રાંધણગેસના બાટલામાં સતત ભાવ વધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોના આર્થિક બજેટને સીધી અસર પહોંચી છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. તેજ રીતે ગેસ સીલીન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકાતા લોક રોષ ભભૂકી ઉઠયો છે. રાજકીય પક્ષો મૌનીબાબા બની ગયા છે. જે પ્રમાણે વિરોધ થવો જોઈએ તેવો વિરોધ દેખાતો નથી.
ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૩.૧ સુધી ૧૪.૨ કિ.ગ્રામ ગેસના બાટલાનો ભાવ રૂ. ૭૦૨ હતો તે વધીને તા.૧૫.૨ ના રોજ રૂા ૭૭૭ થયો છે. તા.૨૩ જાન્યુઆરી અને ૧૫ ફેબુ્રઆરી વચ્ચે બે તબક્કે અનુક્રમે રૂા૨૫ અને રૂા. ૫૦ મળીને કુલ રૂા ૭૫ ના ભાવવધારાનો બોજ જનતા પર ઝીંકાયો છે. ગત તા. ૧૫.૨ના રોજ ઝીંકવામાં આવેલ રૂા ૫૦ના ભાવ વધારા પહેલાં તા.૧૪.૨ના રોજ આ તાલુકાની ગેસ એજન્સીમાં જે ગ્રાહકોના કેશ મેમો રૂા ૭૨૭ ના બની ગયા હતા, પરંતુ બાટલાની ડીલીવરી કરવામાં નહોતી આવી તેવા ગ્રાહકોના બની ગયેલા કેશ મેમો રદ કરીને તા.૧૫મી ફેબુ્રઆરીના રોજ ગેસ એજન્સીમાં સોમવારની રજા હોવા છતાં નવા કેશ મેમો નંબર સાથે નવા ભાવ રૂા ૭૭૭ના કેશ મેમો બનાવીને તા.૧૬ ફેબુ્રઆરીએ ભાવવધારા સાથે બાટલા વિતરિત કરવામાં આવ્યા હતા. આ રીતે તા.૧૪ ને રવિવારે બીલ બની ગયા છતાં બાટલાની ડીલીવરી ન કરીને એજન્સીએ પોતાની અઠવાડિક રજાના દિવસે કેશ મેમા નવેસરથી બનાવીને ગ્રાહકો પાસેથી ભાવ વધારો લેવામાં આવ્યો છે તેની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ભાવ વધારો કાબુમાં લેવા લોક માંગ ઉઠવા પામી છે.