ગુજરાત ભાજપનો ગઢ, કોંગ્રેસના ગામડાંઓમાંથી પણ સૂપડાં સાફ

276

ગુજરાતને વધુ એક વખત ભાજપનો ગઢ પુરવાર કરતા પરિણામો પાલિકા અને પંચાયતોની મતગણતરીમાં સામે આવ્યા છે. ગુજરાતમાં ૮૧ નગરપાલિકાની ૨,૭૨૦ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતની ૪,૭૭૪ બેઠકો તેમજ ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૦ બેઠકો પર ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી બાદ મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. સાંજે સાત વાગ્યા સુધીમાંતાલુકા પંચાયતમાં ભાજપને ૩૩૨૨, કોંગ્રેસને ૧૨૪૩, અપક્ષને ૨૧, બીએસપીને ૪ અને અન્યોને ૧૬ બેઠક મળી છે. જિલ્લા પંચાયતોમાં ભાજપે ૭૮૫, કોંગ્રેસે ૧૬૭, અપત્રે ૩, આપે ૨, બીએસપીએ ૧ અને અન્યે ચાર બેઠક અંકે કરી છે જ્યારે નગર પાલિકામાં ભાજપે ૨૦૬૩, કોંગ્રેસે૩૮૫, અપક્ષોએ ૧૭૨, આપે ૯, બીસપીએ ૬ અને અન્યોએ ૨૪ બેઠક પર કબજો જમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણી નેતાઓએ ભાજપના વિજયોત્સવની ઉજવણી ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો સાથે કરી હતી. પાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામો જોતા ગુજરાતમાં ભાજપનું ‘વિજય’ રોડરોલર ફરી વળ્યું છે અને ગામડામાંથી પણ આ વખતે કોંગ્રેસનો સફાયો કરી દીધો છે.
સાંજે સાત વાગ્યા સુધીમાં ભાજપ મોટા ભાગની જિલ્લા પંચાયતમાં આગળ હોવાનું જણાયું છે. આ ઉપરાંત મોટાભાગની પાલિકા અને તાલુકા પંચાયતો પણ ભાજપે કબ્જે કરી છે અને કોંગ્રેસની પારંપરિક બેઠકો પણ છીનવી લીધી છે. સૌરાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે કોંગ્રેસનો બીજો વિકલ્પ બની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૨ બેઠકો પર વિજય મેળવ્યો છે, બહુજન સમાજ પાર્ટીએ ૧૧ અને ૪૪ બેઠકો પર અન્યોનો વિજય થયો છે. ચૂંટણી અગાઉ ૨૩૭ બેઠકો બિનહરિફ રહેતા ભાજપના ઉમેદવારોની ચૂંટણી લડ્યા વગર જીત થઈ હતી.
આ સાથે જ બે તાલુકા પંચાયત અને ૨૩ નગરપાલિકા બેઠક માટે પેટા-ચૂંટણી પણ યોજાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નગરપાલિકામાં ભાજપે ૨૦૬૩ બેઠકો જ્યારે કોંગ્રેસે ૩૮૫ બેઠકો મેળવી છે અને આમ આદમી પાર્ટીએ ૯ બેઠકો મળેવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં ભાજપે ૩૩૨૨ અને કોંગ્રેસે ૧૨૪૩ બેઠકો પર જીત મેળવી હોવાનું જણાયું છે તેમજ ૧૧૫ બેઠકો પર અન્ય વિજેતા જાહેર થયા છે. જિલ્લા પંચાયતમાં ૭૮૫ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ ૧૬૭ પર જીત મેળવી શકી છે. ૧૦ બેઠક પર અન્ય ઉમેદવારોનો વીજય થયો છે. પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકો પર જીત મેળવશે તેવી ધારણા છે. રાત સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

Previous articleવૃધ્ધાશ્રમમાં વડીલોને રસી અપાઇ
Next articleઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં કરૂણ મોત