અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ૧૯ પ્લોટ ધારકોને ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા શોર્ટ એલડીટી બાબતે પ્લોટ રદ્દ કરવા અંગેની કારણદર્શક નોટિસો પાઠવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ કેન્દ્ર સરકાર અલંગ શિપબ્રેકિંગને સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તાજેતરમાં બજેટમાં પણ અલંગની ક્ષમતા બમણી કરવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અલંગની કામગીરીમાં વિક્ષેપ ઉભા કરવાના પ્રયત્નો કરવામાં આવે છે અને સાગમટે ૧૯ શિપબ્રેકરોને શોર્ટ એલડીટી અંગેની નોટિસો પાઠવાતા દેકારો મચી ગયો છે.
૩૦ મીટર સુધીના પ્લોટમાં ૧૨,૫૦૦ એલડીટી, ૬૦ મીટરના પ્લોટમાં ૧૭,૫૦૦ એલડીટી, ૧૨૦ મીટરના પ્લોટમાં ૨૨,૫૦૦ એલડીટી, ૧૨૦ મીટરથી વધુ માપના પ્લોટમાં ૨૫,૦૦૦ એલડીટી નિયમ મુજબ ૫ વર્ષ દરમિયાન જહાજો કાપવાના હોય છે. ૧૯ શિપબ્રેકરોને પાઠવવામાં આવેલી નોટિસો મુજબ, તેઓએ નિયમ મુજબની એલડીટી પાંચ વર્ષ દરમિયાન કાપી નથી. શિપબ્રેકરોની દલીલ છે કે હોંગકોંગ કન્વેન્શન મુજબના પ્લોટની સવલતો ઉપલબ્ધ કરાવવા માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. અનેક પરિબળોને કારણે પાંચ વર્ષ દરમિયાન એલડીટીમાં જે તફાવત રહ્યો છે, તે આગામી પાંચ વર્ષના સ્લોટમાં પરિપૂર્ણ કરવાની બાંહેધરી પણ આપવા તૈયાર છે. કોરોનાને કારણે વ્યવસાયો અસરગ્રસ્ત બન્યા હતા તેને પણ ધ્યાને લેવું જરૂરી છે. શિપબ્રેકરોને ઉપયોગી થવાને બદલે નોટિસો પાઠવવાની જીએમબીની પ્રવૃત્તિ અવાંતર હેતુ તો નથી ને એવી ચર્ચા પણ જાગી છે. ઉપપ્રમુખ, અલંગ શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો-ઇન્ડીયાએ જણાવ્યુ છે કે, કોરોના કાળમાં તંત્ર સહકાર આપે જીએમબી દ્વારા ૧૯ પ્લોટ ધારકોને આ એલડીટી પૂર્ણ નહીં થતા નોટિસો પાઠવવામાં આવી છે. નાના પ્લોટ મુજબના જહાજોની ઉપલબ્ધતા ઓછી હોવી, કોરોના કાળ દરમિયાન વ્યવસાય બંધ અને મંદ હોવા, આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઓછી ઉપલબ્ધતા હોવી, બેંક સમસ્યા, ફેમિલી સમસ્યા, માર્કેટના ચઢાવ-ઉતારને કારણે અમુક શિપબ્રેકરોને ૫ વર્ષના સ્લોટમાં ૫૦૦ ટન જેવી ઘટ આવે છે.