(જી.એન.એસ)અમદાવાદ,તા.૩
ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચના એક દિવસ પહેલાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે સ્પિનિંગ વિકેટ્સ વિશે વધારેપડતી ચર્ચા થઈ રહી છે. આપણા મીડિયાએ એક વ્યૂ પ્રેઝન્ટ કરવો જોઈએ કે સબકોન્ટિન્ટમાં સ્પિનને મદદ કરતી વિકેટ્સ વાજબી છે. તમે જ કહો ટેસ્ટ ક્રિકેટમાં મેચ ૫ દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?કોહલીએ વધુમાં કહ્યું હતું કે અમે ન્યૂઝીલેન્ડમાં ૩ દિવસની અંદર હારી ગયા ત્યારે કોઈએ પિચ અંગે વાત નહોતી કરી. ભારતીય ટીમની તાકાત છે કે અમે ટીમ તરીકે પોતાના પર ફોકસ કરીએ છીએ અને પિચને હાઇલાઇટ કરતા નથી. એક બેટ્સમેન તરીકે મારું કામ રન બનાવી ટીમને મેચ જિતાડવાનું અને ઇન્ડિયન ક્રિકેટને આગળ લઈ જવાનું છે.તેણે વધુમા કહ્યું હતું કે મને ખબર નથી પડતી કે ત્રીજી ટેસ્ટ પછી બોલ અને પિચ બાબતે આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે. મેચમાં બંને ટીમના બેટ્સમેનોએ ખરાબ દેખાવ કર્યો હતો. પિચ ખરાબ હતી તેવું નહોતું, પરંતુ બેટ્સમેન પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. તેઓ પોતાની સ્કિલનો ઉપયોગ કરી શક્યા નહોતા. આગામી મેચ વિશે કોહલીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદમાં ગરમી વધી છે અને મેચમાં એની ઇમ્પૅક્ટ રહેશે.