આગામી તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ ભાવનગર મહાપાલિકાના ૧૩ વોર્ડની યોજાનાર ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ શનિવાર સુધીમાં કુલ તમામ વોર્ડમાંથી ૪૯૨ ફોર્મ ભરાયા હતા અને આજે સવારથી જે તે રિર્ટનીંગ ઓફીસર સમક્ષ ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી હતી જેમાં કુંભારવાડા વોર્ડનાં મહિલા ઉમેદવારના મેન્ડેટમાં અટક ખોટી આવતા ભાજપના ઉમેદવારોએ વાંધો ઉપાડ્યો હતો. આથી આ મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. તે મહિલાના ડમી ઉમેદવારનું ફોર્મ પહેલેથી જ રદ થયું છે ત્યારે ઓરીજનલ ઉમેદવારનું ફોર્મ પણ વાંધો આવવાના કારણે રદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે.
કોંગ્રેસ દ્વારા એક તો છેલ્લી ઘડીએ કુંભારવાડા અને ચિત્રા- ફુલસર વોર્ડના નામોની યાદી જાહેર કરી અને છેલ્લી ક્ષણોમાં મેન્ડેટ આપ્યા હતા અને તેમાં પણ સીટીંગ મહીલાને કાપીને તેની જગ્યાએ નવા ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી હતી જેના કારણે કુંભારવાડા વોર્ડમાં પહેલેથી જ મહિલાઓ નારાજ છે અને કાર્યાલયે હોબાળો પણ મચાવ્યો હતો અને તે વોર્ડનાં જ મહિલા ઉમેદવાર શિલ્પાબા જયદેવસિંહ રાણાને ટીકીટ આપવામાં આવી હતી. પરંતુ તેના મેન્ડેટમાં શિલ્પાબા જયદેવસિંહ ગોહિલ લખાયેલું હતું અને ફોર્મ ચકાસણીમાં આ મામલો સામે આવ્યો હતો આથી ભાજપના ઉમેદવારોએ તેનો વાંધો ઉપાડ્યો હતો અને ફોર્મ રદ કરવા ર્ઇં સમક્ષ ઉગ્ર રજુઆત કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, આ મામલે રીર્ટનીંગ ઓફીસરે મહિલા ઉમેદવારને પોતાની સાચી અટક સાથેનું મેન્ડેટ ત્રણ વાગ્યા સુધીમાં પહોંચાડવા જણાવ્યું હતું અન્યથા ફોર્મ રદ ગણવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસના આ મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થવાની પૂર્ણ શક્યતાઓ જણાઇ રહી છે ત્યારે જો આ મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થાય તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે ેછે. ત્યારે ભાજપના ઉમેદવારો ફોર્મ રદ કરાવવા પુરૂ જોર લગાવી રહ્યા છે.