રેલ્વે કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોની રજુઆત તંત્રને વારંવાર કરી હોવા છતા આ પ્રશ્નોનું નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. ત્યારે રેલ કર્મચારીઓ રપમી ફેબ્રુઆરીના દિવસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરશે. રેલવે વર્કશોપના કર્મચારીઓએ તેમની જુદી જુદી માગને લઈ રેલવે તંત્ર સમક્ષ અવાર-નવાર રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને પ્રાઈવેટ ડોક્ટરના સર્ટીફિકેટ (પીડીસી)ને માન્ય ગણી શરૂ કરવામાં આવે, મેનપાવર ઘટાડી કામ વધુ, કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખવું, શોષણ અટકાવવું, તબિયત બગડે તો કામનો સમય બદલાવવો, પીવાના પાણીની અનિયમિતતા દૂર કરવી, જર્જરીત સ્ટાફ ક્વાર્ટરની સમસ્યા અને રિપેરીંગ કામ, ડસ્ટ પ્રૂફ વર્કશોપનું વચન પૂરૂ કરવું, બદલી માગતા કર્મચારીઓને ન્યાય આપવો, ઈન્સેન્ટિવની માગણી પ્રી કરી, નિવૃત્ત થયેલા કર્મચારીઓની ખાલી જગ્યા પૂરવી, ૬ વર્ષથી કામ કરતા યાર્ડ ગેંગમેનને સેક્શનમાં રાખવા અને ગ્રેડ-૨ અથવા ગ્રેડ-૩ને યાર્ડ ગેંગથી બહાર સેક્શનોમાં રાખવા, કંડમ થયેલા વાહન-વ્હીકલને દૂર કરવા અને વર્કશોપામાં આઉટ સોર્સની નીતિ નાબૂદ કરવા સહિતની માગણી છે. જે પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતા વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ-ભાવનગર ડિવિઝન દ્વારા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે ૨૫મી ફેબુ્રઆરીથી ધરણાં પર બેસી જવાનો નિર્ધાર કરાયો છે.
જ્યાં સુધી તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો વર્કશોપના તમામ સેક્શનના ૫-૫ કર્મચારી દરરોજ અલગ-અલગ દિવસે સવારે ૮ થી સાંજના ૫ કલાક સુધી ધરણાં બેસશે. આ ઉપરાંત સાંજે પાંચ કલાકે ઢોલ-નગારા સાથે કર્મચારીઓ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન યોજશે તેમ ડબ્લ્યુઆરએમએસના ડિવિઝનલ સેક્રેટરી બી.એ. ડાભીએ જણાવ્યું હતું.