કોરોના મહામારીના કાળ દરમિયાન લોકડાઉનના વિવિધ તબક્કાઓ બાદ લગભગ અગિયાર મહિના જેટલા લાંબા સમયના અંતે હવે સરકાર દ્વારા તબક્કાવાર શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે બીજા તબક્કામાં ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો શરૂ કરવા માટેની તેમજ ખાનગી ટ્યૂશન ક્લાસ શરૂ કરવા માટેની મંજૂરી અપાતા ભાવનગરમાં વિવિધ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. વૈશ્વિક મહામારી કોરોના ને લઈને સમગ્ર ભારતમાં લોકડાઉન આપ્યા બાદ ગત માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ હતી અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે ઓનલાઇન શિક્ષણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે સરકાર દ્વારા કોરોનાનો કહેર હળવો થતાં શાળા કોલેજો શરૂ કરવા માટેની તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે.પ્રથમ તબક્કામાં ધોરણ-૧૦ અને ૧૨ની શાળાઓ તેમજ કોલેજો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ બીજા તબક્કામાં સરકાર દ્વારા ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા માટે તેમજ ટ્યુશન ક્લાસ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવતા સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગર જિલ્લામાં પણ ૯ અને ૧૧ના વર્ગ શરૂ કરાયા છે.
સરકાર ની ગાઈડલાઈન મુજબ શાળા ખાતે વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી તમામના હાથ સેનિટાઇઝ કર્યા અને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓને શાળા દ્વારા સ્વાગત કરી મોં મીઠા કરાયા હતા, વર્ગખંડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે ૧૧ મહિના બાદ વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસક્રમમાં જોડાયા છે જેને લઇને વિદ્યાર્થીમાં પણ ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો, કારણ કે ઓનલાઈન માં ખૂબ જ મુશ્કેલીઓ અને તકલીફો તેમજ શાળાઓમાં આવી મિત્ર સાથે ધીંગામસ્તી સાથે અભ્યાસ કરતા હતા તે હવે ફરીવાર ૧૧ મહિના પછી શરૂ થતા એક ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી સમયમાં આવનારી વાર્ષિક પરીક્ષાઓ ને લઈને પણ વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટેની વ્યવસ્થાઓ શાળાઓ દ્વારા કરી દેવાય છે અને વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા સંચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.