી એકત્ર થયેલી બોટલથી આ તમામ પ્લાન પર કામ નહિ કરી શકાય કમિશનર એમ. એ ગાંધી દ્વારા પણ લોકો વધુને વધુ ઈકોબ્રિક બનાવીને મ. ન.પા ને સપોર્ટ કરે તેમ કહેવાયું છે.